પાટણ તા. 19
તા.18 મી એપ્રિલ ને યુનેસ્કો દ્વારા વિશ્વ વિરાસત દિવસ તરીકે જાહેર કરવામા આવેલ છે તેના ઉપક્રમે ઐતિહાસીક નગરી પાટણમા રમત ગમત અને યુવા સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ, ગાંધીનગર પુરાતત્વ અને સંગ્રહાલય ખાતું, ગુજરાત રાજ્ય દ્વારા સંચાલિત પાટણ મ્યુઝીયમ, પાટણ ખાતે ઐતિહાસીક ક્ષેત્રે રસ ધરાવતી પાટણની વિવિધ ઐતિહાસીક સંસ્થાઓ તેમજ પાટણની વિરાસત અનેઐતિહાસીક બાબતોનુ જ્ઞાન ધરાવતા તજજ્ઞોની એક બેઠકનું આયોજન કરવામા આવ્યુ હતું.
વર્લ્ડ હેરિટેજ દિવસ 2023 ચેન્જીસ હેરીટેજ વિષય વસ્તુ પર જ્યારે યોજાઈ રહ્યો છે ત્યારે પાટણ ના તજજ્ઞો એ પાટણના બદલાતા વિરાસતો જેમા પાટણના જૈન ભંડારોમા રહેલી અમુલ્ય હસ્ત પ્રતો, 14 મા અને 15 મા સૈકાના અલભ્ય ગ્રંથો 2500 જેટલા તદ્દન અપ્રાપ્ય આયુર્વેદના ગ્રંથો વિશે જૈન અગ્રણી યતીનભાઈ શાહે એકદમ અદ્ભુત માહિતી આપી હતી.
આયુર્વેદ ગ્રંથોની ચકાસણી ભારતના ખ્યાતનામ આયુર્વેદાચાર્ય બાબા રામદેવ, પતંજલી આશ્રમે સ્વયં કરી હતી અને આ અપ્રાપ્ય ગ્રંથોના અભ્યાસ અર્થે પતંજલી યોગ આશ્રમમાંથી દર વર્ષે સાત થી આઠ આયુર્વેદા
ચાર્યોનું જુથ અભ્યાસ અર્થે પાટણ આવે છે તેવું તેમણે જણાવ્યું હતું.
આ અમુલ્ય જ્ઞાનનો વારસો હજારો વર્ષોથી સાચવવા અને સંરક્ષણ કરવા માટે કેવી તકનીકોનો ઉપયોગ કરવામાં આવે છે તેની જાણકારી આપીને સૌ ઉપસ્થીત તજજ્ઞોને અચંબીત કરી દિધા હતા. અને સાચા અર્થમાં વિસરાતા જતા વારસાને અને બદલાતી વિરાસતની તાત્પર્ય સભર માહીતી પિરસી હતી.
તેની સાથે સાથે પાટણની માટીના રમકડાંની લુપ્ત થતી કલા વિષે જીતેન્દ્ર ભાઈ ઓતીયા એ રૂબરૂ વૈજ્ઞાનિક ઢબે તૈયાર થયેલા રમકડાંઓનું નિદર્શન કરીને દર્શાવ્યુ હતુ.આમ બદલાતી જતી વિરાસત વિષે બૃહદ ચર્ચા કરીને આ વિરાસતના સંરક્ષણ સંવર્ધન માટે સુચનો પણ આમંત્રિત કરવામાં આવ્યા હતાં. તજજ્ઞ તરીકે ઉપસ્થીત રહેલા પાટણ શહેરના વરિષ્ઠ ઈતિહાસકાર અશોકભાઈ વ્યાસે પાટણના પુરાતન વારસો અને સિદ્ધા રાજ જયસિંહ ની યાદગિરી રૂપે રહેલ કિર્તી સ્તંભ નો એક માત્ર શીલાલેખ કે જે પાટણના વિજળકુવા વિસ્તારમા આવેલ શિવમંદિર ની દિવાલ પર આજે પણ રહેલો છે તેવું જણાવેલ હતું.
