સિધ્ધપુર ગોકુલ ગ્લોબલ યુનિવર્સિટી માં રાજ્યપાલની ઉપસ્થિત મા ચોથો પદવીદાન સમારોહ યોજાયો…

પાટણ તા. ૨૫
સિદ્ધપુર ગોકુલ ગ્લોબલ યુનિવર્સીટીનો ચોથો પદવીદાન સમારંભ રવિવારે યોજાયો હતો. કુલ 1500 થી વધુ વિદ્યાર્થીઓને પદવી એનાયત કરવામાં આવી હતી. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી, કેબિનેટ મંત્રી અને ગોકુલ ગ્લોબલ યુનિવર્સીટીનાં પ્રમુખ એવા બલવંતસિંહ રાજપૂતની ઉપસ્થિતિમાં કુલ 30 વિદ્યાર્થીઓને ગોલ્ડ મેડલ  અને 27 વિદ્યાર્થીઓને સિલ્વર મેડલ એનાયત કરવામાં આવ્યાં હતાં. તદુપરાંત પી.એચ.ડી.નાં વિદ્યાર્થીઓને પણ પદવી એનાયત કરવામાં આવી હતી.

પદવીદાન સમારંભમાં ઉપસ્થિત રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવતાં જણાવ્યું હતુ કે, સમુદ્રમાં વર્ષા થાય તેનું મહત્વ નથી હોતું પરંતુ મરુસ્થલ પર વર્ષા થાય તો તેનું મહત્વ હોય છે. કેબિનેટ મંત્રી બલવંતસિંહ રાજપૂતે આ વિસ્તારમાં ગોકુલ ગ્લોબલયુનિવર્સિટી બનાવીને કંઈક એવું જ કામ કર્યું છે જે બિરદાવવા લાયક છે. આજે દુનિયા દરેક ક્ષેત્રમાં આગળ વધી રહી છે અને એવામાં જો આપણા વિસ્તારના દીકરા-દીકરીઓ પાછળ રહી જાય તો કઈ રીતે ચાલે. મંત્રી બલવંતસિંહ રાજપૂતે શિક્ષાનું આ પગલું ભર્યું છે જેના થકી આપ સૌને શિક્ષા માટેનો ખૂબ સારો અવસર પ્રાપ્ત થયો છે.

રાજ્યપાલે ઉમેર્યું હતું કે, શિક્ષાથી જ વિકાસ સંભવ છે. ઘરમાં એક વ્યક્તિ જો શિક્ષિત હોય તો આખા પરિવારની દિશા બદલાઈ જાય છે. શિક્ષા દ્વારા જ આવનાર પેઢી કેવી બનશે તે કહી શકાય છે. આજે આપણા દેશમાં વિદેશમાં રહેતા લોકો શિક્ષા પ્રાપ્ત કરવા માટે આવી રહ્યા છે. જે આપણા માટે ગૌરવની વાત છે. ગોકુલ ગ્લોબલ યુનિવર્સિટીમાં પણ દુનિયાભરમાંથી વિદ્યાર્થીઓ શિક્ષા પ્રાપ્ત કરવા માટે આવી રહ્યા છે.રાજ્યપાલે વિદ્યાર્થીઓને જણાવ્યું હતું કે, જીવનમાં સત્યનું આચરણ કરવું જોઈએ. અસત્યની નીતિથી હંમેશા દૂર રહેવું જોઈએ. રાજ્યપાલે વિદ્યાર્થીઓને જણાવ્યું હતું કે દીક્ષાંત વખતે ગુરુજી સંદેશ આપે છે કે, જ્યાં રહો જ્યાં જાઓ ત્યાં આપ સૌ ધર્મનું આચરણ કરો.

રાજ્યપાલે ધર્મની વ્યાખ્યા આપતાં જણાવ્યું હતું કે હું પણ સુખી અને મારા સંપર્કમાં આવનાર તમામ લોકો સુખી રહે તે જ સાચો ધર્મ છે. આપ અહીથી જે ડિગ્રી લઈને જાઓ છો, જે શીખો છો તેને લોકોને આપવું તે શિક્ષા લોકોને આપવી તે સાચો ધર્મ છે. રાજપાલે વધુમાં જણાવ્યું હતું કે, વિદ્યા તેવા લોકોને આપજો જેને વિદ્યાની જરૂર છે. જે વિદ્યા આપ ભણો છો જે શિક્ષા આપ પ્રાપ્ત કરો છો તેનાથી આપ જે પણ કોઈ પદ પર બિરાજમાન થાવ છો ત્યાં ઈમાનદારીથી પોતાનું કર્તવ્ય નિભાવજો અને અન્ય લોકોને પણ શિક્ષિત કરજો. માનવતાનું કલ્યાણ થાય, સમાજનો ઉદ્ધાર થાય તેવી વિદ્યા લોકોને આપજો.

