પાટણ તા. 22 પાટણ રેલ્વે સ્ટેશનથી યુનિ સુધી બનતા બ્રિજ ના કારણે બ્રિજની બંને સાઈડના રોડ ની હાલત દયનીય બની છે ત્યારે ઉપરોક્ત રોડ તાત્કાલિક ધોરણે નવીન બનાવવામાં આવે તેવી લેખિત રજૂઆત પાટણના ધારાસભ્ય દ્વારા પાટણ નગરપાલિકાના ચીફ ઓફિસરને કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે.
પાટણ ધારાસભ્ય દ્વારા ચીફ ઓફિસરને કરાયેલી લેખિત રજૂઆતમાં જણાવ્યું છે કે પાટણ શહેરમાં રેલ્વે સ્ટેશનથી આદર્શ રોડ અને યુનિ સુધી હાલ નવીન રેલ્વે ઓવર બ્રીજનું કામચાલુ છે. આ બ્રિજની બંન્ને બાજુ સર્વિસ રોડ બનાવેલ છે જેની હાલત હાલ ખુબજ ખરાબ છે. વધુમા યસ પ્લાઝા આગળ પાણી ભરાવાની સમસ્યા પણ છે. જયારે પણ થોડો વરસાદ પડે ત્યારે આ રોડ પર પાણી ભરાઈ જાય છે જેથી લોકો અને વેપારીઓ પરેશાન થાય છે. આ રોડ પર સરકારી ઓફિસો, કોલેજ, યુનિ.અને ડીસા કે શિહોરી બાજુ જવાનો મુખ્ય રોડ હોઈ સત્વરે આ રોડ રીપેર કરી લોકોને સલામતી પુરી પાડવા તેઓએ રજુઆત કરવામાં આવી છે.
અહેવાલ યશપાલ સ્વામી