આગામી છ મહિનામાં આ પ્રોજેકટ પૂર્ણ થશે તેવી કુલપતિએ શકયતાઓ વ્યકત કરી..
પાટણ તા. ૩
હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી પાટણ દ્રારા યુનિવર્સિટીની વેબસાઈટ અપડેટ કરવાની દિશામાં કામગીરી હાથ ધરવામાં આવી છે. જેમાં યુનિવર્સિટીની વિવિધ મહત્વની બાબતોનો સમાવેશ કરવામાં આવનાર છે. આ અંગે કુલપતિ ડો. કિશોરભાઈ પોરિયા એ જણાવ્યું હતું કે સમયના બદલાવ સાથે યુનિવર્સિટી દ્વારા અનેક ક્ષેત્રોમાં નોંધપાત્ર કામગીરી કરવામાં આવી રહી છે ત્યારે યુનિવર્સિટીની સંપૂર્ણ અને સાચી માહિતી વિદ્યાર્થીઓ તેમજ સમાજ સુધી પહોંચે તે ઉદ્દેશથી યુનિવર્સિટીની વેબસાઈટનું
નવીનીકરણ કરી તેને અદ્યતન કરવાની કામગીરી હાથ ધરાઈ છે જે કામગીરી આગામી છ મહિનામાં પૂર્ણ થશે તેવી તેમણે આશા વ્યક્ત કરી હતી.
યુનિવર્સિટી દ્વારા વેબસાઈટ અપડેટ કરવાની કામગીરીમાં યુનિવર્સિટીનો મૂળ લોગો અને યુનિવર્સિટી ગીત જેમ છે તે રીતે જ રાખવામાં આવશે. જ્યારે યુનિવર્સિટી કેમ્પસમાં આવેલ ૧૭ જેટલા જુદા જુદા ડિપાર્ટમેન્ટોમાં ચાલતા શૈક્ષણિક અભ્યાસ ક્રમો તેમજ વિવિધ વિભાગોના અધ્યાપકોના ફોટા અને તેમની પ્રોફાઈલ પણ મૂકવામાં આવશે. આ ઉપરાંત યુનિવર્સિટીનું હરિયાળું કેમ્પસ, તેની ગ્રીનેરી, વિવિધ બિલ્ડિંગો, તેમજ યુનિવર્સિટીએ વિવિધ ક્ષેત્રમાં મેળવેલ સિદ્ધિઓ, યુનિવર્સિટીનો ઇતિહાસ તેમજ અન્ય મહત્વની બાબતોને આ વેબસાઈટમાં આવરી લેવા આયોજન કરવામાં આવ્યું છે અને હાલમાં તેની વિડીયોગ્રાફીની કામગીરી હાથ ધરવામાં આવી હોવાનું કુલપતિએ જણાવ્યું હતું.
અહેવાલ યશપાલ સ્વામી