પાટણ તા. ૨૨
પાટણના રિજિયોનલ સાયન્સ સેન્ટર ખાતે શનિવારના રોજ વિશ્વ વરસાદી વન દિવસ નિમિત્તે જાગૃતિ કાર્યક્રમ સાથે ઇસરો સ્ટાર્ટ પ્રોગ્રામના પ્રમાણપત્રનું વિતરણ કરાયું હતું. જેમાં 100 થી વધુ સહભાગીઓએ ભાગ લીધો હતો. નિષ્ણાત ગાઈડ દ્વારા વરસાદી જંગલોના મહત્વ, તેમના સંરક્ષણ અને ટકાઉ વ્યવસ્થા પન, આબોહવા પરિવર્તન, વન નાબૂદી અને ગેરકાયદેસર વૃક્ષો કાપવા ઉપરાંત પૃથ્વી ના ફેફસા તરીકે જાણીતા એમેઝોન વરસાદી જંગલ અને ભારતના વિવિધ વરસાદી જંગલ વિશે જાણકારી આપવામાં આવી હતી.
ત્યારબાદ નોડલ સેન્ટર ગુજકોસ્ટ ગાંધીનગરના પેટા સેન્ટર તરીકે પાટણ સાયન્સ સેન્ટર ખાતે 24 એપ્રિલ થી 10 મે 2024 દરમિયાન ઇસરોના START પ્રોગ્રામના “સૌરઊર્જાનું સંશોધન” વિષય પર 25 વ્યાખ્યાન નોની શ્રેણી સહીત 14 દિવસ ના ઓનલાઇન કોર્ષના લાઈવ પ્રસારણનું આયોજન કરાયું હતું. જેમાં સફળતા પૂર્વક અભ્યાસક્રમ પૂર્ણ કરનાર અને ઓનલાઈન પરીક્ષામાં ઉત્તીર્ણ થનાર વિદ્યાર્થીઓ ને પ્રમાણપત્ર વિતરણ કરવામાં આવ્યાં હતાં.
સાયન્સ સેન્ટર ના પ્રોજેક્ટ ડાયરેક્ટર ડો. સુમિત શાસ્ત્રી દ્વારા ઈસરો START પ્રોગ્રામનું મહત્વ અને સહ ભાગી ઓને અવકાશ વિભાગમાં કારકિર્દી કેવી રીતે બનાવી શકાય તેના વિશે જાણકારી સાથે વિદ્યાર્થી ઓને પ્રમાણપત્ર વિતરણ કરવામાં આવ્યા હતા. જેમાંથી પાટણ સાયન્સ સેન્ટર ખાતે ફરજ બજાવતા સુરક્ષા કર્મીના પુત્ર વિશાલભાઈ ઠાકોરને તથા બેંકમાં ફરજ બજાવતા સુરક્ષાકર્મીના પુત્ર ગઢવી મિહિર ભાઈને ઈસરો દ્વારા A+ ગ્રેડ તથા માટી કામ કરનારની પુત્રી શ્રીમતી કિરણબેન પ્રજાપતિ, સામાન્ય ખેડૂત પરિવાર માંથી આવેલ દિપકુમાર પંચાલ અને રોશનકુમાર પટેલને B+ ગ્રેડ સાથે મેરીટ પ્રમાણપત્ર ઉપરાંત બાકીના ત્રણ વિદ્યાર્થીઓને હાજરી પ્રમાણપત્ર પ્રાપ્ત થયું હતું. વિદ્યાર્થીઓને વધારે પ્રોત્સાહિત કરવા માટે સાયન્સ સેન્ટર તરફથી 2023માં નોબેલ પુરસ્કાર જીતેલા વૈજ્ઞાનિકો અને તેમના સંશોધન પર ગુજકોસ્ટ ગાંધીનગર દ્વારા બનાવેલ પુસ્તક અને વૈજ્ઞાનિક કેલેન્ડર એનાયત કરવામાં આવ્યું હતું.
અહેવાલ યશપાલ સ્વામી