આ અગાઉ પણ દાતા પરિવાર દ્રારા શાળાની અનેક જરૂરિયાત પુણૅ કરવામાં આવી છે…
પાટણ તા. ૨૩
શ્રીમતી કેસરબાઈ કીલાચંદ સરકારી કન્યા વિદ્યાલય, પાટણ એ પાટણ શહેરની એક માત્ર સરકારી કન્યા વિદ્યાલય છે જેમાં ૪૦૦ જેટલી દીકરીઓ અભ્યાસ કરી રહી છે. છેલ્લા એક વર્ષથી આ શાળા ગરીબ દીકરીઓને આત્મ નિર્ભર બનાવવાની દિશામાં ખૂબ સુંદર પ્રયત્નો કરી રહેલ છે. વ્યવસાયલક્ષી શિક્ષણમાં દીકરીઓને બ્યુટી એન્ડ વેલનેસ તથા હેલ્થ કેર વિષયનું ઉત્તમ શિક્ષણ આપવામાં આવી રહ્યું છે.
શાળામાં આવેલા પ્રાર્થના હોલના રીનોવેશન અને સાઉન્ડ સિસ્ટમની શાળાને ઘણા સમયથી જરૂરીયાત હતી. શાળાના ભૂતપૂર્વ વિદ્યાર્થીની અને અમેરીકામાં સ્થાઇ થયેલા ડૉ. મીનાબેન ઓઝા-પારેખે પોતાના પુત્ર સ્વ.નિરવ પરીખની પુણ્યતિથિ નિમિત્તે શાળાના પ્રાર્થના ખંડને કલરકામ, બાર બારીઓના પડદા, આહુજા કંપનીની સુંદર સાઉન્ડ સિસ્ટમ, કોલર માઇક સેટ, કોડલેસ માઇક સેટની ભેટ અર્પણ કરી છે. ગત વર્ષે પણ ડૉ. મીનાબેને નિરવ ઉદ્યાન બનાવવા સંપૂર્ણ સહયોગ કરેલ સાથે સાથે દીકરીઓ માટે ઝુલાની વ્યવસ્થા પણ કરી આપેલ.આ વર્ષની શરૂઆતમાં શાળાની ૪૦૦ દીકરીઓને નોટબુક- ચોપડાનું દાન પણ તેઓ દ્રારા આપવામાં આવેલ હતું.
અમેરિકામાં રહેતા હોવા છતાં પણ ડૉ મીનાબેન કે કે ગર્લ્સ હાઇસ્કૂલ વિષે સતત ચિંતા કરી પોતાનું યોગદાન આપી વતન પ્રત્યેનું પોતાનું ઋણ અદા કરતા રહ્યાં છે.કે. કે. ગલ્સૅ શાળાના આચાર્ય ડૉ.દિનેશ પ્રજાપતિએ ડૉ. મીનાબેનનો આભાર વ્યક્ત કરવાની સાથે તેઓ તરફથી મળેલી સુવિધાઓ બદલ ઋણ સ્વીકાર કરેલ હતો.
આ પ્રસંગે શાળાના શિક્ષક કમલેશભાઈ સ્વામી,ભીખાભાઈ પ્રજાપતિ, ચેતનભાઇ દેસાઈ, સુનિલભાઈ દેસાઈ, સત્યમભાઈ દલવાડી, જિજ્ઞાસાબેન પટેલ, આરતીબેન યાદવ તથા હરેશભાઇ સહિત સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો.
અહેવાલ યશપાલ સ્વામી