શહેરના શારદા સિનેમા વિસ્તારમાંથી પસાર થઈ રહેલ મહિલાને આખલાએ અડફેટમાં લેતા ગંભીર ઈજાઓ પહોચી..
પાલિકા તંત્ર દ્વારા રખડતા ઢોરોને ડબ્બે કરવાની ઝુંબેશ તેજ બનાવાઈ તેવી લોક માંગ..
પાટણ તા. 12
પાટણ નગરપાલિકા દ્વારા ઢોર ડબ્બાની ઝુંબેશ ચાલુ હોવા છતાં પણ કેટલાક વિસ્તારોમાં રખડતા ઢોરોનો ત્રાસ અસહ્ય બનવા પામ્યો છે. ત્યારે આવા રખડતા ઢોરો અવાર નવાર માર્ગ પરથી પસાર થતા રાહદારીઓ તેમજ વાહન ચાલકોને અડફેટમાં લઈ ઇજાઓ પહોંચાડતા હોવાની ઘટનાઓ પ્રકાશમાં આવી રહી છે.
આવી જ ઘટના ગુરુવારે સવારે શહેરના શારદા સિનેમા વિસ્તારમાંથી પસાર થઈ રહેલા શારદા સિનેમા પાસેના નવોમાઢ મા રહેતા રમીલાબેન વિનોદભાઈ પટેલ નામની આધેડ મહિલાને રખડતા આખલાએ અડફેટમાં લેતા તેઓને ગંભીર ઇજાઓ થવા પામી હતી. જોકે આ બનાવ દરમિયાન માર્ગ પરથી પસાર થતા અન્ય રાહદારીઓ એ આખલાના વધુ માર માંથી આધેડ મહિલાને છોડાવી તાત્કાલિક સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા.
પાટણ શહેરના વિવિધ વિસ્તારોમાં તેમજ મુખ્ય બજાર માર્ગો પર અને હાઇવે વિસ્તારમાં રખડતા ઢોરોના ત્રાસને નિવારવા જિલ્લા કલેકટર દ્વારા કરાયેલા આદેશ અનુસાર પાલિકા તંત્ર દ્વારા ઢોર ડબ્બાની કામગીરી હાથ ધરવા માં આવી હોવા છતાં કેટલાક વિસ્તારોમાં રખડતા ઢોરોએ માઝા મૂકી હોય જેના કારણે નિર્દોષ શહેરીજનો તેનો ભોગ બની રહ્યા છે.ત્યારે પાલિકા તંત્ર દ્વારા ઢોર ડબ્બાની ઝુંબેશ વધુ તેજ બનાવી રખડતા ઢોરોને ડબ્બે કરી શહેરીજનોને રખડતા ઢોરોની સમસ્યામાંથી ઉગારવામાં આવે તેવી માંગ શહેરીજનોમાં પ્રબળ બનવા પામી છે.
અહેવાલ યશપાલ સ્વામી