fbpx

પાટણ ખાતે ‘નારી શક્તિ વંદના’ કાર્યક્રમમાં સ્વ-સહાય જૂથોની મહિલાઓને સહાય અર્પણ કરતા મુખ્યમંત્રી..

Date:

પાટણ તા. ૬
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં બુધવારે યુનિવર્સિટી ગ્રાઉન્ડ ખાતે વિકસિત ભારત – વિકસિત ગુજરાત અંતર્ગત ‘નારી શક્તિ વંદના’ કાર્યક્રમમાં ૧૩ હજારથી વધુ સ્વ સહાય જૂથોની ૧.૩૦ લાખથી વધુ મહિલાઓને રૂપિયા ૨૫૦ કરોડથી વધુની સહાય ચૂકવવામાં આવી હતી. આ ઉપરાંત અન્ય યોજનાકીય સહાયના લાભ પણ આપવામાં આવ્યા હતા. વડાપ્રધાન નરેન્‍દ્રભાઈ મોદીએ પશ્ચિમ બંગાળ ના બારાસાતમાં નારીશક્તિ વંદના ઉત્સવમાં કરેલા પ્રેરણાદાયી સંબોધનનું સમગ્ર ગુજરાતમાં યોજાયેલા કાર્યક્રમમાં જીવંત પ્રસારણ કરવામાં આવ્યું હતું.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ તકે જણાવ્યું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વમાં પાછલા દસકામાં મહિલા કલ્યાણલક્ષી અનેક પગલાં લેવાયા છે. માતૃશક્તિને સક્ષમ અને અસરકારક બનાવવા યોજનાઓ નો અસરકારક અમલ થયો છે. મહિલાઓ વધુ સફળ અને પ્રગતિશીલ બની છે. મહિલાઓને સશક્તિ કરણના પ્રહરીમાં પરિવર્તિત કરી છે. આજે મહિલા વિકાસ નહીં, પણ મહિલા સંચાલિત વિકાસની ગેરંટી છે. સમગ્ર દેશમાં ૩૦ કરોડ માતાઓ બહેનો મુદ્રા લોનથી લાભાન્‍વિત થઈ છે. ૩.૧૨ કરોડ દીકરીઓના સુકન્યા સમૃદ્ધિ ખાતા ખૂલ્યા છે. મહિલા ઉદ્યોગકારોની સંખ્યા પણ ઉત્તરો ઉત્તર વધી છે. દેશના અડધા ભાગના સ્ટાર્ટઅપનું નેતૃત્વ મહિલા શક્તિ કરે છે. મહિલાઓની જાહેર જીવનમાં ભાગીદારી સુનિશ્ચિત કરવા સંસદમાં વડાપ્રધાન દ્વારા નારી શક્તિ વંદના અધિનિયમ પસાર કરવામાં આવ્યું છે. વડાપ્રધાને નરેન્દ્રભાઈ મોદીએ બહેનોના સામર્થ્ય અને કૌશલ્યને નિખાર આપવાની ગેરંટી આપી છે તે સાકાર કરતો આ ઉત્સવ છે.

મુખ્યમંત્રીએ જણાવ્યું કે, આ વર્ષના બજેટમાં જ્ઞાન (GYAN) એટલે કે ગરીબ, યુવા, અન્નદાતા અને મહિલા સશક્તિકરણ પર જોર આપીને એ માટે નક્કર કદમ ભર્યા છે. વડાપ્રધાનની દીર્ઘદ્રષ્ટિમાં પંચાયતથી પાર્લા મેન્ટ અને પ્લે ગ્રાઉન્ડથી સ્પેસ સાયન્સ દરેક ક્ષેત્રે નારી શક્તિનું કૌવત ઝળક્યું છે.તેમણે જણાવ્યું કે, નરેન્દ્ર ભાઈ મોદી આવનાર સમય માટે સજજ થઈ સમય પહેલાં જ એડવાન્સ પ્લાનિંગ કરી દે છે. નારી શક્તિના સશક્તિકરણ માટે તેમણે ગુજરાતમાં મહિલા અને બાળ વિકાસ વિભાગની શરૂઆત કરી હતી. રાજ્ય સરકારે સશક્ત સમાજ માટે સશક્ત મહિલાનો કાર્ય મંત્ર અપનાવ્યો છે. સરકારે સશક્તિકરણ, શિક્ષણ, સ્વાસ્થ્ય અને સુરક્ષા પર ધ્યાન આપ્યું છે. વડાપ્રધાનના નેતૃત્વમાં ડબલ એન્જિન સરકાર રાજ્યની જનતા અને મહિલાઓ માટે એડવાન્સમેન્ટ, એમ્પાવરમેન્ટ અને ડેવલપમેન્ટ એમ ત્રિ-પાંખિયા વ્યુહ સાથે સેવારત છે.

