જિલ્લા કલેક્ટરે સાંતલપુર ના સ્થાનિક લોકો સાથે સીધો સંવાદ કરીને પાણી અંગેની રજૂઆતો સાંભળી..
પાણીની સમસ્યાનિવારવા માટે જિલ્લા વહીવટીતંત્ર કટીબદ્ધ હોવાનું જિલ્લા કલેક્ટરે જણાવ્યું..
પાટણ તા. 29
ઉનાળાની શરૂઆત થતાં જ લોકોને પાણીની સમસ્યા સતાવતી હોય છે. પાટણના સરહદી વિસ્તાર એવા રાધનપુર-સાંતલપુરમાં પણ પાણીની સમસ્યાના કારણે જિલ્લા કલેક્ટર અરવિંદ વિજયન ને રજૂઆતો મળી હતી જેથી જિલ્લા કલેક્ટર ખુદ સ્થાનિક લોકોની વચ્ચે ગયા હતા અને તેઓની રજૂઆતો, પ્રશ્નો તેઓના મુખે સાંભળ્યા હતા. સ્થાનિક લોકોની સાથે સંવાદ કરતા પહેલા કલેક્ટરે સર્કિટ હાઉસ ખાતે પાણી પુરવઠા અને વાસ્મોના અધિકારીઓ સાથે બેઠક કરી હતી. બેઠકમાં અધિકારીઓ પાસેથી રાધનપુર-સાંતલપુર પંથકમાં પાણીની શુ પરિસ્થિતી છે? કેટલા એમ.એલ.ટી. પાણીનો જથ્થો આપવામાં આવી રહ્યો છે? કેટલા ગામ સુધી પાણી પહોંચે છે? કેટલી વસ્તીને આવરી લે છે? પાણી કેટલો સમય સુધી મળે છે? વગેરે અંગેની વિગતો મેળવી હતી.
સર્કિટ હાઉસમાં અધિકારી ઓ સાથે ચર્ચા કર્યા બાદ કલેક્ટરે સાંતલપુરની પ્રાથમિક શાળા નં-1 પર પહોંચ્યા હતા. જ્યાં ઉપસ્થિત સ્થાનિક લોકો સાથે સીધો સંવાદ કરીને તેઓની મુશ્કેલીઓ જાણવાનો પ્રયાસ કર્યો હતો. કલેક્ટર સાથે જિલ્લા વિકાસ અધિકારી ડી.એમ.સોલંકીએ પણ ગામવાસીઓ સાથે સીધો સંવાદ કર્યો હતો. તેઓએ સ્થાનિક લોકોને પાણી બાબતે પડતી મુશ્કેલીઓ જાણી હતી. સંવાદ દરમિયાન કલેક્ટરે સંલગ્ન અધિકારીઓને છેવાડાના માનવી સુધી પાણી પહોંચવું જ જોઈએ તેવું સુચન પણ કર્યું હતુ. પાણીની વિતરણ વ્યવસ્થાથી લઈને ટેક્નિકલ ખામી હોય તો તેને સુધારવા માટે જિલ્લા કલેક્ટરે સંબધિત અધિકારીઓને સુચન કર્યું હતુ.
તેમજ એવા કયા-કયા ગામો છે જ્યા ખૂબ ઓછા પ્રમાણમાં પાણી મળે છે તેની યાદી તૈયાર કરવા માટે પણ જણાવ્યું હતુ. સ્થાનિક લોકોએ કલેક્ટરને લેખિતમાં પણ પોતાની રજૂઆતો આપી હતી. કલેક્ટરે તમામ લોકો ની રજૂઆતો સાંભળી હતી તેમજ ત્વરીતપણે પાણીનો પ્રાણ પ્રશ્નનો ઉકેલ લાવવાનું આશ્વાસન પણ આપ્યું હતુ.પાણીની સમસ્યા બાબતે વાત કરતા જિલ્લા કલેક્ટર અરવિંદ વિજયન જણાવે છે કે, સાંતલપુર અને રાધનપુર સરહદી વિસ્તારમાં પાણી ની સમસ્યા છે, પ્રેશર ઓછુ આવે છે વગેરે જેવી ફરીયાદો આવી હતી. તેથી રાધનપુર ખાતે અધિકારીઓ સાથે વાતચીત કરી હતી. અને સાંતલપુરમાં સ્થાનિક લોકો સાથે પણ તેઓ ની સમસ્યા મુદ્દે વાતચીત કરી હતી.
રાધનપુરના 56 ગામ અને નગરપાલિકા વિસ્તારમાં પણ પાણીની કેટલીક સમસ્યાઓ છે. આ તમામ સમસ્યાઓને દુર કરીને લોકોને સમયસર પીવાનું પાણી મળી રહે તે માટે જિલ્લા વહીવટીતંત્ર દ્વારા પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. સ્થાનિક લોકોની સાથેના સીધા સંવાદમાં જિલ્લા કલેક્ટર અરવિંદ વિજયન ની સાથે રાધનપુર ધારાસભ્ય લવિંગજી ઠાકોર, જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી ભાનુમતી બેન મકવાણા, જિલ્લા વિકાસ અધિકારી ડી.એમ.સોલંકી, તેમજ વિવિધ અધિકારીઓ, આગેવાનો અને સ્થાનિક લોકો ઉપસ્થિત રહ્યા હતા.