બળદોની અછતના કારણે હાથિયા શણગારેલા ટ્રેક્ટર માં બાળકોને બેસાડી ગામની પરિક્રમાએ નીકળ્યા..
પાટણ તા. ૨૫
પાટણના રાજપુર ગામમાં પરંપરાગત ધૂળેટીના પર્વમાં હાથીયા કાઢવામાં આવ્યા હતા જોકે બળદોની સંખ્યા ઓછી હોઇ શણગાર સજેલા ટ્રેક્ટરમાં હાથિયાઓ કાઢવાની ફરજ પડી હતી. શણગારેલા ટ્રેક્ટર માં ગામના બાળકોને બેસાડી પરંપરાગત ગામ પ્રદક્ષિણા કરવામાં આવી હતી જેમાં સમગ્ર ગામ ઉમટ્યું હતું.
પાટણ નજીક રાજપુર ગામમાં લેઉવા પાટીદારો, ઠાકોરો, સહિત 3000ની વસતી ધરાવતાં ગામમાં 450 વર્ષ અગાઉ બ્રહ્માણી માતાના મંદિરની સ્થાપના કરાઇ હતી. ત્યારથી દર ધૂળેટીએ એકત્રિત થતાં ગામ લોકો પરંપરાગત ધાર્મિક ઉત્સવ ઊજવતાં હોય છે. જેમાં ધૂળેટીના દિવસે સવારે બહુચર માતાના મંદિરમાં ગામ લોકો ઉમટ્યા હતા. જ્યાં રાવણ દહનનો કાર્યક્રમ યોજાયો હતો. બાદમાં બપોરે 4 વાગ્યે સમસ્ત ગામના લોક મેળાવડાની રંગત જામી હતી.
આ મેળાવડા બાદ સાંજે બ્રહ્માણી માતાજીનો હાથિયો નીકળ્યો હતો. આ હાથિયો છેલ્લા 435 વર્ષથી બળદની ચાર જોડથી ગાડામાં નીકળતો હતો અને ગામના નાના બાળકોને બેસાડી ગામની પ્રદક્ષિણા કરાતી હતી. પરંતુ સમય જતાં બળદની જગ્યા ટ્રેક્ટરે લીધી છે.
બળદોની સંખ્યા ઓછી થઇ છે અને બળદો ના અભાવના કારણે હાથિયો છેલ્લા 15 વર્ષથી ચાર ટ્રેક્ટરમાં કાઢવામાં આવ્યો હતો. ટ્રેક્ટર ટ્રોલીને કાષ્ટ
થી શણગારવામાં આવી હતી.
ગામની પ્રદક્ષિણા સમયે મહિલાઓ દ્વારા હાથિયાના વધામણા કરવામાં આવ્યા હતા. મોઢેરાના નજીક મેશરાના નાયક બંધુઓએ ચાચર ચોકમાં ભૂંગળ વગાડીને માતાજીની રમઝટ જમાવી હતી. રાજપુર ગામ ખાતે બેઠેલા રાવણામાં ગામનો હિસાબ રજૂ કરવામાં આવ્યો હતો જે સર્વાનુમતે મંજુર કરાયો હતો.
અહેવાલ યશપાલ સ્વામી