પાટણ નગરપાલિકા દ્વારા ચોમાસા પૂર્વે પાટણ શહેરની ૧૦૦ થી વધુ જર્જરીત મિલકતોના માલિકોને નોટિસની બજવણી કરાઈ છે..
પાટણ તા. ૨૮
પાટણ નગરપાલિકા તંત્ર દ્વારા ચોમાસા પૂર્વે પાટણ શહેરના મોહલ્લા પોળો અને સોસાયટી વિસ્તારમાં જર્જરિત બનેલી ૧૦૦ થી વધુ મિલકતોના માલિકો ને નોટિસની બજવણી કરી જર્જરીત બનેલી મિલકતો ને રીનોવેશન કરવા અથવા તો ઉતારી લેવા માટે સૂચનાઓ આપવામાં આવી હોય જે પૈકી મોટા ભાગની મિલકતોના માલિકો દ્વારા નગર
પાલિકાની નોટિસને ધ્યાનમાં રાખીને પોતાની જર્જરીત મિલકતોને રીનોવેશન કરવાની સાથે કેટલીક મિલકતોને સ્વેચ્છાએ ઉતારી લેવાની કામગીરી કરવામાં આવતી હોય છે.
પરંતુ વર્ષોથી બહાર ગામ રહેતા અને પાટણમાં મિલકત ધરાવતા મિલકત ધારકો નગરપાલિકાની નોટિસો ની અવગણના કરી પાટણ સ્થિત પોતાની જર્જરીત મિલકતોનું રીનોવેશન કે ઉતારી લેવાની કામગીરી હાથ ન ધરતા ચોમાસા દરમિયાન આવી મિલકતો ધરાશાયી થતી હોવાની ઘટનાઓ પ્રકાશ માં આવતી હોય છે.
ગતરોજ પાટણ શહેરના જુદા જુદા બે વિસ્તારોમાં જર્જરિત મકાનોની દીવાલો ધરાશાયી થવાની ઘટના પ્રકાશમાં આવતા નગરપાલિકા તંત્ર દ્વારા આવી મિલકતોના માલિકોને પુનઃ એકવાર નોટિસ ની બજવણી કરી આવી જર્જરીત મિલકત ઉતારી લેવા માટે સૂચિત કરાયા હોવાનું નગરપાલિકાની બાંધકામ શાખાના સૂત્રોએ જણાવ્યું હતું.
જો મિલકત ધારકો દ્વારા નગર પાલિકા ની નોટિસો બાદ પણ પોતાની જર્જરીત મિલકતો રીનોવેશન કરવા કે ઉતારી લેવાની કામગીરી નહીં કરે તો કોઈ પણ ઘટના સર્જાશે તો તેની સંપૂર્ણ જવાબદારી જે તે મિલકત માલિકોની લેખાશે અને તે મિલકત માલિક સામે કાયદેસરની કાયૅવાહી પણ કરવામાં આવશે તેવું જણાવ્યું હતું.
અહેવાલ યશપાલ સ્વામી