પાટણ તા. 27 સિદ્ધપુર તાલુકાના આંકવી ગામના 31 વર્ષના એક યુવાનને અજાણ્યા સમાજની અજાણી યુવતી સાથે મૈત્રીકરાર કરી લગ્ન કરવાનું ભારે પડી ગયું હતું. આ યુવતી અને તેના દલાલ સહિત અન્યો લગ્નના માત્ર ત્રણ દિવસમાં જ યુવાનના ઘરેથી વિશ્વાસમાં લઈ ફરી સાથે વિશ્વાઘાત તેમજ છેતરપીંડી કરી રૂ.2 લાખ રોકડા તથા સોનાનું મંગળસૂત્ર આશરે દોઢ તોલાનું તથા સોનાની બુટ્ટી તથા સોનાની ચુની તથા પગની ચાંદીની શેરો વિગેરે મળી કુલ કિં.રૂ.3.17 લાખ લઇ ફરાર થઈ ગયા હોવાની ભોગ બનનાર યુવાન દ્વારા પોલીસ ફરિયાદ કરતાં પોલીસે તપાસ હાથ ધરી છે. આ અંગેની વિગતો એવી છે કે, સિધ્ધપુર તાલુકાના આંકવી ગામે રહેતા કેતનકુમાર સુરેશભાઇ મોહનદાસ પટેલ ઉ.વ.31 તેમના પિતા સુરેશભાઇ સાથે સુરત ખાતે જતા હતા. ત્યારે તેમની બાજુમાં બેઠેલા એક વ્યક્તિ આ પિતા- પુત્રની વાતમાં વચ્ચે બોલતા કહેલ કે, તમારા લગ્ન ન થયેલ હોય તો અહીં સુરતમાં એક રોહીતભાઇ નામની વ્યક્તિ છે જે તમારા લગ્ન માટે કન્યા લાવી આપશે તમારે તેને મળવુ હોય તો તેનો મોબાઇલ નંબર મારી પાસે છે તેમ કહીને તેણે આપેલા નંબર પર કેતન પટેલે ફોન કરીને કહેલ કે, અમારા સમાજમાં કન્યાની અછત હોઈ મને કન્યા ન મળવાના કારણે હું કુંવારો છું. અને કોઇપણ સમાજની કન્યા હોય તો બતાવજો.મારે લગ્ન કરવા છે ત્યારે રોહીતભાઇએ કેતનને કહેલ કે, અમારા સબંધીમાં એક કન્યા છે જેના લગ્ન કરવાના છે તમારે માટે એક કન્યા હોવાનું જણાવતાં કેતન અને તેનાં પિતાએ તા.22/8/23 નાં રોજ સુરતમાં રહેતી અને પ્રાઇવેટ કંપનીમાં નોકરી કરી પરિવારનું ગુજરાન ચલાવતી ઉષા નામની યુવતિ સાથે લગ્ન કરવા રોહિતભાઇ ને બે લાખ આપવાની શરત મૂકતાં લગ્નનું નક્કી કરીને તા.23/8/નાં રોજ ઉષા અને કેતનનાં પરિવારોએ સિધ્ધપુર આવીને વકીલ પાસે મૈત્રી કરાર લેખ કરાવ્યો હતો ને દલાલ રોહિતને રૂા. બે લાખ રોકડા અને ઉષાને રૂા.1.10 લાખનું મંગળસુત્ર અને સોનાનાં દાગીના આપ્યા હતા. તા. 26/8/નાં રોજ કેતન અને તેની નવોઢા પત્નિ ઉષા બંને જણા કેતનની બહેનને મળવા વિસનગર ગયેલાને ત્યાંથી પાછાં આવતાં ઊંઝા બસ સ્ટેન્ડ મા ઉષા એ પોતાના પતિ કેતનને પોતાને ઉલટી જેવું થતું હોય પાણી ની બોટલ લાવી આપવાનું જણાવતાં કેતન પાણી ની બોટલ લઈ પરત આવતાં ઉષા સ્થળ પર જોવા ન મળતા તેને શોધખોળ હાથ ધરી હતી પરંતુ કોઈ જગ્યાએ તેની ભાળ ન મળતા તે લગ્ન કરી ને છેતર્યો હોય આ બાબતે પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા વધુ તપાસ પોલીસે હાથ ધરી છે.
અહેવાલ યશપાલ સ્વામી