ડો.વી.એમ.શાહની સગર્ભા બહેનો માટેની નિ:શુલ્ક સેવા સરાહનીય છે : જયશ્રીબેન દેસાઈ..
અવની હોસ્પિટલ ખાતે ડો.વી.એમ.શાહ દ્વારા સગર્ભા બહેનોનો નિ:શુલ્ક સારવાર અને નિદાન કેમ્પ યોજાયો..
પાટણ તા. ૧૨
તાજેતરમાં પાટણના રેડ ક્રોસ ભવન ખાતે માતૃશ્રી રમાબાઇ આંબેડકરજીના જન્મજયંતી પ્રસંગે આયોજિત કરાયેલા સગર્ભા બહેનોના નિશુલ્ક નિદાન કેમ્પમાં સેવા આપનાર પાટણના જાણીતા ગાયનેક તબીબ ડોક્ટર વ્યોમેશ શાહ દ્વારા કેમ્પનો લાભ લેનાર તમામ સગર્ભા બહેનોને પોતાની અવની હોસ્પિટલ ખાતે નિશુલ્ક સારવાર અને નોર્મલ તેમજ સિઝેરિયન ડિલિવરી કરી આપવા માટેની જાહેરાત કરી હતી.
જે અનુસંધાને કેમ્પનો લાભ લેનારી 15 જેટલી જરૂરિયાતમંદ સગર્ભા બહેનો ને સોમવારના રોજ ડોક્ટર વ્યોમેશ શાહ દ્વારા પોતાની અવની હોસ્પિટલ ખાતે નિશુલ્ક નિદાન કરી જરૂરી દવાઓ સાથે સગર્ભા કીટ અપૅણ કરવામાં આવી હતી.
અવની હોસ્પિટલ ખાતે ડોક્ટર વ્યોમેશ શાહ દ્વારા સગર્ભા બહેનોને નિશુલ્ક તપાસ અને સારવાર અર્થે આયોજિત કરાયેલા આ કેમ્પમાં ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના મંત્રી જયશ્રીબેન દેસાઈ, પાટણ નગર પાલિકાના પૂર્વ ઉપપ્રમુખ ગીતાબેન સોલંકી, ભારતીય જનતા પાર્ટી મહિલા મોરચાના માનસીબેન ત્રિવેદી એ ખાસ ઉપસ્થિત રહી સેવાભાવી ગાયનેક તબીબ ડો. વ્યોમેશભાઈ શાહની જરૂરિયાત મંદ સગર્ભા બહેનોની કરાતી નિશુલ્ક સેવાને સરાહનીય લેખાવી શુભેચ્છાઓ પાઠવી હતી.
આ પ્રસંગે ડોક્ટર વ્યોમેશ શાહે જણાવ્યું હતું કે સગર્ભા બહેનોની નિશુલ્ક સારવાર કરીને હું કોઈ તેઓની ઉપર ઉપકાર નથી કરતો પરંતુ સગર્ભા બહેનોની સેવા કરવી તે મારી ફરજ છે અને તે સેવાથી હું ખૂબ જ ખુશ છું.Nડોક્ટર વ્યોમેશ શાહ દ્વારા પોતાની અવની હોસ્પિટલ ખાતે આયોજિત કરાયેલા સગર્ભા બહેનો ના નિશુલ્ક નિદાન અને સારવાર કેમ્પ ને સફળ બનાવવા હોસ્પિટલ ના પ્રહલાદભાઈ રાવળ સહિતના સ્ટાફ પરિવારે જહેમત ઉઠાવી કેમ્પ ને સફળ બનાવ્યો હતો.
અહેવાલ યશપાલ સ્વામી