પાટણ તા. ૨૩
પાટણ શ્રીમંત ફતેહસિંહરાવ લાઇબ્રેરીમાં મને જાણો કાર્યક્રમ અંતર્ગત થરા કોલેજનાં નિવૃત્ત આચાર્ય ડો. હેમરાજ ભાઈ પટેલ દ્વારા ‘જીવન યોગનું રહસ્ય સમજાવે છે ગીતા’ વિષય ઉપર પ્રવચન આપવામાં આવ્યું હતું. ડો. હેમરાજભાઈ પટેલે જણાવ્યું હતું કે, શ્રીમદ્ ભગવત ગીતએ માનવીની અંધત્વની દૃષ્ટિથી દિવ્ય દ્રષ્ટી સુધી લઈ જવાની સફર છે. ગીતા દ્વારા જીવનનાં ઉદ્દેશ્ય, જીવનની સાર્થક્તા વિશે શ્લોકો દ્વારા સમજણ આપી હતી.
ગીતા એ જ્ઞાનનું અવિરત વહેતું ઝરણું છે. ગીતામાં ગુણ-કર્મો પ્રમાણે સમાજ જીવન દ્વારા યોગ એટલે કે એકબીજા સાથે જોડાઈને જીવન જીવવા માટે, જ્ઞાન શકિતવધારવા આહવાન કર્યું હતું. સમાજ સેવક શુધ્ધ, નમ્ર અને જ્ઞાની હોવો જોઇએ. તપશ્ચર્યા, જ્ઞાન અને અનુભવના નીચોડ દ્વારા ગુરુ શિષ્યને જીવન યોગ સમજાવે છે.
તેઓએ જણાવ્યું હતું કે, ગીતા એ સંસ્કાર પોષક ગ્રંથ છે અને ગીતા વિશે એવું કહેવાય છે કે, મૂંઝાય છે માનવ શાને… ઉકેલ રહેલ છે પાને પાને… અંતમાં ડો. હેમરાજભાઈ દ્વારા સાંપ્રત પરિસ્થિતિ વિશે ખૂબ જ ચિંતનાત્મક પ્રશ્નો કરી દરેક વ્યક્તિ પોતાનું જ્ઞાન અને ફરજ નિભાવે તેવી માર્મિક ટકોર કરી હતી.
આ પ્રસંગે લાઈબ્રેરી પ્રમુખ ડો. શૈલેષ સોમપુરાએ તમામનું સ્વાગત કરી લાઇબ્રેરીનાં કાર્યોની માહિતી આપી હતી. વક્તાનો વિસ્તૃત પરિચય ભુદરભાઈ શીરવાડીયાએ આપ્યો હતો. આભારવિધિ સંયોજક નગીન ભાઈ ડોડીયાએ કરી હતી.આ પ્રસંગે મોટી સંખ્યામાં પાટણનાં પ્રબુધ્ધ નગરજનો ઉપસ્થિત રહ્યા હતા.
અહેવાલ યશપાલ શ્યામી