પાટણ તા. ૪
લોકસભા સામાન્ય ચૂંટણી-2024 માં મહત્તમ મતદાન થાય તે માટે કેન્દ્રીય ચૂંટણીપંચના માર્ગદર્શનમાં જિલ્લા વહીવટીતંત્ર પાટણ દ્વારા અનેકવિધ કાર્યક્રમો કરવામાં આવી રહ્યા છે. લોકોને મતદાન માટે પ્રેરિત કરવાના ઉદેશ્ય સાથે વિવિધ સ્થળો પર જઈને વિવિધ વિભાગો દ્વારા મતદાન પ્રેરિત પ્રવૃતિઓ કરવામાં આવી રહી છે. શનિવારે પાટણના રેલ્વે સ્ટેશન મુકામે જિલ્લાના આઈસીડીએસ વિભાગ દ્વારા ગરબા ના માધ્યમથી મતદાન જાગૃતિના કાર્યક્રમ નું આયોજન કરવામાં આવ્યું હતું.
આઈસીડીએસ વિભાગ દ્વારા મતદાનના શબ્દોને સમાવતા તૈયાર કરવામાં આવેલા આ ગરબા દ્વારા રેલ્વે સ્ટેશન પર આવતા જતા મુસાફરોને મતદાનનું મૂલ્ય સમજાવવામાં આવ્યું હતુ. અને દરેકને અવશ્ય મત દાન કરવા અને કરાવવા માટે જણાવવામાં આવ્યું હતુ.
મુસાફરોએ પણ આગામી તા.07 મેના રોજ અવશ્ય મતદાન કરવા માટે શપથ લીધા હતા. આઈસીડીએસ વિભાગ ના જિલ્લા પ્રોગ્રામ ઓફિસર ગૌરીબેન ના માગૅદશૅન હેઠળ પાટણ ધટક એક ના સીડીપીઓ ઉર્મિલા બેન પટેલ ની મુખ્ય સેવિકાઓ તેમજ આંગણવાડી કાયૅકરોની ગરબા ના માધ્યમથી મતદાન જાગૃતિ ની કામગીરી ને મુસાફરો સહિત પાટણના નગરજનોએ સરાહનીય લેખાવી હતી.
અહેવાલ યશપાલ શ્યામી