પાટણ તા.૪
પાટણ જિલ્લા પંચાયત નાં સભાખંડમાં જિલ્લા વિકાસ અધિકારી ડી.એમ. સોલંકીની અધ્યક્ષતામાં બાળ વિકાસ યોજના અંતર્ગત યોજનાકીય સમિક્ષા બેઠક યોજાઇ હતી. આ બેઠકમાં જિલ્લા બાળ વિકાસ યોજના અધિકારી મુખ્ય સેવિકા બહેનો આંકડા મદદનીશ પોષણ ટ્રેકર બ્લોક લેવલ ઇસીસી ઈ કોર્ડીનેટર પી એસ ઈ વગેરે ઉપસ્થિત રહ્યા હતા.
સમીક્ષા બેઠક સાથે સરકારની નવી શૈક્ષણિક નીતિ અંતર્ગત પ્રિ-સ્કૂલ એજ્યુકેશન, બાળકોના સર્વાંગી વિકાસ માટે 17 થીમ આધારિત પ્રવૃત્તિઓ અને આંગણવાડીમાં 3 થી 5 વર્ષના બાળકો નિયમિત રીતે આવે તે માટે ડીડીઓ દ્વારા અનુરોધ કરવામાં આવ્યો હતો.
આ ઉપરાંત આંગણવાડીના મકાનોના બાંધકામ, તેના જમીનને લગતા પ્રશ્નો, ટેન્ડર પ્રક્રિયામાં મુશ્કેલી, આંગણવાડીના મકાન બાંધકામ માટે એજન્સી રૂ.7 લાખમાં ટેન્ડર ભરતી ન હોવાથી અને મનરેગામાં મકાન મટીરીયલ્સના ભાવમાં વધારો, વગેરે પ્રશ્નોની આ બેઠકમાં વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી.
કાર્યકર બહેનો દ્વારા પોષણ ટ્રેકરમાં નિભાવવામાં આવતી તમામ બાબતો જેવીકે ગ્રોથ મોનિટરિંગ (કુપોષણ) ન્યુટ્રીશન (એમએમવાય – પીએમએમવીવાય), ગૃહ મુલાકાત, મકાન, પાણી, વીજળી, શૌચાલય વગેરે તમામ બાબતો અંગે મુખ્ય સેવિકા બહેનોના સેજા મુજબ યોજનાકિય રીવ્યુ સાથે ગેપ એનાલિસિસ કરાયેલ.યોજનાકીય કામગીરીને વેગ મળે અને જે ક્ષતિઓ હોય તેનું પુનરાવર્તન ન થાય વગેરે બાબતે પ્રોગ્રામ ઓફિસર દ્વારા પ્રેઝન્ટેશન મારફતે યોજનાકીય બાબતોનું રીવ્યુ કરવામાં આવ્યું હતું.