સિંધવાઈ માતાજી મંદિરે વરબેડા ઉતારી મહિલાઓએ પોતાની બાધા માનતા પરિપૂર્ણ કરી ધન્યતા અનુભવી..
પાટણ તા. 10 પાટણ મોઢ મોદી યુવક મંડળ દ્વારા શ્રાવણ માસના અંતિમ રવિવારે પરંપરાગત ઉજાણી અને બાધા માનતાની વિધિ ઉજવવામાં આવી હતી. પાટણ શહેરમાં વસતા મોઢ મોદી સમાજ દ્વારા શહેરના અલગ અલગ વિસ્તારો માંથી ઉજાણીનું આયોજન કરવામાં આવે છે. ત્યારે આજે રવિવારે હિંગળાચાચર વિસ્તારમાં વસતા મોદી સમાજના કુટુંબો દ્વારા વર્ષોથી ચાલી આવતી વરબેડાનીપરંપરાને અકબંધ જાળવી રાખી હતી. શ્રાવણ માસના અંતિમ રવિવારે મોદી સમાજની જે મહિલાઓએ બાળકની બાધા માનતા રાખી હોય અને પુત્ર જન્મ થયો હોય તેવી 56 મહિલાઓ એ વરબેડા માથે ઉપાડી ખુલ્લા પગે સિંધવાઈ માતાના મંદિર ખાતે વાજતે ગાજતે પ્રસ્થાન કર્યું હતું. ત્યારબાદ આ વરબેડા માતાજી સમક્ષ મૂકી પોતાની બાધા માનતા પૂર્ણ કરી હતી તેમજ માતાજી સમક્ષ શીરાની પ્રસાદીનું નૈવેધ ધરાવી મોદી સમાજે ધન્યતા અનુભવી હતી.
સિંધવાઈ માતાના મંદિરે હવનનું પણ આયોજન કરાયું હતું. જેમાં યજમાન તરીકે પ્રવીણચંદ્ર કેશવલાલ મોદી માધુવાળા પરિવારે લાભ લીધો હતો. આ પ્રસંગે સમાજના દાતાઓનું સન્માન કરવામાં આવ્યું હતું. મોટી સંખ્યામાં જ્ઞાતિ સમાજના લોકોએ જોડાઈ વરબેડા ની ઉજવણીને યાદગાર બનાવી હતી.
અહેવાલ યશપાલ સ્વામી