પાટણના સરકારી કોન્ટ્રાક્ટર એસોશિએશન દ્વારા કલેક્ટરને આવેદનપત્ર આપી રજૂઆત કરાઈ..
પાટણ તા. 16 ગુજરાત રાજ્યમાં સરકારી કોન્ટ્રાકટરોની વ્યાજબી માંગણીઓ અંગે 17 માસ પહેલા થયેલ પરિપત્રોની તાત્કાલિક અમલવારી બાબતે ગુરૂવારે પાટણ જિલ્લા કોન્ટ્રાક્ટર્સ એસોસિએશન ની આગેવાની હેઠળ પાટણ જિલ્લા કલેકટરને આવેદન પત્ર આપી 17 માસ પૂર્વે થયેલા પરિપત્ર ની જલ્દી થી અમલવારી કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી અને જ્યાં સુધી પરિપત્ર ની અમલવારી કરવામાં નહિ આવે ત્યાં સુધી રાજ્ય ના એક પણ કોન્ટ્રાકટર સરકારી ટેન્ડરો ભરવાથી અળગા રહેશે તેમ એસોસિએશન ના સભ્યોએ જણાવ્યું હતું. ગુજરાત કોન્ટ્રાક્ટર્સ એસોસિએશનની મુખ્ય ત્રણ માંગણીઓ હતી જે ગુજરાત સરકાર દ્વારા 17 માસ પહેલા સ્વીકારવામાં આવી હતી અને તેના પરિપત્રો પણ થઇ ગયા છે.
તે માંગણીઓ માં સરકારના તમામ વિભાગો માં સ્ટાન્ડર્ડ બીડીંગ ડોક્યુમેન્ટ મુજબ ટેન્ડર કાઢવામાં આવે, GST વગરના ટેન્ડર બહાર પાડવામાં આવે, અને દરેક જિલ્લાવાર નવા SOR બનાવવામાં આવે. ગુજરાત સરકારના માર્ગ અને મકાન વિભાગ દ્વારા જે માર્ચ-2022માં માંગણીઓ સ્વીકારેલી અને તેના પરિપત્રો પણ કયૉ હતા પરંતુ આજે 17 માસ પછી પણ તે પરિપત્રોની અમલીકરણ ન થવાથી કોન્ટ્રાકટરો ખૂબજ આર્થીક મુશ્કેલીઓ ભોગવી રહ્યા છે અને ના છૂટકે તા.01-08-23 થી ગુજરાતના તમામ કામોના ટેન્ડર ભરવા નહિં તેવો નિર્ણય કરવામાં આવ્યો છે, તે અંગે મુખ્ય મંત્રીને તા.25- 07-2023 અને 13-08-2023ના રોજ પત્રો દ્વારા પણ જાણ કરવામાં આવી છે. ઉપરોક્ત ત્રણે માંગણીઓ ધ્યાને લઇ ગુજરાત સરકારમાં આપના દ્વારા યોગ્ય રજુઆત થાય તેવી જીલ્લાના સર્વે કોન્ટ્રાકટરો વતીથી કલેકટર ને વિનંતી કરી હતી. આ આવેદનપત્ર આપવા બાબતે પાટણ જિલ્લા કોન્ટ્રાક્ટર એસોસિએશન ના પ્રમુખ બીપીનચંદ્ર પટેલે જણાવ્યું હતું કે અગાઉ થઈ ગયેલા પરિપત્રનો જલ્દીથી અમલ થાય તે માટે જિલ્લા કલેકટરને આવેદનપત્ર આપવામાં આવ્યું છે અને જ્યાં સુધી અમારી ત્રણ જેટલી પડતર માંગણીઓ પૂર્ણ કરવામાં નહીં આવે ત્યાં સુધી પાટણ જિલ્લા સહિત રાજ્યના એક પણ કોન્ટ્રાક્ટર સરકારના પ્રસિદ્ધ થયેલા ટેન્ડરો ભરશે નહીં તેવું તેઓએ જણાવ્યું હતું.
અહેવાલ યશપાલ સ્વામી