આટૅસ એન્ડ કોમૅસ કોલેજ ચાણસ્મા ના સંસ્કૃત વિભાગના ઉપક્રમે કાર્યક્રમ યોજાયો..
પાટણ તા. 9 આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ, ચાણસ્માના સંસ્કૃત વિભાગના ઉપક્રમે આયોજિત સંસ્કૃત ગૌરવ દિનની ઉજવણી પ્રસંગે વિદ્યાર્થીઓ દ્વારા સંસ્કૃત ભાષામાં ગીતગાન, વાર્તાકથન, સ્તોત્રગાન, સંસ્કૃત ભાષામાં સ્વપરિચય અને વ્યાખ્યાન જેવા કાર્યક્રમ યોજાયા હતાં. આ પ્રસંગે સંસ્કૃત વિષયના એસોસિએટ પ્રોફેસર ડૉ.જિતેન્દ્ર વી. પટેલે સંસ્કૃત ભાષાનું વ્યાવહારિક જીવનમાં મહત્ત્વ વિષય પર વ્યાખ્યાન આપતાં ક્હ્યું કે સંસ્કૃત માત્ર એક ભાષા નથી, પરંતુ સંસ્કૃત એક વિચાર છે; સંસ્કૃત એક સંસ્કૃતિ છે, સંસ્કૃત વિશ્વનું કલ્યાણ છે, શાંતિ અને સહકાર છે, વસુધૈવ કુટુંબકમની ભાવના છે. સંસ્કૃતનો અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને ગણિત, વિજ્ઞાન અને અન્ય ભાષાઓ શીખવામાં સરળતા રહે છે. તેના સ્પષ્ટ વ્યાકરણ અને મૂળાક્ષરોની વૈજ્ઞાનિકતાના કારણે તેની શ્રેષ્ઠતા પણ સ્વયં સ્પષ્ટ છે.
સંસ્કૃતમાં વાત કરવાથી માનવ શરીરની નર્વસ સિસ્ટમ સક્રિય રહે છે જેથી વ્યક્તિનું શરીર સકારાત્મક ચાર્જ સાથે સક્રિય બને છે. હિન્દુ યુનિવર્સિટી અનુસાર સંસ્કૃતમાં વાત કરનાર વ્યક્તિ બીપી, ડાયાબિટીસ, કોલેસ્ટ્રોલ વગેરે જેવી બીમારીઓથી મુક્ત રહે છે. સંસ્કૃતમાં વિજ્ઞાન, ભાષા સાહિત્ય અને ટેકનોલોજીના ગૂઢ રહસ્યો છૂપાયા છે. આ પ્રસંગે સમારંભના અધ્યક્ષપદે ઉપસ્થિત હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી, પાટણના કા. કુલપતિ ડૉ. રોહિતકુમાર એન. દેસાઈ એ ક્હ્યું કે સંસ્કૃત ભાષા દેવવાણી છે. જે ભારતીય સંસ્કૃતિના ઉત્તમ અને ઉદાત્ત વિચારોથી ભરપૂર, કલ્યાણકારી જીવન પાથેય પૂરું પાડનાર, અલૌકિક જ્ઞાનના વારસાની અનુભૂતિ કરાવે છે. એ વિશ્વની સર્વ ભાષાઓની જનની છે.
સંસ્કૃત ભાષા કાયમ સંપૂર્ણ ભાષા હતી, છે અને રહેશે. વિદ્વાનોના વિશ્વએ સંસ્કૃતને પવિત્ર, કુદરતી અને વ્યાવહારિક ભાષા માની છે. ભારતીય સંસ્કૃતિમાં જ વિદ્યાભ્યાસ અને શિક્ષણને લગતા મૂલ્યો અને સૂત્રો સંસ્કૃતમાં જ જળવાઇ રહ્યા છે. આ પ્રસંગે સંસ્કૃત વિભાગના અધ્યક્ષા ડૉ. વિણાબેન એસ.રાજ,સમાજશાસ્ત્ર વિભાગના અધ્યક્ષ ડૉ. હિંમતભાઈ એસ.મુળાણી ,ડૉ. ધરતીબેન એચ. ગજ્જર અને સર્વ વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. સંસ્કૃત વિષયના એસોસિએટ પ્રોફેસર ડૉ. અજમલભાઈ એસ.ગામીએ સમગ્ર કાર્યક્રમનું સંચાલન સંસ્કૃત ભાષામાં કર્યું હતું.
અહેવાલ યશપાલ સ્વામી