જ્યારે પાટણના અગ્રણી નાગરીક જાણીતા એડવોકેટ શૈલેષભાઈ બ્રહ્મક્ષત્રીયે પાટણની યશોગાથા વર્ણવતા કિર્તી સ્તંભની ફરી થી પાટણમા રચના થવી જોઈએ તેમજ પાટણ ની મહિમા ગાન કરતા ટેબ્લો કે જે આજે જર્જરીત અવસ્થામા બગવાડા દરવાજે, શહેર ના આનંદ સરોવર ખાતે તેમજ જુના સરકારી આરામગૃહ ખાતે છે તેનું પુનર્ઉત્થાન કરવાની જરૂર હોવાનું જણાવ્યું હતું.
કાર્યક્રમ ના આયોજક અને સંચાલક ડૉ.આશુ તોષ પાઠકે વિશ્વ વિરાસતમા સ્થાન પામેલી રાણીકીવાવ પર વાતાવરણની થતી વિપરિત અસરો વિષે ચિંતા વ્યક્ત કરીને ક્ષતિ પામેલા વાવના સ્થાપત્યોની તસ્વીરો સાથે ચિંતન માંગી લે તેવી બાબતો ઉપસ્થીતોના ધ્યાને લાવ્યા હતા.
આ વિલુપ્ત થતા સ્થાપત્યોને બચાવવા માટે જમીન મા થતો ભેજ કેવી રીતે રોકવો અને સુર્યના પ્રકાશથી તેમજ વરસાદી પાણીથી વાવના શિલ્પોને બચાવવા યોગ્ય ડોમથી પરિસરને ઢાંકવાની જરૂર હોવાનું જણાવ્યું હતું.અને ખાસ ધ્યાન દોર્યું હતું કે પાટણની રાણી કી વાવ તેમજ પાટણ રિજીયોનલ સાયન્સ સેન્ટર ખાતે વર્ષ દરમ્યાન છ થી સાત લાખ પ્રવાસીઓ મુલાકાત લે છે ત્યારે આ પ્રવાસીઓ નો લાભ પાટણના કોઈ પણ કલા કસબી, વ્યાપાર ઉદ્યોગ કે હસ્ત કલા ઉદ્યોગ ને મળતો નથી તેવા સંજોગોમા વહિવટી તંત્ર પહેલ કરીને કાલિકા માતાના પ્રાચીન મંદિર વિસ્તારમા કલાકસબીઓ, હસ્તકલા ના કૌશલ્ય ધરાવતા કારિગરો માટે એક ગ્રામ હાટની રચના કરે તો પાટણ જીલ્લા વિસ્તાર મા પ્રવાસન ક્ષેત્રનો સમૃદ્ધ મની પુલ ઉભો થઈ શકે તેમ છે.
સમગ્ર કાર્યક્રમમા ઉપસ્થીત તમામ તજજ્ઞોએ પોતાના મંતવ્યો આપ્યા હતા અને નગર સેવક મનોજ પટેલ તેમજ સ્વચ્છતા શાખાના ચેરમેન ગોપાલસિંહ રાજપુતે આ તમામ બાબતો નું સંકલન કરીને ડૉ.આશુતોષ પાઠક ને દસ્તાવેજ તૈયાર કરવા જણાવ્યુ હતુ અને તમામ બાબતો લાગતા વળગતા સરકારી વિભાગો સુધી પહોંચાડવાની બાંહેધરી લીધી હતી. વ્યાપારી મહામંડળના પ્રમુખ મહાસુખ ભાઈ મોદીએ સમગ્ર કાર્યક્રમના આયોજન અને સંચાલન માટે ડૉ.આશુતોષ પાઠકનો તેમજ પાટણ મ્યુઝીયમના કાર્યકારી આસિ. ક્યુરેટર તેજલબેન પરમારનો આભાર વ્યક્ત કર્યો હતો.