સો ગોળ રોહિત સમાજ દ્રારા સામાજિક સુધારણા ની પહેલ અંતગૅત મહિલા સંમેલન બોલાવાયુ…

પાટણ તા. ૩૧
પાંચસૌ પાટણવાડા પૈકી સો ગોળ રોહિત સમાજ સંચાલિત સંત રોહીદાસ પાટણવાડા સમાજ સુધારક કેળવણી મંડળ દ્વારા સો ગોળ રોહિત સમાજના ઉપક્રમે સંસ્થાના પ્રમુખની આગેવાનીમાં એક આગવી સામાજિક સુધારણાની પહેલ કરીને સમાજના મહિલાઓની સક્રિય સામેલગીરી સાથે પાટણમાં નારી સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું.
પાટણ મોટી ભાટિયાવાડ સ્થિત રોહિત સમાજની વાડી ખાતે આયોજિત આ નારી સંમેલનમાં 100 ગોળ રોહિત સમાજના 119 ગામોના સામાજિક આગેવાનો, કાર્યકરો અને મહિલાઓએ મોટી સંખ્યામાં ઉપ સ્થિત રહીને સમાજના નવીન બંધારણ માટે સુધારા અને સૂચનો સૂચવ્યા હતા. અને આ નવા સામા જિક બંધારણ અંતર્ગત નારી શક્તિને તેમાં ભાગીદાર બનાવી તેમના મહત્વના સૂચનો સ્વીકારાયા હતા, અને તે પ્રમાણે આગામી દિવસોમાં રોહિત સમાજનું 100 ગોળનું ૧૧૯ ગામોનું નવું બંધારણ બનાવીને તેનો અમલ કરવા સૌએ સમર્થન આપ્યું હતું.

રોહિત સમાજ દ્રારા આયોજિત આ મહિલા સંમેલનમાં સમાજની જાગૃત,શિક્ષિત અને સમાજની હિત ચિંતક વિવિધ સ્તરની બહેનોએ હાજરી આપીને તેમના અમૂલ્ય સૂચનો ઉપરાંત પોતાના અનુભવ અને નવીન વિચારો સમાજ સમક્ષ મૂક્યા હતા જેને સમાજે આવકાર્યા હતા અને મહિલા શક્તિના સથ વારે સમાજમાં સામાજિક સુધારણા ક્ષેત્રે આગળ વધવા સંકલ્પના વ્યક્ત કરી હતી. રોહિત સમાજના આ નારી સંમેલનમાં કરાયેલ સામાજિક સુધારણામાં સામાજિક કુરિવાજો તેમજ અંધશ્રદ્ધા અને વ્યસનોને તિલાંજલી આપવા સૌએ એકસુર વ્યક્ત કર્યો હતો.

નારી સંમેલનમાં ઉપસ્થિત બહેનો અને સામાજિક આગેવાનોએ જે સુધારણા અમલી બનાવવા સંકલ્પ કર્યો તેમાં ભ્રુણહત્યા અટકાવવી અને સમાજમાં ઘટતા જતા સ્ત્રી-દર ને વધારવો, મૃત્યુ ભોજન તેમજ પોથ પ્રથા, સરામણું, બારમું, વારંવાર લોકાચાર જવું આવવું, કુરિવાજો ઘટાડવા, બહેન કે દીકરીના મામેરા કે મોસાળમાં રોકડ રકમનો વ્યવહાર કરવો અને વળતર લેવું નહીં, સારા પ્રસંગોએ ઓઢામણા ની જગ્યાએ રોકડ વ્યવહાર કરવો, સગાઈ પ્રસંગે છોકરી પક્ષને અપાતા મોબાઈલ, વીંટી તેમજ બિનજરૂરી ભેટ સોગાદો બંધ કરવી અને સમાજના નવા સામાજિક સુધારણા બંધારણને અનુસરવાની સૌએ સંકલ્પના વ્યક્ત કરી હતી.

આ ઉપરાંત લગ્નમાં કરવામાં આવતા હલ્દી રસમ જેવા ખર્ચાળ કાર્યક્રમો બંધ કરવા તેમજ વરઘોડામાં ડીજે અને અન્ય વાજિંત્રો બંધ કરી ઘોડા તેમજ વરઘોડા સદંતર બંધ કરવા બાબતે પણ સૌએ સામાજિક સુધા રણા ને સમર્થન વ્યક્ત કર્યું હતું. 100 ગોળ રોહિત સમાજના પ્રમુખ અને કારોબારી અધ્યક્ષે સમાજ દ્વારા નારી શક્તિ સંમેલન યોજીને મહિલાઓના સૂચનોને આવકારી સમાજ વિકાસમાં તેમની સક્રિય સામેલ ગીરી ને સ્થાન આપીને મહિલાઓના ઉત્કર્ષ સાથે સમાજનો ઉત્કર્ષ થાય તે માટે સામાજિક સુધારણા અંગે નું બંધારણ ઘડીને તેનું સૌ પૂરેપૂરું પાલન કરશે તેઓ સંકલ્પ લેવાયો હોવાનું જણાવ્યું હતુ. ઉત્તર ગુજરાત માં પ્રથમવાર સો ગોળ રોહિત સમાજે નારી સંમેલન યોજીને સામાજિક સુધારણાની દિશામાં એક પ્રેરક કદમ ઉઠાવ્યું હતું.