ઠાકોર મતદારો નું પ્રભુત્વધરાવતી પાટણ લોકસભા બેઠક પર બન્ને ઠાકોર સમાજના ઉમેદવારો વચ્ચે જામતો ચુંટણી જંગ..


દેશની જેમ ગુજરાતમાં પણ લોકસભા ચૂંટણીનો માહોલ જામી રહ્યો છે. ઉત્તર ગુજરાતની પાટણ સીટ પર પણ બંને ઠાકોર ઉમેદવારો એકબીજાને માત આપવા સભાઓ ગજવી રહ્યા છે. બંને પાર્ટીએ અહીં ઠાકોર સમાજના ઉમેદવારો મેદાનમાં ઉતાર્યા છે. જેમાં ભાજપે ભરતસિંહ ડાભી ને રિપીટ કર્યા છે તો કોંગ્રેસે સિધ્ધપુર ના પૂર્વ ધારાસભ્ય ચંદનજી ઠાકોર ને ટિકિટ આપી છે.

ભાજપના 67 વર્ષીય ઉમેદવાર ભરતસિંહ ડાભીને ફરી ટિકિટ આપી છે. ભરતસિંહ ડાભીએ ગઈ ચૂંટણીમાં કોંગ્રેસના દિગ્ગજ નેતા અને પાટણ સાંસદ તરીકે ચુંટાઈ આવેલ જગદીશ ઠાકોરને 1.93 લાખની લીડ થી હરાવ્યા હતા. જ્યારે કોંગ્રેસે ચંદનજી ઠાકોર પર પસંદગી ઉતારી છે. 50 વર્ષીય ચંદનજી ઠાકોરે વર્ષ 2017ની વિધાન સભા ચૂંટણીમાં સિદ્ધપુર સીટ પર ભાજપના એ વખતના સિનિયર નેતા જયનારાયણ વ્યાસને હરાવ્યા હતા, જોકે ગઈ 2022 ની વિધાનસભા ચૂંટણીમાં તેમનો ભાજપ ના બલવંતસિંહ રાજપૂત સામે માત્ર 1857 મતથી પરાજય થયો હતો.

ગુજરાતની અન્ય સીટ કરતાં પાટણ સીટની તાસીર થોડીક અલગ છે. પાટણ સીટ પર અત્યાર સુધી એક પણ મહિલા સાંસદ બની નથી. ચૂંટણી જીતવાની વાત તો દૂર, કોઈપણ મુખ્ય પાર્ટીએ અત્યાર સુધી કોઈ મહિલાને ટિકિટ પણ આપી નથી. આઝાદી બાદ પહેલી લોકસભા ચૂંટણી વર્ષ 1951થી લઈને અત્યાર સુધી એટલે કે 2024 સુધી 73 વર્ષમાં માત્ર 4 જ વખત કોંગ્રેસને પાટણ સીટ પર વિજય મળ્યો છે.તો સૌથી વધુ 7 વખત BJP જીતી છે. રાવ બહાદુર’ કિલાચંદ દેવચંદના પુત્ર પહેલી ચૂંટણી જીત્યા દેશ આઝાદ થયો પછી યોજાયેલી પહેલી લોકસભા ચૂંટણીમાં પાટણ નામ થી સીટ નહોતી. વર્ષ 1951ની ચૂંટણીમાં મહેસાણા વેસ્ટ સીટ માં પાટણનો વિસ્તાર આવતો હતો.

આ ચૂંટણીમાં તુલસીદાસ કિલાચંદે અપક્ષ તરીકે વિજય મેળવ્યો હતો. તેમણે કોંગ્રેસના ખાંડુભાઈ દેસાઈને હરાવ્યા હતા. તુલસીદાસ એ વખતના ખ્યાતનામ બિઝનેસમેન અને સમાજ સેવક કિલાચંદ દેવચંદના પુત્ર હતા. તેમણે આઝાદી પહેલાં પાટણના વિકાસમાં બહુ મોટો ફાળો આપ્યો હતો. કિલાચંદને અંગ્રેજ સરકારે ‘રાવ બહાદુર’ની ઉપાધિ થી સન્માન્યા હતા.. ત્યાર બાદની બીજી ચૂંટણી, એટલે કે વર્ષ 1957ની લોકસભા ચૂંટણીમાં પાટણ નામથી સીટ અસ્તિત્વમાં આવી હતી. આ ચૂંટણીમાં અપક્ષ તરીકે ચૂંટણી લડતા મોતી સિંહ ઠાકોરે કોંગ્રેસના વિજયકુમાર ત્રિવેદીને પરાજય આપ્યો હતો.

