‘1950’ હેલ્પલાઇનના માધ્યમથી અત્યાર સુધીમાં 90 થી વધુ ફોનકોલ દ્વારા નાગરિકોને સંતોષકારક સમાધાન મળ્યું.
પાટણ તા. 31
લોકસભા સામાન્ય ચૂંટણી-2024 અંતર્ગત સમગ્ર જિલ્લામાં આદર્શ આચાર સંહિતા અમલી છે. પાટણ જિલ્લાની લોકસભા બેઠક ની સામાન્ય ચૂંટણીનું મતદાન તા.7 મેં ના રોજ યોજાશે. તેથી વધુમાં વધુ મતદાન થાય તે માટે જિલ્લા વહીવટીતંત્ર દ્વારા પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. સાથે સાથે આ અવસરમાં સહભાગી થવા માટે નાગરિકોનો ઉત્સાહ વધારવા તેમજ મતદાનને લઈને મતદારોને મુંઝવતા પ્રશ્નોનો જવાબ આપવા માટે ચૂંટણી પંચે ‘1950’ વોટર્સ હેલ્પલાઇન શરૂ કરી છે. આ હેલ્પલાઇન દ્વારા જિલ્લાના નાગરિકોને મૂંઝવતા પ્રશ્નોના જવાબ આપવા માટે 24×7ના ધોરણે કલેક્ટર કચેરી ખાતે અલાયદું યુનિટ કાર્યરત છે. આ યુનિટ નાગરિકોના ફોનકોલ્સને એટેન્ડ કરી તેમના પ્રશ્નો અને મૂંઝવણોનો ઉકેલ આપે છે. ચૂંટણી જાહેર થયાથી અત્યાર સુધીમાં ‘1950’ સેલને 90 થી વધુ ફોન કોલ્સ મળ્યા છે.
જેમાં પૂછાયેલા સવાલોનો સંતોષકારક જવાબ આપવામાં આવ્યો છે. નાગરીકો દ્વારા મોટાભાગે ચૂંટણી કાર્ડ અને મતદાર યાદી સહિતની બાબતો વિશે પ્રશ્નો પૂછવામાં આવે છે, જેના સંતોષકારક જવાબ આ સેલ દ્વારા ત્વરીતપણે આપવામાં આવે છે. નાગરિકો દ્વારા મતદાન સમયે કેટલા દસ્તાવેજો માન્ય ગણાય છે, મતદાર યાદીમાં નામ છે કે કેમ, મતદારયાદીમાં સુધારા માટે કરેલી અરજીનું શું સ્ટેટ્સ છે વગેરે પ્રકાર ના અનેક સવાલો અત્યાર સુધીમાં નાગરીકો દ્વારા ફોનકોલ્સ મારફતે પુછવામાં આવ્યા છે. આમ, ‘1950’ હેલ્પ લાઇન માધ્યમથી નાગરિકોને મુંઝવતા પ્રશ્નોના જવાબ મળે છે. સાથે-સાથે જરૂરી જાણકારી મળવા થી તેઓ અન્ય લોકોને માહિતી આપી જાગૃતિ ફેલાવી રહ્યા છે. મતદાન વધારવા તથા મતદારોની મૂંઝવણો દૂર કરવા માટેનો ચૂંટણીપંચનો આ પ્રકલ્પનાગરિકોની પ્રશંસા મેળવી રહ્યો છે.
અહેવાલ યશપાલ સ્વામી