પાટણ તા. ૯
નેશનલ લીગલ સર્વિસ ઓથોરીટી, નવી દિલ્હીના માર્ગદર્શન હેઠળ જિલ્લા મથક પાટણના ન્યાયમંદિર ખાતે રાષ્ટ્રીય લોકઅદાલત શનિવારે યોજાઈ હતી. આ લોકઅદાલતમાં વિવિધ કેસોના સુખદ સમાધાન કરવામાં આવ્યા હતા. નેશનલ લીગલ સર્વિસ ઓથોરીટી, નવીદિલ્હી દ્વારા સમગ્ર દેશમાં રાષ્ટ્રીય લોકઅદાલતનું આયોજન કરવામાં આવ્યું હતું જે અનુસંધાને ગુજરાત કાનુની સેવા સત્તામંડળ દ્વારા નેશનલ લીગલ સર્વિસ ઓથોરીટીના માર્ગદર્શન હેઠળ રાજ્યના તમામ જીલ્લાની કોર્ટોમાં રાષ્ટ્રીય લોકઅદાલત યોજાઈ હતી. જે અંતર્ગત પાટણ ન્યાયમંદિર અને જીલ્લા કાનુની સેવા સત્તામંડળ દ્વારા રાષ્ટ્રીય લોકઅદાલતનું આયોજન કરવામાં આવ્યું હતું. જિલ્લામથક પાટણ સહિત તાલુકાની તમામ કોર્ટોમાં રાષ્ટ્રીય લોક અદાલત યોજાઇ હતી.
પાટણના ન્યાયાલય ખાતે પ્રિન્સીપાલ ડિસ્ટ્રીકટ જજ હિતાબેન આઈ.ભટ્ટે દિપ પ્રાગટય કરી વર્ષ ૨૦૨૪ની પ્રથમ નેશનલ લોક અદાલત નો પ્રારંભ કરાવ્યો હતો.ત્યારબાદ જજ દ્વારા અલગ અલગ કોર્ટોની મુલાકાત લઈ વિવિધ કેસોના સુખદ સમાધાન માટે વકીલો તેમજ જજોને શુભેચ્છાઓ પાઠવી હતી. આ લોક અદાલત માં સમાધાન લાયક ફોજદારી કેસો, નેગોશીયેબલ ઈન્સ્ટ્રુમેન્ટ એકટને લગતા કેસો, વાહન અકસ્માત ને લગતા, મજુર તકરાર, લગ્નજીવન તકરાર, પરીવાર તકરારને લગતા કેસો સહિત બેંકને લગતા દાવા ઓ, જમીન વળતરને લગતા અન્ય દાવાઓ, દીવાની કેસો, અને પાટણ શહેર અને જીલ્લામાં ટ્રાફીક નું ઉલ્લંઘન કરનાર વાહનચાલકોના ઈ- મેમો ના કેસોની સુનાવણી પણ હાથ ધરવામાં આવી હતી.
આ અંગે સેક્રેટરી જજ આર.એન.નાગૌરીએ જણાવ્યું હતું કે, નવા વર્ષની પ્રથમ લોકઅદાલતમાં સૌ કોઈ સાથ સહકાર આપે તેવી તેઓએ આશા વ્યકત કરી હતી.આ લોક અદાલતમાં જીલ્લાના તમામ પક્ષકારો એ ઉત્સાહભેર ભાગ લીધો હતો. ત્યારે આ લોક અદાલતમાં મોટાભાગના ગુનાહીત કેસોમાં પક્ષકારો વચ્ચે તકરાર હોય તે તકરારોના કોર્ટ કેસનો સુખદ નિકાલનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.
અહેવાલ યશપાલ સ્વામી