પાટણ તા. 3
શંખેશ્વર મુકામે વાહનવ્યવહાર અને ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ શ્વે. મુ. જૈન ભોજન શાળા શતાબ્દી વર્ષ તથા નૂતન યાત્રિક ભવનના ઉદ્ઘાટન પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા.
નૂતન યાત્રિક ભવનના ઉદ્ઘાટન પ્રસંગને સંબોધિત કરતા વાહન વ્યવહાર અને ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે આપણે સૌ ધર્મ સાથે સંકળાયેલા છીએ.
સર્વના પ્રયત્નોને લીધે શંખેશ્વર ગામના વિકાસ થયો છે. આવનાર સમયમાં રાજ્ય સરકાર સ્વચ્છતા માટે કટિબદ્ધ છે. આજે શંખેશ્વર મુકામે દાદાના દર્શન માટે લાખોની સંખ્યામાં દર્શનાર્થીઓ આવતા હોય છે.
આ તમામ દર્શનાર્થીઓને નવું નિર્માણ પામનાર બસ સ્ટેશન ઉપયોગી થશે. નવિન બસ સ્ટેશનના ખાતમુર્હુત પ્રસંગે મારે અહી આવવાનું થયું છે મને જે અવસર મળ્યો છે એના માટે આપ સૌનો આભાર માનું છું.
મને અમદાવાદ થી શંખેશ્વર આવવા માટે બસોની સ્થિતિ અંગેની જાણકારી મળી હતી જેને અનુલક્ષીને 15 નવીન બસોનું લોકાર્પણ કરવામાં આવ્યું છે. આ નવી બસોને લીધે શંખેશ્વરમાં દાદાના દર્શન કરવા માટે દર્શનાર્થીઓને સુગમતા પ્રદાન થશે.
સમાજના મધ્યમ વર્ગના લોકો સરકારી યોજનાઓ વિશે જાણકારી નથી તો હું તમામ ધર્મશાળાના ટ્રસ્ટીઓને વિનંતી કરું છું કે તેઓ ધર્મશાળામાં એક એવી વ્યવસ્થા કરે જેનાથી અહીં દર્શન આવતા યાત્રાળુઓને સરકારની યોજનાઓ વિશેની જાણકારી મળી રહે.
આ પ્રસંગે રાધનપુર ધારાસભ્ય લવિંગજી ઠાકોર, પૂર્વ કેબિનેટ મંત્રી દિલીપભાઈ ઠાકોર,વિજયભાઈ શાહ, શ્રીયકભાઇ શેઠ,વિપુલભાઈ શાહ, સમીરભાઈ ભણસાલી, કિર્તીભાઇ,દેવલભાઈ શેઠ, વિનોદભાઈ, દેવાંગભાઈ તેમજ જૈન શ્રેષ્ઠીઓ, પદાધિકારીઓ, આગેવાનો ઉપરાંત વિપુલ સંખ્યામાં ધર્મપ્રેમી જનતા હાજર રહી હતી.
અહેવાલ યશપાલ સ્વામી