fbpx

સિદ્ધપુર ખાતેથી પાટણ જિલ્લાના વિવિધ વિકાસ કાર્યોનું ઈ-લોકાર્પણ, ખાતમુહૂર્ત અને ભૂમિ પૂજન કરાવતા મુખ્યમંત્રી….

Date:

પાટણ તા. ૬
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સિદ્ધપુર ખાતેથી પાટણ જિલ્લાના વિવિધ વિકાસ કાર્યોનું ઈ-લોકાર્પણ, ખાત મુહૂર્ત અને ભૂમિપૂજન કરાવ્યું હતું. મુખ્યમંત્રીએ વિવિધ વિભાગોના ₹305.04 કરોડના કુલ 145 જન કલ્યાણ લક્ષી કામો પાટણની જનતાને અર્પણ કર્યા હતા. સિદ્ધપુર ખાતે અરવડેશ્વર મહાદેવ શિખર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ પ્રસંગે ઉપસ્થિત રહેલા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અરવડેશ્વર મહાદેવના દર્શન કર્યા બાદ વિવિધ વિકાસ કાર્યોનું ઈ-લોકાર્પણ, ખાતમુહૂર્ત અને ભૂમિપૂજન સંપન્ન કરાવ્યું હતું.

પાટણ જિલ્લાના વિવિધ વિકાસ પ્રકલ્પોના શુભારંભ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં ગુજરાત રાજ્ય પર સતત અનેક વિધ વિકાસકાર્યોની હેલી વરસી રહી છે. ગુજરાતને છેલ્લા 15 દિવસમાં જ વડાપ્રધાનના હસ્તે 1 લાખ 10 હજાર કરોડ રૂપિયાના વિકાસ કામોની ભેટ મળી છે. તાજેતરમાં મહેસાણા ખાતેથી વડાપ્રધાને ઉત્તર ગુજરાતને ₹13,000 કરોડથી વધુના વિકાસકામો અર્પણ કર્યા હતા એમ તેમણે ઉમેર્યું હતુ.

સેવા અને સુશાસન વિશે વધુમાં વાત કરતા મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ સુશાસન અને વિકાસની રાજનીતિ દ્વારા દરેક ક્ષેત્રે આમૂલ પરિવર્તનો થકી છેવાડાના માનવીને વિકાસની મુખ્ય ધારામાં સાંકળ્યા છે. વડાપ્રધાનના નેતૃત્વમાં સુશાસન સાથે જન કલ્યાણની સેવાનો સંકલ્પ સાકાર થઈ રહ્યો છે. પ્રજાના સપના અને સંકલ્પ સાકાર કરવાની વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની ગેરંટી છે. આજે વિશ્વભરમાં ભારતની અને ભારતના નેતૃત્વની નોંધ લેવાય છે એમ તેમણે વધુમાં જણાવ્યું હતુ. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કેન્દ્ર અને રાજ્ય સરકારની વિવિધ યોજનાઓના અમલીકરણ વિશે વાત કરતાં જણાવ્યું કે, આજે રાજ્યમાં ચૂંટાયેલા જન પ્રતિનિધિઓની રજૂઆતો પર હકારાત્મક અભિગમ થકી પ્રજાના કામો ખૂબ જ ઝડપથી પૂર્ણ કરવામાં આવી રહ્યા છે. ઉત્તર ગુજરાતમાં પહેલાના સમયમાં પાણીની વિકટ સમસ્યા હતી. આજે નર્મદા યોજના સહિત વિવિધ તળાવો, ચેકડેમો, બોર સહિતના અન્ય કામો થકી આ વિસ્તાર ની પાણીની સમસ્યાનો સુખદ અંત આવ્યો છે.એટલું જ નહિ, રાજ્યમાં રોડ-રસ્તા, વીજળી સહિતની બાબતો અંગે આયોજનબદ્ધ રીતે કામગીરી કરવા માં આવી રહી છે એમ તેમણે ઉમેર્યું હતુ.આરોગ્ય ક્ષેત્રે થયેલા પરિવર્તનો વિશે વાત કરતા મુખ્યમંત્રીએ જણાવ્યું કે, પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના (PMJAY) આજે વિશ્વની સૌથી મોટી આરોગ્ય લાભ યોજના છે. આ યોજના હેઠળ મળતું આયુષ્યમાન કાર્ડ ગંભીર બીમારીઓના સમયમાં મોટી સહાય પૂરી પાડે છે. રાજ્યમાં મેડિકલ સીટોમાં ઉત્તરોત્તર વધારો થયો છે.

