પાટણ તા. ૨૭
આગામી લોકસભા સામાન્ય ચુંટણી 2024 અંતર્ગત 17-ચાણસ્મા વિધાનસભા મતવિભાગ માં મતદાન જાગૃતિ નો કાર્યક્રમ યોજાયો હતો. જિલ્લામાં મતદાનની ટકાવારી વધે તે માટે પ્રયત્નશીલ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા અનેક કાર્યક્રમો દ્વારા મતદારોને મતદાનના મૂલ્ય પ્રત્યે પ્રેરિત કરવામાં આવી રહ્યા છે. જેના ભાગ રૂપે જિલ્લામાં વિવિધ પ્રવૃતિઓ કરવામાં આવી રહી છે.
મદદનીશ ચુંટણી અધિકારી 03-પાટણ લોકસભા અને પ્રાંત અધિકારી સમીના અધ્યક્ષ સ્થાને આયોજીત આ કાર્યક્રમમાં ઉપસ્થિત અધિકારીઓ તરફથી આગામી લોકસભા ચૂંટણીમાં દસ મિનીટ દેશ માટે ફાળવી ને ફરજિયાત મત આપવા માટે અપીલ કરવામાં આવી હતી. કાર્યક્રમમાં મતદાન જાગૃતિનો સંદેશ આપતી રંગોળી પણ બનાવવામાં આવી હતી.
તદઉપરાંત કે. એ. પટેલ ગર્લ્સ હાઈસ્કૂલ ચાણસ્માની વિદ્યાર્થીનીઓ દ્વારા મતદાન જાગૃતિનો ગરબો રજૂ કરવામાં આવ્યો હતો. તેમજ ચાણસ્મા શહેરની આંગણવાડી બહેનો દ્વારા રંગલા રંગલીની વેશભૂષા સાથે મતદાન જાગૃતિ અંગે ભવાઈ પણ રજૂ કરવામાં આવી હતી.
કાર્યક્રમના અંતમાં હુ મારો મત અચુક આપીશ થીમ હેઠળ સહી અભિયાન કરવામાં આવ્યું હતુ. ત્યારબાદ સૌ શહેરીજનોએ અવશ્ય મતદાન કરવા માટે શપથ ગ્રહણ કર્યા હતા.
કાર્યક્રમમાં તાલુકા વિકાસ અધિકારી, તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી, બાળ વિકાસ યોજના અધિકારી, મામલતદાર, તેમજ તમામ કચેરીનો સ્ટાફ, ચાણસ્મા શહેરની શાળાના કર્મચારીઓ, આંગણવાડીની કાર્યકર બહેનો, સખી મંડળની બહેનો અને બહોળી સંખ્યામાં નાગરિકો, વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.
અહેવાલ યશપાલ શ્યામી