પાટણ તા. 29 હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ કે જેઓએ આંતરરાષ્ટ્રીય સંશોધન ક્ષેત્રે ફેલોશીપ મેળવેલ છે તેઓને યુનિવર્સિટીના કા. કુલપતિ, કા. કુલસચિવ દ્વારા પ્રોત્સાહિત કરવા એક નવો અભિગમ અમલમાં મુકવામાં આવ્યો છે. યુનિવર્સિટીના કા.કુલપતિ ડો.રોહિતકુમાર દેસાઈ દ્વારા શરૂ કરવામાં આવેલા આ નવીન અભિગમ અંતર્ગત મંગળવારે લાઇફ સાયન્સ ભવનના વિદ્યાર્થીઓ પ્રતીકકુમાર દેસાઈ, વસંતકુમાર રબારી, કુ. ડિમ્પલ ઠક્કર તથા MSC ની વિદ્યાર્થીની કુ.સખી ડાભીને આ વર્ષ દરમિયાન આંતરરાષ્ટ્રીય ફેલોશીપ તથા ગ્રાન્ટ મળેલ હોય જે તમામ વિદ્યાર્થીઓને કા. કુલપતિ દ્વારા રૂબરૂ બોલાવી સર્ટિફિકેટ તથા ગુલાબનું ફૂલ આપી સન્માન કરી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.
આ પ્રસંગે કા. કુલપતિ એ વિદ્યાર્થીઓને શીખ આપી જણાવ્યું હતું કે તેઓએ જે સંશોધન કર્યું છે તેનું પ્રકાશન પણ સારી ગુણવત્તાવાળી જર્નલમાં કરવું જોઈએ અને ત્યારે જ આ ફેલોશીપ યથાર્થ થઈ લેખાશે. કા.રજીસ્ટ્રાર ડો.કે.કે. પટેલે પણ ઉત્તમ સંશોધન કરી યુનિવર્સિટીને ગૌરવ અપાવવા બદલ તમામ વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવ્યા હતા. કો.ઓડિનેટર ડો. નિશીથ ધારૈયા એ યુનિવર્સિટીના સેન્ટર ફોર ઇન્ટરનેશનલ કો-ઓપરેશન એન્ડ સ્ટડીઝ દ્વારા યુનિવર્સિટી કેમ્પસ ખાતેના પી.જી. તથા પીએચડીના વિદ્યાર્થીઓને આ અંગે માર્ગદર્શન આપી વિવિધ આંતરરાષ્ટ્રીય તથા ફેલોશિપ અંગેની માહિતી પૂરી પાડવામાં આવતી હોવાનું જણાવ્યું હતું.
અહેવાલ યશપાલ સ્વામી