આજે રાજ્યમાં હેલ્થ ઇન્ફ્રાસ્ટ્રકચર અનેક ગણું વિકાસ પામ્યું છે. આજે ગ્રામ્ય સ્તરે મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલો કાર્યરત છે, જેના લીધે ગ્રામ્ય સ્તરે પણ સરળતાથી આરોગ્ય સેવાઓ ઉપલબ્ધ બની છે. રાજ્યમાં ધંધા રોજગારને વેગ આપવાના ઉદ્દેશ સાથે તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ 2003માં શરૂ કરાવેલી વાઈબ્રન્ટ ગુજરાત સમિટ આજે ધંધા રોજગાર માટેનું ગ્લોબલ પ્લેટફોર્મ બની છે. નરેન્દ્રભાઈ મોદીના દુરંદેશી નેતૃત્વમાં ગુજરાત હંમેશા ભવિષ્યનો વિચાર કરીને આગળ વધ્યું છે, એમ તેમણે વધુમાં ઉમેર્યું હતું.આવનારો સમય ગ્રીન એનર્જીનો છે એમ જણાવતાં તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2024 માં ગ્રીન એનર્જી ક્ષેત્રે સૌથી વધુ એમઓયુ થયા છે. સેમિકન્ડક્ટર ચીપ આજે મોબાઈલ સહિત ઘણા ઇલેક્ટ્રોનિક્સ ક્ષેત્રે મહત્વનું ઉપકરણ છે.

સેમિકન્ડક્ટર ઉદ્યોગને વિદેશમાંથી ભારત લાવવાનો સૌથી મોટો શ્રેય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીને જાય છે. એમાંય ગુજરાત રાજ્યનું એ સૌભાગ્ય છે કે દેશમાં આ ક્ષેત્રે સૌ પ્રથમ પ્લાન્ટ ગુજરાતમાં આવ્યો છે. સાણંદ ખાતે માઇક્રોનની શરૂઆત થઈ ગઈ છે અને ટૂંક સમયમાં ધોલેરામાં સેમિકન્ડક્ટર પ્લાન્ટનો પણ પ્રારંભ થઈ જશે એમ મુખ્યમંત્રીએ જણાવ્યું હતુ. વર્ષ 2047 માં દેશને વિકસિત ભારત બનાવવાના વડા પ્રધાન નરેન્દ્રભાઈ મોદીના સંકલ્પને સાકાર કરીને વિકસિત ગુજરાતથી વિકસિત ભારત બનાવવા રાજ્ય સરકાર પ્રતિબદ્ધ છે એવો વિશ્વાસ મુખ્યમંત્રીએ વ્યક્ત કર્યો હતો. પૌરાણિક ભૂમિ સિદ્ધપુર ખાતેથી પાટણની જનતાને વિવિધ વિકાસકામોની ભેટ આપવા પધારેલા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો આભાર વ્યક્ત કરતા કેબિનેટ મંત્રી બલવંતસિંહ રાજપૂતે આજના દિવસને આનંદ અને ગૌરવનો દિવસ ગણાવ્યો હતો.તેમણે ગૌરવભેર જણાવ્યું હતું કે, સિદ્ધપુરના અનેક તીર્થસ્થાનોના વિકાસ માટે રાજ્ય સરકારે સહયોગ પૂરો પડ્યો છે. સરસ્વતી નદી વિશે વાત કરતાં મંત્રીએ કહ્યું કે, દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે તેમણે સરસ્વતી નદીમાં પાઈપલાઈનનું ભગીરથ કાર્ય પૂર્ણ કરાવેલું. સરસ્વતી નદીની સફાઈ તેમજ તેમાં કાયમી પાણી રહે તે દિશામાં રાજ્ય સરકાર આયોજનપૂર્વક કામગીરી કરી રહી છે. તળાવો, ચેકડેમો સહિત ઘણી યોજનાઓ અંતર્ગત ઉત્તર ગુજરાતની પાણીની સમસ્યાનો ઉકેલ લાવવામાં આવ્યો છે એમ તેમણે વધુમાં ઉમેર્યું હતું.

વાઈબ્રન્ટ ગુજરાતની સફળતા વિશે તેમણે કહ્યું કે, વાઈબ્રન્ટ ગુજરાત સમિટ થકી ગુજરાતે આજે વિશ્વ પ્રસિદ્ધિ મેળવી છે. વડાપ્રધાનના દિશાદર્શનમાં આત્મનિર્ભર ભારતનું સ્વપ્ન સાકાર થવા જઈ રહ્યું છે. આજે આપણે ટાંકણી થી લઈને રોકેટ બનાવવા સુધી સક્ષમ બન્યા છીએ. વડાપ્રધાન ના નેતૃત્વમાં આજે આપણું અર્થતંત્ર વિશ્વની 5મી સૌથી મોટી અર્થવ્યવસ્થા બન્યું છે અને આવનારા દિવસોમાં આપણે ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બનીશું એવો આશાવાદ તેમણે વ્યક્ત કર્યો હતો. વડાપ્રધાનના વિકસિત ભારતના સંકલ્પમાં વિકસિત ગુજરાતના નિર્માણથી અગ્રેસર રહેવા ગુજરાત પ્રતિબદ્ધ છે ત્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાદર્શનમાં દેશમાં સૌપ્રથમ વિકસિત ગુજરાતનો રોડમેપ તૈયાર કરાયો છે એમ જણાવીને તેમણે મુખ્યમંત્રીનો આભાર વ્યક્ત કર્યો હતો.

