શહેરના વિવિધ મહોલ્લા – પોળો અને સોસાયટીઓમાં કૃષ્ણ જન્મોત્સવની ઉજવણી કરતા કાર્યક્રમો યોજાતા સર્વત્ર શ્રીકૃષ્ણના જય જયકારથી વાતાવરણ ગુંજી ઉઠયું હતું તો બીજી તરફ જન્માષ્ટમીના પાવન પર્વને અનુલક્ષીને પરિવારમાં પુત્ર જન્મની ખુશીમાં તેમજ લોકોએ હરખના કાનુડાની મૂર્તિને ઘરે લાવી તેની ભકિત ભાવ પૂર્વક પૂજાવિધિ કરી ભજન – કિર્તન અને ગરબાના આયોજનો દ્વારા કૃષ્ણ જન્મોત્સવને ઉજવવામાં આવ્યો હતો.
જેમાં શહેરનાં વિવિધ વિસ્તારોમાં પુત્ર જન્મની ખુશી તેમજ બાધા માનતાને લઈ પરીવારજનોએ પાટલા ઉપર માટીના કાનુડાને પધરાવી તેની વિશેષ પૂજા વિધી કરી મહિલાઓ કાનુડાનાં ગરબે ઘુમી કૃષ્ણ ભકિત માં લીન બની હતી. મંગળવારના રોજ શ્રાવણ વદ નોમના દિવસે શહેરના વિવિધ વિસ્તારો માંથી કાનુડાઓને વાજતેગાજતે મેધરાજાની રિમઝિમ વષૉ વચ્ચે ભક્તિ સંગીત સાથે સરસ્વતી નદીના પવિત્ર જળમાં વિસજૅન માટે લઈ જવામાં આવ્યા હતા.
જેમાં મહિલાઓએ નંદ ઘેર આનંદ ભયો જય કનૈયાલાલ કી ના નાદ સાથે કાનુડાને મસ્તક ઉપર ધારણ કરી ત્યાર બાદ ટ્રેકટર અને ટ્રકમાં બેસાડી સરસ્વતી નદી સહિત ના પવિત્ર જળાશયોમાં કાનુડા ની મૂર્તિ ઓનુ વિસજૅન કરવામાં આવ્યું હતું.માનતા રુપી કાનુડાની મૂર્તિને નદીમાં વિસર્જન કરવા મોડી સાંજ સુધી બેનોનો ઘસારો રહ્યો હતો.
અહેવાલ યશપાલ સ્વામી