પાટણ સીટ પર વર્ષ 1962માં કોંગ્રેસે પહેલો વિજય મેળવ્યો હતો. પુરુષોત્તમદાસ પટેલે સ્વતંત્ર પાર્ટીના કાંતિપ્રસાદ યાજ્ઞિકને હરાવ્યા હતા. ત્યાર બાદ પાટણની સીટ એસટી અનામત જાહેર થઈ હતી. વર્ષ 1967માં સ્વતંત્ર પાર્ટીના ડી.આર.પરમારે કોંગ્રેસના એસ.આર. સોલંકીને હરાવ્યા હતા. ત્યાર બાદ વર્ષ 1971 અને વર્ષ 1977 એમ સતત બે ચૂંટણીમાં ખેમચંદ ચાવડા જીત્યા હતા. પછી બે ચૂંટણીમાં તેમનો પરાજય થયો હતો. જોકે વર્ષ 1989ની ચૂંટણીમાં તેમણે ફરી વિજય હાંસલ કર્યો હતો. તેમણે જનતા દળ તરફથી ચૂંટણી લડી કોંગ્રેસના યોગેન્દ્ર મકવાણાને હરાવ્યા હતા.

પાટણ સીટ પર ભાજપને પહેલો વિજય વર્ષ 1991 મળ્યો હતો. ગુજરાતી સિનેમામાં જેમનો દબદબો હતો એવા અભિનેતા નરેશ કનોડિયાના મોટા ભાઈ મહેશ કનોડિયાએ કોંગ્રેસના નરેન્દ્ર પરમારને માત આપી હતી. ત્યાર બાદ મહેશ કનોડિયા સતત ત્રણ વખત પાટણ સીટ પરથી સાંસદ ચૂંટાઈ આવ્યા હતા. વર્ષ 1999 ની ચૂંટણીમાં કોંગ્રેસના પ્રવીણ રાષ્ટ્રપાલે ભાજપને ઝટકો આપ્યો હતો. તેમણે મહેશ કનોડિયાને હરાવ્યા હતા. જોકે ફરી વર્ષ 2004ની ચૂંટણીમાં મહેશ કનોડિયા એ કોંગ્રેસના પ્રવીણ રાષ્ટ્રપાલને હરાવી રાજકીય બદલો લીધો હતો.

જોકે નવું સીમાંકન થતાં વર્ષ 2009ની ચૂંટણીમાં પાટણ સીટ એસસી કેટેગરી માંથી નીકળી જનરલમાં આવી હતી. ત્યાર બાદથી આ સીટ પર ઠાકોર સમાજનો દબદબો રહ્યો છે. વર્ષ 2009 માં કોંગ્રેસના જગદીશ ઠાકોરે ભાજપ ના ભાવસિંહ રાઠોડને હરાવ્યા હતા. જોકે ત્યાર બાદ ભાવસિંહ રાઠોડ પાર્ટી બદલી કોંગ્રેસમાં આવ્યા હતા અને વર્ષ 2014ની ચૂંટણી લડ્યા હતા. આ ચૂંટણીમાં ભાવસિંહ રાઠોડનો ભાજપના લીલાધર વાઘેલા સામે પરાજય થયો હતો. ત્યાર બાદ વર્ષ 2019 માં ભરતસિંહ ડાભીએ કોંગ્રેસ ના જગદીશ ઠાકોરને 1.93 લાખની જંગી લીડથી હરાવ્યા હતા. ભાજપે ફરી વર્ષ 2024ની ચૂંટણીમાં ભરત સિંહ ડાભીને ટિકિટ આપી છે.તો કોગ્રેસે સિધ્ધપુર ના પૂવૅ ધારાસભ્ય ચંદનજી ઠાકોર ને ટિકિટ આપી છે ત્યારે બંને ઠાકોર ઉમેદવાર ચુટણી જીતવા માટે એડી ચોટી નું જોર લગાવી પ્રચાર પ્રસાર કામગીરી ને વેગવાન બનાવી રહ્યા છે.

