પાટણ જિલ્લાના 35 પરીક્ષા કેન્દ્ર પર કુલ 8975 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે..
પાટણ તા. 11
આગામી 15 મી ઓકટોબર ના રોજ નાયબ સેક્શન અધિકારી અને નાયબ મામલતદાર વર્ગ-3 ની પરીક્ષા યોજાનાર છે. જે અન્વયે બુધવારે જિલ્લા સેવા સદન પાટણ ખાતે પરીક્ષાની પૂર્વ તૈયારીઓના ભાગરૂપે બેઠક મળી હતી.જિલ્લા કલેક્ટર અરવિંદ વિજયન ના અધ્યક્ષ સ્થાને મળેલી બેઠકમાં પરીક્ષા અંતર્ગત જિલ્લા વહીવટી તંત્રની વિવિધ તૈયારીઓનો ચિતાર આપવામાં આવ્યો હતો. બેઠકમાં વિવિધ અધિકારીઓ સાથે પરીક્ષા ના દિવસે તેમજ પરીક્ષા પૂર્વે અને પરીક્ષા બાદ કરવાની થતી કામ ગીરીની ચર્ચા કરવામાં આવી હતી.તા.15 મી ઓકટોબર નાં રોજ પાટણ જિલ્લાના 35 પરીક્ષા કેન્દ્રો પર કુલ 8975 વિદ્યાર્થીઓ સવારે 11:00 થી બપોરે 1:00 વાગ્યા સુધી પરીક્ષા આપશે. નાયબ સેક્શન અધિકારી અને નાયબ મામલતદાર વર્ગ 3 ની યોજાનાર પરીક્ષા માટે જિલ્લા વહીવટીતંત્ર દ્વારા પુરતી તૈયારીઓ કરી દેવામાં આવી છે.
પરીક્ષા માટે 35 આયોગ અધિકારી, 35 તકેદારી અધિકારી, 7 ઝોનલ અધિકારી, 35 કેન્દ્ર સંચાલકોની નિમણુક કરવામાં આવી છે.કુલ 35 પરીક્ષા કેન્દ્રો સીસીટીવી થી સજ્જ થઈ કરી દેવામાં આવ્યા છે. 35 પરીક્ષા કેન્દ્રો ની વિસ્તારથી વાત કરીએ તો,પાટણમાં 21 કેન્દ્રો,હારીજમાં 2,ચાણસ્મામાં 3,સિદ્ધપુરમાં 9 કેન્દ્રો પર પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે.પરીક્ષા કેન્દ્રો પર કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતી જળવાઈ રહે તે માટે પુરતો પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો હોવાનું તંત્ર દ્વારા જાણવા મળ્યું છે.
અહેવાલ યશપાલ સ્વામી