પાટણ તા. ૨૦
પાટણનાં નવાગંજ બજારમાં છેલ્લા દસેક વર્ષથી ચાની લારી ચલાવીને પરિવારનુ ગુજરાન ચલવાતા એક સામાન્ય વેપારીને ઈન્કમટેક્ષ વિભાગ તરફથી રૂ. ૪૯,૦૬, ૫૯, ૨૮૦ની રકમની પેનલ્ટી સહિત ટેક્ષ ભરવાની નોટીસ મળતાં તેઓ ચોંકી ઉઠયા હતા. અને તેઓએ આ મામલે તપાસ કરતાં તેમને જાણવા મળ્યુ કે, પાટણનાં નવા ગંજનાં એક અનાજ ખરીદ, લે વેચ અને કમીશન એજન્ટનો ધંધો કરતા અલ્પેશ મણિલાલ પટેલ કે જે આ ચાની લારી પર અવારનવાર ચા પીવા આવતા અને કયારેક લારીવાળા પણ તેમની પેઢીએ ચા આપવા જતાં તે સમયે થયેલા પરિચયનો લાભ ઉઠાવીને અલ્પેશ પટેલ અને તેમનાં ભાઈ વિપુલભાઈ મણીલાલ પટેલે મળીને તેમના ડોક્યુમેન્ટ આધારે ચાવાળા વેપારીના નામે બેંક ખાતા ખોલાવીને તેમાં ચાવાળા વેપારીનાં નામે તેમની જાણ બહાર કરોડોનાં નાણાંકીય વ્યવહારો કર્યા હતા. અને તેમની સાથે છેતરપીંડી કરીને ઠગાઈ આચરી હતી.
આ બનાવ અંગે ચાની લારી ધરાવતા વેપારી ખેમરાજ ભાઈ વજેરામ દવે રે. મુળ રણાવાડા, તા. કાંકરેજ હાલ રે. ગોકુલનગર સોસાયટી, ટી.બી.ત્રણ રસ્તા પાટણવાળાઓએ ફરીયાદ નોંધાવી હતી. આ કૌંભાડની વિગતો એવી છે કે, પાટણનાં નવા ગંજ બજારમાં છેલ્લા 10 વર્ષ થી ચા ની લારી ચલાવીને પરિવારનું ગુજરાન ચલાવતા ખેમરાજ દવે (ઉ. વ. 44) ને દશેક વર્ષ આસપાસનાં સમયમાં ગંજનાં નાના પ્લોટ નં. 36 માં કમિશન એજન્ટનો ધંધો કરતા અલ્પેશકુમાર મણીલાલ પટેલ સાથે પરિચય થયો હતો.
એ વખતે બેંકમાં એકાઉન્ટ સાથે પાન કાર્ડ લીંક કરવા નો નિયમ આવ્યો હોવાથી ખેમરાજભાઈએ આ અલ્પેશભાઈ પટેલને પોતાનું નવું પાન કાર્ડ કેવી રીતે કઢાવવું તે બાબતે પુછતાં અલ્પેશે તેમને આધાર કાર્ડ, રેશન કાર્ડ અને તેમનો ફોટો આપવા જણાવીને પાન કાર્ડ કઢાવી આપવાની ખાત્રી આપતાં ખેમરાજભાઈએ તેની પર વિશ્વાસ રાખીને પોતાનાં ઉપરોક્ત તમામ ડોક્યુમેન્ટ આપ્યા હતા. એ પછી અલ્પેશ પટેલ ખેમરાજભાઈની ચાની લારીએ અંગ્રેજીમાં છાપેલા કેટલાક કાગળો લઈને આવીને આ કાગળો પાન કાર્ડ કઢાવવા માટેનાં ફોર્મ હોવાનું જણાવીને તેમાં ખેમરાજભાઈની જુદી જુદી જગ્યા એ સહીઓ કરાવી હતી.
એ પછી ખેમરાજભાઈનું નવું પાન કાર્ડ તેમનાં નવા ગંજ બજાર નાં સરનામે આવી ગયા પછી અલ્પેશ પટેલે ખેમરાજભાઈ પાસે પાન કાર્ડની ઝેરોક્ષ માંગતા કહેલ કે, તેમનાં પાનકાર્ડની ઝેરોક્ષ ઇન્કમટેક્ષ ઓફિસમાં જમા કરાવવી પડશે. જેથી ખેમરાજભાઈને આ બાબતનું જ્ઞાન ન હોવાથી તેમણે પાન કાર્ડ અલ્પેશને આપતાં બાદમાં અલ્પેશે તે તેમને પરત કર્યું હતું.
ત્યાર બાદ ઓગષ્ટ 2023 માં ખેમરાજભાઈને ઈન્કમટેક્ષ વિભાગ તરફથી જુદી જુદી તારીખોની ત્રણ નોટીસ મળતાં તેઓ ચોંકી ઉઠયા હતા. તેઓને અંગ્રેજી વાંચતા આવડતું ન હોવાથી તેમણે આ નોટિસોની કોઈ દરકાર લીધી નહોતી. પરંતુ થોડા દિવસ બાદ ફરીથી તા. 11/8/2023 નાં રોજ ઈન્કમટેક્ષ વિભાગ તરફથી તેમને ફરીથી નોટિસો મળતાં તેમણે તેમનાં વકીલ મિત્ર મારફતે ઈન્કમટેક્ષ ઓફિસમાં જઈને તપાસ કરાવતાં મોટો ઘટસ્ફોટ થયો હતો.