મુખ્યમંત્રીએ કહ્યું કે, નારિશક્તિ વંદનાનો આ કાર્યક્રમ રાજ્યની લાખો બહેનોને સખીમંડળ થકી લખપતિ દીદી બનાવવાની વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની ગેરંટીનો વિકાસ ઉત્સવ છે. નરેન્દ્રભાઈ મોદી ગુજરાત ના મુખ્યમંત્રી હતા ત્યારે મહિલાઓના ઉત્થાન માટે ગુજરાત લાઇવલી હુડ પ્રમોશન કંપની શરૂ કરાવીને મહિલાઓને આર્થિક રીતે પગભર કરવાની દિશામાં વ્યવસ્થા શરૂ કરાવી હતી. રાજ્ય સરકારે ગ્રામીણ મહિલાઓને મદદરૂપ થવા માટે સખીમંડળો થકી બહેનોના હાથમાં કરોડોનો કારોબાર સોંપ્યો છે. સખીમંડળ દ્વારા રિવોલ્વિંગ ફંડ, કોમ્યુનિટી ઇન્વેસ્ટમેન્ટ ફંડ અને કેશ ક્રેડિટ આપવામાં આવે છે. મહિલાઓની ભાગીદારી થી ગુજરાતનું ડેરી સેક્ટર દુનિયાનું સૌથી મોટું કો-ઓપરેટિવ મુવમેન્ટ બની ગયું છે. ગુજરાતની ગ્રામીણ મહિલાઓ દૂધ ઉત્પાદનથી કરોડો રૂપિયા કમાય છે. આજે નારી શક્તિ વંદના ઉત્સવ કરીને આપણે આ તમામ માતા બહેનોનું ગૌરવ કરી રહ્યા છીએ.

મહિલાઓના શિક્ષણ અને સ્વાસ્થ્ય સાથે સલામતીને પ્રાથમિકતા આપી સરકાર કામ કરી રહી છે. ગુજરાત સરકારે ઇતિહાસનું સૌથી મોટું ૩ લાખ ૩૨ હજાર કરોડનું આ વર્ષે બજેટ રજૂ કર્યું છે. આ વર્ષે બજેટમાં ગયા વર્ષ કરતા મહિલા અને બાળ વિકાસ માટે ૧૩ ટકા વધારા સાથે રૂપિયા ૬૮૮૫ કરોડનું બજેટ ફાળવ્યું છે. રાજ્ય સરકારે દરેક નાગરિક માટે ‘લિવિંગ વેલ – અર્નિંગ વેલ’ ના સૂત્ર સાથે વિકસિત ગુજરાત ૨૦૪૭નું વિઝન ડોક્યુમેન્ટ રજૂ કરીને વિકસિત ગુજરાતનો રોડ મેપ રજૂ કર્યો છે. રાજ્યની વિકાસયાત્રામાં માતાઓ બહેનોનો સમાવેશ સમાવેશ કરીને સમગ્ર દેશમાં મહિલા સશક્તિકરણનું રોલ મોડલ પ્રસ્થાપિત કર્યું છે. પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ ૨૦૪૭ સુધી વિકસિત ભારતની ગેરંટી આપી છે ત્યારે વિકસિત ભારત માટે વિકસિત ગુજરાતનો આ સરકારનો સંકલ્પ છે.