અને સૌથી વધારે આપ યાદ રાખજો કે જે માતા પિતાએ આપણને જન્મ આપ્યો છે, જે ગુરુએ આપને શિક્ષા આપી છે તેમને હંમેશા સન્માન આપજો. કારણ કે મા-બાપ પોતાનું દરેક ત્યાગીને આપને શિક્ષા આપે છે અને આપને પગભર બનાવે છે. મા-બાપ પ્રત્યે ગુરુ પ્રત્યે હંમેશા સન્માન અને આદરનો ભાવ રાખજો.રાજ્યપાલે વધુમાં જણાવ્યું હતું કે, દેશને આત્મનિર્ભર બનાવવા માટે જ્યારે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સપનું સેવતા હોય ત્યારે સૌથી વધારે ફાળો આપ સૌ યુવાઓનો રહેશે. આજે આપણે સંકલ્પ લઈએ કે, જ્યાં રહેશું ત્યાં ઈમાનદારી અને સત્યની સાથે રહેશું. હંમેશાં વડીલોનું સન્માન કરીશું અને દેશને આત્મ નિર્ભર તેમજ વિકસિત ભારત બનાવવામાં સહભાગી બનીશું..

પદવીદાન સમારોહમાં ઉપસ્થિત મંત્રી બલવંતસિંહ રાજપૂતે વિદ્યાર્થીઓને સંબોધન કરતાં જણાવ્યું હતુ કે, મારી માતાનું સપનું હતુ કે સરસ્વતી નદીનાં કિનારે વસેલાં આ સિદ્ધપુરમાં શિક્ષણનું એક મોટું ધામ બને. માતા, માતૃભાષા અને માતૃસંસ્થાનો સંગમ એટલે ગોકુલ ગ્લોબલ યુનિવર્સીટી. આજે 1500 થી 1560 વિદ્યાર્થીઓને પદવી અનાયત થવાની છે. 30 વિદ્યાર્થીઓને ગોલ્ડ મેડલ તેમજ 27 ને સિલ્વર મેડલ પ્રાપ્ત થવાના છે. આ તમામ વિદ્યાર્થીઓને હું શુભકામના પાઠવું છું. અહી ગુજરાતી મીડીયમ, સીબીએસસી, પીએચડી સુધીના કોર્સની વ્યવસ્થા કરવામાં આવી છે.

તેમજ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી જે રીતે સ્કિલ આધારિત શિક્ષણ પર ભાર મૂકી રહ્યા છે તેને ધ્યાનમાં રાખીને ગોકુલ ગ્લોબલ યુનિવર્સિટીમાં પણ સ્કીલ આધારિત શિક્ષણ પર ભાર મુકવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. અહીં અનેક મોટી કંપનીઓનું પ્લેસમેન્ટ પણ વિદ્યાર્થીઓને આપવામાં આવે છે. કુલ 18 જેટલા દેશોના લોકો અહીં ભણવા માટે આવે છે. જે ગૌરવની વાત છે. મંત્રીએ ગુજરાતની વાત કરતાં જણાવ્યું હતુ કે, આજે 500 માંથી 100 કંપની ગુજરાતમાં છે જે ગૌરવની વાત છે.  ગુજરાત વિકાસ મોડલ બની રહ્યું છે. 45 લાખ કરોડથી પણ વધારે એમઓયુ અહીં થયા છે. ભારત વિશ્વગુરુ અને ત્રીજી ઇકોનોમી બનવા જઈ રહ્યું છે.

આજે હું ખાતરી આપું છું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનું ભારતને આત્મનિર્ભર બનાવવાનું જે સપનું છે તે સપનાને સાકાર કરવા માટે ગોકુલ ગ્લોબલ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ પણ સહયોગ આપશે. ગોકુલ ગ્લોબલ યુનિવર્સિટીના પદવીદાન સમારંભમાં સીઈઓ રાજેન્દ્રસિંહ રાજપૂત, ટ્રસ્ટી ધર્મેન્દ્રસિંહ રાજપૂત, અર્જુનસિંહ રાજપૂત, પ્રોવોસ્ટ સુનિલ જોશી, રજીસ્ટ્રાર હિંમતસિંહ રાજપુત, યુનિવર્સિટીનો સ્ટાફ અને બહોળી સંખ્યામાં વિદ્યાર્થીઓ તેમજ વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા.