પાટણ તા. ૨
રાજ્યભરમાં આગાહીના પગલે થયેલ વરસાદી માહોલ બાદ હવે વરસાદે વિરામ લીધો છે. જે અન્વયે તમામ જિલ્લામાં આરોગ્ય, નગરપાલિકા, માર્ગ અને મકાન વિભાગ તેમજ અન્ય વિભાગો દ્વારા વરસાદથી અસર ગ્રસ્ત વિસ્તારોમાં સફાઈ સહિત ની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે.
પાટણ શહેરમાં મેઘરાજા મનમુકીને વરસતા પાલિકા તંત્ર હરકતમાં આવ્યું છે. લોકોની જાન માલ ની સુરક્ષા અને નગરની સાફ સફાઈ માટે પાટણ નગરપાલિકા તંત્ર સજજ બન્યું છે. જેના પગલે વરસાદ પહેલાં અને વરસાદ પછી પાલિકા તંત્રએ સફાઈ ઝુંબેશ, કલોરીનેશન, ફ્લોગિંગ સહિતની કામગીરી માટે ટીમ બનાવી કામગીરી હાથ ધરી છે.
પાટણ નગરપાલિકા દ્વારા હાલમાં શહેરમાં 95 ટકા પડતર કચરાનો નિકાલ પૂર્ણ કરી દેવામાં આવ્યો છે. તેમજ રસ્તાઓ પર પડેલા ખાડા પૂરવાનું કામ પણ ચાલી રહ્યું છે. નગરપાલિકા દ્વારા હાલમાં આનંદ સરોવરને ડિવોટરીંગ કરવાનું કામ ચાલી રહ્યું છે જેથી તળાવ નું પાણી આજુબાજુની સોસાયટીઓમાં ભરાઈ ન જાય. ઉપરાંત શહેરના વિવિધ વિસ્તારોમાં હાલ સફાઈ અભિયાન કામગીરી સાથે દવા છંટકાવની કામગીરી તેમજ પીવાના પાણીને સુપર ક્લોરીનેશન કરવાની કામગીરી પણ કરવામાં આવી રહી હોવાનું પાલિકા સુત્રોએ જણાવ્યું હતું.
અહેવાલ યશપાલ સ્વામી