નરેન્દ્રભાઈ મોદીએ દેશનું સુકાન સંભાળ્યું ત્યારે દેશનું અર્થતંત્ર દસમા સ્થાને હતું. તેઓના દ્રષ્ટિવંત નેતૃત્વમાં દેશ આજે વિશ્વનું પાંચમા નંબરનું સૌથી મોટું અર્થતંત્ર બન્યું છે. તેઓની આગામી ત્રીજી ટર્મમાં ભારતનું અર્થતંત્ર વિશ્વમાં ત્રીજા નંબરે પહોંચશે એ નરેન્દ્રભાઈ મોદીની ગેરંટી છે. જેને પૂરી કરવા ડબલ એન્જિન સરકાર નારી શક્તિના ઉત્થાનથી, આત્મનિર્ભર મહિલાથી આત્મનિર્ભર ભારતનો સંકલ્પ સૌના સહકારથી પ્રાપ્ત કરશે તેવો વિશ્વાસ મુખ્યમંત્રીએ દર્શાવ્યો હતો. આ પ્રસંગે કેબિનેટ મંત્રી બળવંતસિંહ રાજપૂતે નારી શક્તિને વંદન કરતા જણાવ્યું હતુ કે, આજે આપણા માટે ખૂબ ગૌરવનો દિવસ છે કારણકે, રાજ્યની ૧૩ હજારથી વધુ સ્વ-સહાય જૂથની ૧ લાખ ૩૦ હજારથી વધુ મહિલાઓને રૂ. ૨૫૦ કરોડથી વધુ ની સહાય મળવા જઇ રહી છે. તેઓએ જણાવ્યું કે નારી નારાયણી બને એ માટે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી કાર્ય કરી રહ્યા છે. તેઓએ બહેનોના લાભ માટે અનેક યોજનાઓ બનાવી છે. સરકાર દ્વારા બહેનોને ડ્રોન ચલાવવાની તાલીમ આપવામાં આવી રહી છે. નાના નાના વ્યવસાયોમાં જોડાઈને બહેનો લખપતિ બની રહી છે.

પાટણ સાંસદ ભરતસિંહ ડાભીએ સંબોધન કરતા જણાવ્યું હતુ કે રાજય સરકારે રાજ્યમાં લોક કલ્યાણનાં કાર્યોનું આંદોલન જગાવ્યુ છે. માતાઓ બહેનો ગૃહ ઉદ્યોગ દ્વારા સક્ષમ બને એ માટે આજનો આ કાર્યક્રમ છે જેના થકી મહિલાઓ પગભર બનશે એવો વિશ્વાસ છે. હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી પાટણ ખાતે આયોજિત ‘નારી શક્તિ વંદના’ કાર્યક્રમમાં સખીમંડળની બહેનોએ પોતે સરકારની સહાયથી આજી વિકા મેળવી આત્મનિર્ભર બની તેની કહાની સ્વમુખે લોકો સમક્ષ રજૂ કરી હતી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તેમજ મહાનુભાવો દ્વારા લાભાર્થીઓને યોજનાકીય સહાયના ચેક અર્પણ કરવામાં આવ્યા હતા. આ ‘નારી શક્તિ વંદના’ કાર્યક્રમ ગુજરાતના તમામ વિધાનસભા મતવિસ્તારોમાં આયોજિત કરવામાં આવ્યો હતો.

આ પ્રસંગે પાટણના સાંસદ ભરતસિંહ ડાભી, જિલ્લા પંચાયત પ્રમુખ સુશ્રી હેતલબેન ઠાકોર, સંગઠનના પ્રદેશ ઉપાધ્યક્ષ નંદાજી ઠાકોર, પ્રદેશ મહામંત્રી રજનીભાઇ પટેલ,જિલ્લા સંગઠનના પ્રમુખ દશરથજી ઠાકોર, પાટણ નગરપાલિકા પ્રમુખ સુશ્રી હિરલબેન પરમાર, પૂર્વ મંત્રી રણછોડભાઈ રબારી, સંગઠનના અગ્રણી કે.સી.પટેલ, ડો. રાજુલ બેન દેસાઇ, શૈલેષભાઈ પટેલ, ભાવેશભાઈ પટેલ, મોહનભાઈ પટેલ, ગ્રામ વિકાસ કમિશનર સુશ્રી મનીષા ચંદ્રા, શહેરી વિકાસ સચિવ આર.જી.ગોહિલ, જી.એલ.પી.સી.ના એમ.ડી. મનિષ બંસલ, જિલ્લા કલેકટર અરવિંદ વિજયન, જિલ્લા વિકાસ અધિકારી બી.એમ પ્રજાપતિ, પોલીસ અધિક્ષક રવીન્દ્ર પટેલ, પદાધિકારીઓ, અધિકારીઓ તેમજ વિશાળ સંખ્યામાં સખી મંડળની બહેનો ઉપસ્થિત રહી હતી.

Share post:

Subscribe

Popular

More like this
Related

વિશ્વ હિન્દુ પરિષદ પાટણ દ્વારા ડો. બાબા સાહેબ આંબેડકર ના જન્મજયંતી પર્વ પ્રસંગે પુષ્પાંજલિ સમર્પિત કરાઈ..

વિશ્વ હિન્દુ પરિષદ પાટણ દ્વારા ડો. બાબા સાહેબ આંબેડકર ના જન્મજયંતી પર્વ પ્રસંગે પુષ્પાંજલિ સમર્પિત કરાઈ.. ~ #369News