પાટણ.
હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત પાટણ જિલ્લામાં ઠેર ઠેર તિરંગા યાત્રા સહિત દેશભક્તિ ના વિવિધ કાર્યક્રમો ઉજવવામાં આવ્યાં હતાં. ત્યારે સરસ્વતી તાલુકાના સાણોદરડા ગામે પાટણ જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ ગોવિંદભાઇ માલધારીની આગેવાનીમાં તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું.
સરસ્વતી તાલુકાના સાણોદરડા ગામમાં આઝાદીના ૭૮ માં વર્ષની ઉજવણીના આ અવસરે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના આહવાન અંતર્ગત દેશભક્તિના માહોલમાં તિરંગા યાત્રાના આયોજન સાથે સાણોદરડા પ્રાથમિક શાળા ખાતે હર ઘર તિરંગા કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.
દેશભક્તિ ના આ કાર્યક્રમોમાં ગામના લોકો, વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં જોડાયા હતા. તિરંગા યાત્રા પ્રાથમિક શાળા થી પ્રસ્થાન પામી ગામના તમામ મહોલ્લામાંથી પસાર થઈને દૂધ ડેરીએ સંપન્ન બની હતી. તિરંગા યાત્રામાં પાટણ જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ ગોવિંદભાઈ માલધારી, સાણોદરડા ગ્રામ પંચાયતના તલાટી કમ મંત્રી તથા સરપંચ જયરામભાઈ દેસાઈ, ડેપ્યુટી સરપંચ કાકુજી ઠાકોર તથા શાળા ના આચાર્ય સુરેશભાઈ પટેલ અને શિક્ષકો તથા આરોગ્ય વિભાગનો સ્ટાફ, આંગણવાડી સ્ટાફ અને તમામ ગ્રામજનો તેમજ વિદ્યાર્થીઓ જોડાયા હતા અને દેશભક્તિના નારા લગાવી વાતાવરણને દેશભક્તિ ના રંગે રંગી તિરંગા યાત્રાને યાદગાર બનાવી હતી.
અહેવાલ યશપાલ સ્વામી