આ તપાસ દરમ્યાન તેમને જાણવા મળ્યુ કે, ખેમરાજ ભાઈ નાં પાનકાર્ડ નંબર પર ચાલતા બેંક એકાઉન્ટમાં એસેસમેન્ટ વર્ષ 2014-15, 2015- 16નાં નાણાંકિય વ્યવહારો અંગે રૂ. 49,06, 59, 280 થી વધુ રકમની પેનલ્ટી સહિત ટેક્ષ ભરવાની નોટીસ ઈશ્યુ થયેલી છે.
આથી ખેમરાજભાઈએ આટલા મોટા નાણાંકીય વ્યવહારો કર્યા ન હોવા છતાં આટલી મોટી રકમ ભરવાની નોટીસ ઈન્કમટેક્ષ વિભાગ તરફથી મળતાં તેઓ ગભરાઈ ગયા હતા. અને આ બાબતે શું કરવું તેની સુઝ ન પડતાં તેમણે પાટણ સરદાર માર્કેટ ખાતે આવેલા તેમના સ્ટેટબેંકનાં એકાઉન્ટની તેમની પાસબુકમાં એન્ટ્રી કરાવીને જોતાં તેમાં કોઈ મોટા વ્યવહારો થયેલા જણાયા નહોતા.
અને આ સિવાય તેમણે કોઈ દિવસ કોઈ બીજી બંકમાં તેમનું ખાતું પણ ખોલાવ્યુ નહોતું. આથી ખેમરાજભાઈએ ઘણા સમય પહેલાં અલ્પેશકુમાર મણિલાલ પટેલને તેમનું પાન કાર્ડ કઢાવવા માટે તેમનાં ડોક્યુમેન્ટ કઢાવવા માટે આપેલું તેઓ પાંચેક વર્ષથી પેઢી બંધ કરીને જતા રહયા હોવાથી ખેમરાજ ભાઈ એ ફોન પર અલ્પેશ પટેલનો સંપર્ક કરી ઈન્કમટેક્ષની નોટિસ બાબતે પૂછતાં તેણે ખેમરાજભાઈને જણાવેલ કે, આ અલ્પેશ પટેલ અને તેનાં ઉઝામાં પેઢી ચલાવતા ભાઈ વિપુલ મણિલાલ પટેલે તેમનાં પાન કાર્ડ ઉપર જુદા જુદા બેંક એકાઉન્ટ ખોલાવીને તેમનાં હવાલાનાં નાણાંક્યિ વ્યવહાર કર્યો છે.
જે બાબતે તેમણે રોકેલા વકિલ આ બધી મેટર પતાવી દેશે તેવી વાત કરતાં આ બાબતે કોઈને પણ વાત ન કરવાની ધમકી આપતાં કહેલ કે, જો – આ બાબતે કોઈ કેસ કરશો તો હું તમને ખોટા કેસમાં ફસાવી દઈશ તેવી ધમકી આપતાં ખેમરાજભાઈ ડરી ગયા હતા અને થોડા દિવસ પછી અલ્પેશકુમાર મણિલાલ પટેલ રે. માધવવિલા સોસાયટી,ચાણસ્મા હાઈવે, પાટણ તથા તેમનાં ભાઈ વિપુલ મણિલાલ પટેલ રે. ઉઝા સામે પોતાનાં દસ્તાવેજોનો દુરુપયોગ કરીને નાણાંકિય વ્યવહારો કરી પોતાની સાથે છેતર પીંડી કરી હોવાનો ફરીયાદ નોંધાવતાં પોલીસે આઈ પી સી 420, 406 465, 467, 471, 120 બી મુજબ ગુનો નોધ્યો હતો.
પાટણ શહેરના નવા ગંજ બજારમાં ચાની લારી ચલાવતા હેમરાજભાઈ દવેના ડોક્યુમેન્ટ મેળવી અલગ અલગ બેંકોમાં કરોડો રૂપિયા નું ટ્રાન્જેક્શન કરી ફ્રોડ કરનારા પાટણ અને ઊંઝાના વેપારી બંધુ સામે નોંધાયેલી પોલીસ ફરિયાદને લઇ આ કેસની તપાસ કરી રહેલા પાટણ એલસીબી ઇન્ચાર્જ પીઆઈ વી.આર.ચૌધરીએ જણાવ્યું હતું કે આ તમામ બાબત વષૅ 2014 થી વષૅ 2016 ના સમય દરમ્યાન બની હોય જેને લીધે હાલમાં આ કેસમાં સત્યતા સુધી પહોંચવા ઈન્કમટેક્સ વિભાગ અને કઈ કઈ બેકો માથી ટ્રાન્જેક્શન કરવામાં આવ્યા છે તે તમામ બેંકો માંથી ડીટેલ મેળવી કેસની ઝીણવટ પૂર્વકની તપાસ હાલમાં ચાલી રહી હોવાનું તેઓએ જણાવ્યું હતું.
અહેવાલ યશપાલ શ્યામી