પાટણ જિલ્લામાં 37,579 બાળકો પા-પા પગલી પ્રોજેક્ટ અંતર્ગત પ્રિ-સ્કૂલ એજ્યુકેશન મેળવી રહ્યા છે…
18,536 દિકરીઓ અને 19,043 દિકરાઓ આંગણવાડીમાં પૂર્વ પ્રાથમિક શિક્ષણ મેળવી રહ્યા છે..
પાટણ તા. 19
સરકારના પા-પા પગલી પ્રોજેક્ટ અંતર્ગત આજે અનેક બાળકો પૂર્વ પ્રાથમિક શિક્ષણ લઈ રહ્યા છે. 3 થી 6 વર્ષના બાળકો વધુમાં વધુ આંગણવાડીમાં આવતા થાય અને બાળકો ને સારામાં સારુ પૂર્વ પ્રાથમિક શિક્ષણ અને પૂર્વ પ્રાથમિક પોષણ મળી રહે તે હેતુ થી પા-પા પગલી પ્રોજેક્ટ શરૂ કરવા માં આવ્યો છે. બાળકોને પ્રિ-સ્કુલ એજ્યુ કેશન મળી રહે તે માટેના આ પ્રોજેક્ટના ભાગરૂપે આંગણવાડી કેન્દ્રો પર દર ત્રીજા મંગળવારે બાળ દિવસની ઊજવણી કરવામાં આવે છે. પ્રાઈવેટ નર્સરીમાં શિક્ષણ આપવા કરતા હવે વાલીઓ પા-પા પગલી પ્રોજેક્ટ અંતર્ગત પોતાના બાળકોને આંગણવાડી માં શિક્ષણ આપતા થયા છે.
પાટણ જિલ્લાની વાત કરીએ તો, જિલ્લામાં અત્યારસુધી પા-પા પગલી પ્રોજેક્ટ અંતર્ગત હાલમાં 18,536 દિકરીઓ અને 19,043 દિકરા ઓ પૂર્વ પ્રાથમિક શિક્ષણ મેળવી રહ્યા છે. કુલ 37,579 બાળકો પૂર્વ પ્રાથમિક શિક્ષણ મેળવી રહ્યા છે. જેમાંથી એક છે કમલી વાડા ની 5 વર્ષની જીજ્ઞા. જીજ્ઞા અત્યારે આંગણવાડી માં પૂર્વ પ્રાથમિક શિક્ષણ લઈ રહી છે. ઠાકોર જિજ્ઞા લાલાજી ભાઈ ના ઘરની મુલાકાત લઈને જીજ્ઞાના માતા-પિતા સાથે વાત કરતા જાણવા મળ્યું કે, જીજ્ઞા પહેલા કોઈ પણ વ્યક્તિ ઘરમાં આવે તો ગભરાઈ જતી હતી.
