બાળકોએ કૃષ્ણ અને ગોવાળિયાના વેશ પરિધારણ કર્યા તો બાલિકાઓએ રાધા અને ગોપીઓ બની કૃષ્ણ જન્મોત્સવ ઉજવ્યો..
નંદ ઘેર આનંદ ભયો જય કનૈયા લાલ કીના નાદ વચ્ચે બાળકોએ રાસ ગરબાની રમઝટ મચાવી..
પાટણ તા. ૨૫
પાટણ શહેરની તપોવન શાળા ખાતે શાળા પરિવાર દ્વારા બાળકોમાં હિન્દુ સંસ્કૃતિના ધાર્મિક ઉત્સવો ની જાણકારી સાથે બાળકો ધાર્મિક ઉત્સવોમાં સહભાગી બને તેવા ઉદ્દેશ સાથે વિવિધ ધાર્મિક તહેવારોની ઉજવણી કરવામાં આવતી હોય છે. જન્માષ્ટમીના પર્વને લઈને શાળા પરિવાર દ્વારા કૃષ્ણ જન્મોત્સવ સહિત મટકી ફોડના કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા.
તપોવન શાળા ખાતે આયોજિત કરાયેલા જન્માષ્ટમી પર્વ ની ઉજવણીના આ કાર્યક્રમમાં શાળા પરિવાર ના બાળકોએ કૃષ્ણ અને ગોવાળિયાઓના તેમજ બાલિકાઓએ રાધા અને ગોપીઓના પરિધાન માં સજી ધજીને કૃષ્ણ જન્મોત્સવ, કૃષ્ણ લીલા સહિત મટકી ફોડ જેવા ધાર્મિક ઉત્સવોની ભક્તિ સંગીત સાથે ઉજવણી કરી નંદ ઘેર આનંદ ભયો જય કનૈયા લાલ કી ના નાદ સાથે રાસ ગરબાની રમઝટ મચાવી જન્માષ્ટમીના પર્વની ઉજવણીને યાદગાર બનાવી હતી.
તપોવન શાળા ખાતે આયોજિત કરાયેલા ભારતીય સંસ્કૃતિને ઉજાગર કરતા ધાર્મિક ઉત્સવની સાથે સાથે બાળકોને બોળ ચોથ, નાગપંચમી, રાધણછઠ્ઠ અને શીતળા સાતમ નું મહત્વ સમજાવવામાં આવ્યું હતું.
શાળા પરિવાર દ્વારા આયોજિત આ ધાર્મિક ઉત્સવોને સફળ બનાવવા શાળા સંચાલક હાર્દિકભાઈ રાવલ સહિત સમગ્ર શાળા પરિવાર દ્વારા સુંદર આયોજન સાથે જહેમત ઉઠાવવામાં આવી હતી.
અહેવાલ યશપાલ સ્વામી