ચેરમેન પદે વિષ્ણુ પટેલ અને વા.ચેરમેન પદે બાબુ પટેલે સુકાન સંભાળ્યું…
પાટણ તા. 6
સિદ્ધપુર ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિના સભ્યોની ચૂંટણી યોજાયા બાદ આજે ચેરમેન વાઇસ ચેરમેનની વરણી અંગેની સભા બનાસકાંઠા જિલ્લા રજીસ્ટ્રાર વ ચૂંટણી અધિકારી યુવરાજસિંહ ચૌહાણના અધ્યક્ષ સ્થાને શનિવારે યોજાતાં ચેરમેન તરીકે વિષ્ણુભાઇ પટેલ (રાજપુર) , અને વાઇસ ચેરમેન તરીકે બાબુ ભાઈ પટેલ (આંકવી) ની બિન હરીફ વરણી થવા પામી હતી.
ચૂંટણી સમયે માર્કેટ યાર્ડમાં મોટી સંખ્યામાં ભારતીય જનતા પક્ષના હોદ્દેદારો અને કાર્યકરો ઉમટી પડ્યા હતા સર્વએ નવનિયુક્ત ચેરમેન અને વાઇસ ચેરમેનને અભિનંદન પાઠવ્યા હતા. ત્યારબાદ ગોકુલ યુનિવર્સિટી ખાતે નવનિયુક્ત ચેરમેન, વાઇસ ચેરમેન અને ડીરેકટરો નો પદગ્રહણ અને અભિવાદન સમારોહ કેબિનેટ મંત્રી બલવંતસિંહ રાજપૂતના અધ્યક્ષ સ્થાને યોજાયો હતો.
તેઓએ તેમના પ્રાસંગિક પ્રવચનમાં જણાવ્યું હતું કે સિદ્ધપુર ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિમાં પ્રથમ વખત સંપૂર્ણ રીતે ભારતીય જનતા પક્ષના હોદ્દેદારો વહીવટ કરશે જે પારદર્શક રીતે થાય, ખેડૂતો અને વેપારીઓને ફાયદો થાય, આધુનિક સ્તરે સુવિધાઓ ઉત્પન્ન થાય એ બાબતે વિસ્તૃત જાણકારી આપી હતી.
આ પ્રસંગે પ્રદેશ ભાજપ ઉપાધ્યક્ષ નંદાજી ઠાકોર, પાટણ જિલ્લા ભાજપ પ્રમુખ દશરથજી ઠાકોર, જિલ્લા પંચાયત પ્રમુખ ભાનુમતીબેન મકવાણા, પૂર્વ સાંસદ દિલીપભાઈ પંડ્યા,ન.પા.પ્રમુખ કૃપા બેન આચાર્ય, જિલ્લા ભાજપ ઉપપ્રમુખ જશુભાઈ પટેલ, શહેર ભાજપ પ્રમુખ કિરણભાઈ શાસ્ત્રી, જિલ્લા ખરીદ વેચાણ સંઘના ચેરેમન દેવાભાઇ દેસાઈ તેમજ સંગઠનના આગેવાનો, હોદેદારો, સહકારી મંડળીના પ્રમુખો, મંત્રીઓ, વેપારીઓ તેમજ મોટી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.