કોઈ બાળક સાથે રમવું પણ તેને ગમતુ નહોતું પરંતુ જ્યારથી તેને આંગણવાડીમાં મોકલી છે ત્યારથી તેના વર્તન-વ્યવહારમાં ફેરફાર થયો છે. આજે જીજ્ઞા અન્ય બાળકો સાથે રમતી થઈ છે. જીજ્ઞાનો પહેલા વજન અને ઊંચાઈ પહેલા ઓછી હતી. પરંતુ હવે આંગણવાડી કેન્દ્રમાં નિયમિત આવવાથી વજન અને ઊંચાઈમાં વધારો જોવા મળ્યો છે. આજે જીજ્ઞા આંગણવાડીમાં નિયમિત જાય છે, અને બધા બાળકો સાથે હળી-મળીને રહે છે.પાટણ જિલ્લામાં જિલ્લા પંચાયત ના મહિલા અને બાળ કલ્યાણ સમિતિના ચેરમેન શ્રીમતી સેજલબેન દેસાઈ ખુદ પોતા ની દિકરીને પ્રાઈવેટ નર્સરીમાં શિક્ષણ આપવા કરતા આંગણવાડીમાં શિક્ષણ અપાવવું વધુ સારૂ સમજી રહ્યા છે. સેજલબેનને લાગ્યું કે પ્રાઇવેટ નર્સરીમાં ફી ભરીને બાળકોને શિક્ષણ આપવામાં આવતું હોય છે પરંતુ સરકાર દ્વારા મળતી બધી સુવિધાઓ આંગણવાડીની જેમ બાળકોને મળતી નથી તેથી સેજલ બેને દિકરી વ્યાના ને આંગણવાડી માં એડમિશન અપાવ્યું. હાલમાં સાનવી આંગણવાડી કેન્દ્રમાં પૂર્વ પ્રાથમિક શિક્ષણ લઈ રહી છે. સેજલબેન ખુદ આગળ આવીને દિકરીને પૂર્વ પ્રાથમિક શિક્ષણ આંગણવાડીમાં અપાવી રહ્યા છે. જેનાથી પ્રભાવિત થઈને સામાન્ય જનતા પણ આગળ આવી રહી છે.
પા-પા પગલી પ્રોજેક્ટ વિશે વાત કરતા જિલ્લા વિકાસ અધિકારી ડી.એમ.સોલંકી જણાવે છે કે, પાટણ જિલ્લામાં પા-પા પગલી પ્રોજેક્ટ અંતર્ગત ખૂબ સારૂ કામ થઈ રહ્યું છે. જિલ્લાની આંગણવાડીની બહેનો દ્વારા 3 થી 6 વર્ષના બાળકોને પૂર્વ પ્રાથમિક શિક્ષણ તેમજ પૂરક પોષણ મળી રહે તે માટે કાર્ય કરવામાં આવી રહ્યું છે. જિલ્લા ની દરેક આંગણવાડીમાં આજે અનેક બાળકો આવતા થયા છે અને વાલીઓ પોતાના બાળકોને આજે પ્રાઈવેટ સંસ્થામાં શિક્ષણ લેવા કરતા આંગણવાડીમાં શિક્ષણ મેળવવા નું સારૂ સમજી રહ્યા છે. આંગણવાડીમાં બાળકો ને વિવિધ પ્રવૃતિઓ કરાવવાની સાથે સાથે પોષણયુક્ત ભોજન પણ આપવામાં આવી રહ્યું છે. જિલ્લાના તમામ વાલીઓને અપીલ કરૂ છુ કે તેઓ પણ પોતાના બાળક ને આંગણવાડીમાં મોકલે અને પૂર્વ પ્રાથમિક શિક્ષણ અપાવે.
પ્રોજેક્ટ પા-પા પગલી દ્વારા આંગણવાડીમાં આવતા 3 થી 6 વર્ષના બાળકોને જીવનના મહત્વના વર્ષોમાં તેમના ગુણવત્તાપૂર્ણ જીવન માટેનો મજબૂત પાયો નખાય તેવા મહત્વ કાંક્ષી લક્ષ્ય સાથે હાલમાં કામ થઈ રહ્યું છે. પૂર્વ પ્રાથમિક શિક્ષણને બાળકના આગળના શાળાકીય શિક્ષણ માટે ખૂબ જ મહત્વપૂર્ણ ગણવામાં આવ્યું છે. તેથી સરકારશ્રીએ પૂર્વ પ્રાથમિક શિક્ષણ પર ભાર મુક્યો છે અને 3 થી 6 વર્ષના બાળકોને આંગણવાડીમાં જ પૂર્વ પ્રાથમિક શિક્ષણ આપવાનું નક્કી કર્યું છે. આમ, હવે બાળકોના શિક્ષણનો મહત્વ નો પાયો રાજ્ય ની આંગણવાડી માં જ તૈયાર થઈ રહ્યો છે.