આ લોકાપર્ણ ખાત-મુહૂર્ત પ્રસંગે સાંસદ ભરતસિંહજી ડાભીએ પોતાના ઉદબોધનમાં જણાવ્યુ હતુ કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ લોકકલ્યાણના અનેક કાર્યો કર્યા છે. તેઓ જ્યારે રાજ્યના મુખ્યમંત્રી હતા ત્યારે તેમણે પ્રવેશોત્સવ, ગુણોત્સવ, કૃષિ મહોત્સવ, ગરીબ કલ્યાણ મેળા જેવા અનેક કાર્યક્રમો થકી છેવાડાના લોકો સુધી યોજનાકીય લાભ પહોંચાડ્યા તેવું તેમણે ઉમેર્યું હતું. તેમણે વધુમાં કહ્યું કે, મહિલાઓ આર્થિક રીતે પગભર બને તે હેતુથી નારી શક્તિ વંદના કાર્યક્રમ થકી અનેક મહિલાઓને સહાય ચૂકવવા માં આવી છે. સાંસદે વધુમાં કહ્યું હતું કે, તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્રભાઇ મોદીએ રાજ્યમાં ધંધા રોજગારને પ્રોત્સાહન આપવા શાંતિ અને સલામતીનું વાતાવરણ બનાવ્યું હતું.આ પ્રસંગે પાટણ જિલ્લાની વિકાસ વાટિકાનું પણ મુખ્યમંત્રી અને ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે વિમોચન કરવામાં આવ્યું હતું. જિલ્લા માહિતી કચેરી, જિલ્લા આયોજન વિભાગ અને વહીવટી તંત્રના સંયુક્ત ઉપક્રમે જિલ્લાની વિકાસ ગાથા ઓ ને વર્ણવતી વિકાસ વાટિકા તૈયાર કરવામાં આવી છે. આ ઉપરાંત, આ પ્રસંગે ગ્રીમ્કોની સી. એસ. આર. ગ્રાન્ટમાંથી સગર્ભા બહેનોને બેબી કિટનું પણ વિતરણ કરવામાં આવ્યું હતું.આ પ્રસંગે પાટણ જિલ્લા કલેક્ટર અરવિંદ વિજયને સ્વાગત પ્રવચન કરતા મુખ્યમંત્રી સહિત સૌ ઉપસ્થિત મહાનુભાવોને આવકાર્યા હતા.પાટણ જિલ્લા વિકાસ અધિકારી બી. એમ. પ્રજાપતિએ આ પ્રસંગે આભાર વિધિ કરતા પાટણ જિલ્લાને વિવિધ વિકાસ પ્રકલ્પોની ભેટ આપવા બદલ મુખ્યમંત્રી સહિત સૌ ઉપસ્થિત મહાનુ ભાવો નો આભાર વ્યક્ત કર્યો હતો.અત્રે ઉલ્લેખનીય છે કે, આ કાર્યક્રમ અંતર્ગત પાટણ જિલ્લાના 71 જેટલા વિવિધ વિકાસ કાર્યોનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું તથા 74 જેટલા વિકાસ કાર્યોનું ખાતમુહુર્ત કરવામાં આવ્યું હતું.પાટણ જિલ્લાના વિવિધ જનકલ્યાણલક્ષી કામોના શુભારંભ પ્રસંગે પાલનપુરના ધારાસભ્ય અનિકેતભાઇ ઠાકર, જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રીમતી હેતલબેન ઠાકોર, HNGU યુનિવર્સિટીના કા. વાઈસ ચાન્સેલર ડો.રોહિત દેસાઈ, જિલ્લા અધિક નિવાસી કલેકટર બી.એસ.પટેલ, સિદ્ધપુર નગર પાલિકા પ્રમુખ, તાલુકા પંચાયત પ્રમુખ તથા જિલ્લાના પદાધિકારીઓ, આગેવાનો, વહીવટી તંત્રના અધિકારીઓ સહિત મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા.

Share post:

Subscribe

Popular

More like this
Related

પાટણના જય ભોલે ફેન્ડસ ગ્રુપ કસારવાડા દ્વારા પાંજરા પોળ ગ્રાઉન્ડ ખાતે સેવાકીય પ્રવૃત્તિ ના લાભાર્થે નાઈટ ક્રિકેટ ટુર્નામેન્ટ નું આયોજન કરાયું..

પાટણના જય ભોલે ફેન્ડસ ગ્રુપ કસારવાડા દ્વારા પાંજરા પોળ ગ્રાઉન્ડ ખાતે સેવાકીય પ્રવૃત્તિ ના લાભાર્થે નાઈટ ક્રિકેટ ટુર્નામેન્ટ નું આયોજન કરાયું.. ~ #369News