પાટણ લોકસભામાં આવતી 7 વિધાનસભા બેઠક માંથી 4 બેઠક વડગામ, કાંકરેજ, ચાણસ્મા અને પાટણ સીટ પર કોંગ્રેસે વિજય મેળવ્યો હતો. જ્યારે ભાજપને માત્ર 3 બેઠક- રાધનપુર, સિદ્ધપુર અને ખેરાલુ બેઠક મળી હતી. તમામ 7 વિધાનસભામાં ભાજપને કુલ 6,03,655 મત મળ્યા હતા, જ્યારે કોંગ્રેસને કુલ 6,03, 214 મત મળ્યા હતા. આમ, ભાજપને કોંગ્રેસ કરતાં માત્ર 441 મત જ વધુ મળ્યા હતા. જો કોંગ્રેસને મળેલા કુલ મત 6,03,214માં આમ આદમી પાર્ટીને મળેલા કુલ મત 31,269 ઉમેરી દઈએ તો કુલ મત 6,34,483 થવા જાય છે, જે ભાજપ કરતાં 30,828 મત વધુ થાય છે. આમ, વિધાનસભાના ગણિત મુજબ ભાજપ કરતાં અહીં કોંગ્રેસ અને આપ નું પલડું ભારે છે..

પાટણ સીટ પર બંને પાર્ટીઓ ઠાકોર સમાજના ઉમેદવારને જ કેમ ટિકિટ આપે છે એની પાછળ ઠાકોર જ્ઞાતિની વસતિનું ગણિત છે. આ સીટ પર પર ઠાકોર જ્ઞાતિના મતદારોનું ખાસ્સું પ્રભુત્વ છે. અંદાજે કુલ 20.16 લાખ મતદારોમાંથી 26% એટલે કે 5.25 લાખ મતદારો ઠાકોર છે, જ્યારે મુસ્લિમ 2.20 લાખ, દલિત 1.58 લાખ, ક્ષત્રિય 1.38 લાખ, પાટીદાર 1.24 લાખ, ચૌધરી 1.17 લાખ અને રબારી 1.02 લાખ અંદાજે મત દારો છે. આ ઉપરાંત પ્રજાપતિ 0.70 લાખ અને બ્રાહ્મણ 0.52 લાખ મતદારો છે. આ સિવાયની જ્ઞાતિના અંદાજે 5.10 લાખ મતદારો પાટણ સીટ પર નોંધાયેલા છે.

પુરુષોની સરખામણીએ મહિલાઓમાં 6% ઓછું મતદાન પાટણ સીટ પર ગઈ ચૂંટણી, એટલે કે વર્ષ 2019 ના લોકસભાના આંકડા પર નજર કરીએ સરેરાશ 62% મતદાન નોંધાયું હતું, જે ગુજરાતના સરેરાશ મત દાન 65% કરતાં 3% ઓછું હતું. આ સીટ પર 65% પુરુષોએ મતદાન કર્યું હતું, જ્યારે મહિલાઓની મત દાન ની ટકાવારી એનાથી 6% ઓછી એટલે કે 59% મહિલાઓએ મતદાન કર્યું હતું. પાટણ સીટ પર છેલ્લી ત્રણ ચૂંટણીમાં યોજાયેલા મતદાનની સરખામણીએ કરીએ તો વર્ષ 2009માં 45%, 2014માં 59% અને વર્ષ 2019માં 62% મતદાન થયું હતું. આમ, છેલ્લાં 10 વર્ષમાં પાટણ સીટ પર મતદાનની ટકાવારી 45%થી વધીને 62% પહોંચી હતી, જે 17%નો વધારો સૂચવે છે.

10 વર્ષમાં મહિલાઓમાં મતદાન 19% વધ્યું પાટણ સીટ પર મતદાનમાં ઉત્તરોત્તર મહિલાઓની ભાગી દારી વધી છે. વર્ષ 2009માં મહિલાઓમાં મતદાનની ટકાવારી 40% હતી, જે વર્ષ 2024માં વધીને 59% પહોંચી છે. આમ, 10 વર્ષમાં મહિલાઓમાં મતદાનનું પ્રમાણ 19% વધ્યું છે, જ્યારે પાટણ સીટ પર છેલ્લાં 10 વર્ષમાં પુરુષોમાં મતદાનનું પ્રમાણ 15% વધ્યું છે. વર્ષ 2009માં પુરુષોમાં મતદાનની ટકાવારી 50% હતી, જે વર્ષ 2024માં વધી 65% થઈ છે.