પિતાએ અપહરણ થયાની આશંકા પણ વ્યક્ત કરતાં પોલીસે તે અંગે અપહરણનો પણ ગુનો નોંધ્યો
સિદ્ધપુર શહેરમાં યુવતિ ગુમ થયા પછી તેનાં મૃતદેહનાં અવશેષો મળ્યાની ઘટનાની શાહી સુકાઈ નથી ત્યાં સિદ્ધપુરનો 15 વર્ષનો એક કિશોર ગુમ થઇ ગયો હોવાનું પોલીસનાં ધ્યાને આવ્યું છે. જો કે, આ કિશોરનાં ગુમ થવા મામલે તેનાં પિતાએ અપહરણ થયાની આશંકા પણ વ્યક્ત કરતાં પોલીસે તે અંગે અપહરણનો પણ ગુનો નોંધ્યો છે.
આ અંગેની મળતી માહિતી મુજબ સિદ્ધપુર શહેરનાં બિંદુ સરોવર વિસ્તારમાં લક્ષ્મી નારાયણ મંદિર પાસે રહેતા અને મુળ ઇડરનાં વતની ગણેશભાઈ રમેશભાઇ સલાટ નો 15 વર્ષનો કિશોર પરિવારને આર્થિક રીતે મદદરુપ થવા માટે સિધ્ધપુર ખળી ચાર રસ્તાથી ઊંઝા તરફનાં રોડ નજીકટઞ મંગલમૂર્તિ ઇસબગુલ ફેક્ટરીમાં નોકરી કરતો હતો. જેને તેનાં પિતા તા. 21-5-2023નાં રોજ સવારે સાડા સાતેક વાગ્યા નાં સુમારે ફેક્ટરીના ગેટ ઉપર ઉતારીને ગેસ પુરાવવા માટે સિદ્ધપુર તરફ આવ્યાં હતા.
કિશોર તેનાં નિત્યક્રમ મુજબ સાંજે છ વાગે ઘેર આવી જતો હતો પરંતુ ગઇકાલે તેમનો દિકરો સાંજે ઘેર નહીં આવતાં પરિવારે શોધખોળ કરી હતી. ફેક્ટરીનાં સી.સી. ટી.વી. તપાસવા માટે તા. 21મીની રાત્રે નવ વાગે ફેક્ટરીએ જઇને તપાસતાં તે કેમેરામાં ફેક્ટરીનાં દરવાજાથી સિદ્ધપુર ખળી ચાર રસ્તા બાજુ ચાલતો જોવા મળ્યો હતો. તે નોકરી પર કંપનીમાં ગયો નહોતો. તેની તપાસ કરતાં તે નહીં મળતાં પિતાએ તેનાં ગુમ થવા બાબતે ફરિયાદ નોંધાવી હતી.