પાટણ તા. 25
પ્રજાના પ્રશ્નોને વાચા મળે તે માટે રાજ્ય સરકારે ગ્રામીણ સ્તરેથી લઈ રાજ્ય સરકાર સુધી સ્વાગત કાર્યક્રમ અમલમાં છે.જીલ્લા સ્વાગત કાર્યક્રમ અંતર્ગત ગુરૂવારે પાટણ જિલ્લા કલેકટર કચેરી ખાતે કલેકટર અરવિંદ વિજયનના અધ્યક્ષ સ્થાને જિલ્લા સ્વાગત કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં જિલ્લામાંથી આવેલા 17 અરજદારોના પ્રશ્નોને જિલ્લા કલેકટરે સ્વયં સાંભળી તે તમામ પ્રશ્નોનું હકારાત્મક નિરાકરણ થાય તે માટે સંબંધિત અધિકારી ઓ ને સૂચના આપી હતી.પાટણ જિલ્લા કચેરી કલેકટર કચેરીએ 17 જેટલા અરજ દારો પોતાના પ્રશ્નો લઈ જીલ્લા સ્વાગતમાં ઉપસ્થિત રહ્યા હતા. આજના સ્વાગત કાર્યક્રમ અંતર્ગત મુખ્યત્વે મહેસુલ, પંચાયત અને નગરપાલિકા સંબંધિત પ્રશ્નો મામલે કલેકટરને અરજદારોએ મૌખિક રજૂઆત કરી પોતાના પ્રશ્નો જણાવ્યા હતા.જે તમામ પ્રશ્નોને સાંભળી તેનું નિરાકરણ માટે કલેકટરે સંબંધિત અધિકારને સૂચન કર્યું હતું.
આજે આવેલા અરજદાર પૈકી સવિતાબેન દેવીપૂજકે જીલ્લા સ્વાગતમાં પોતાના કબ્જા ભોગવટાવાળી દબાણની જમીનને કાયમી કરવા માટે અરજી કરી હતી. કલેકટર અરવિંદ વિજયને તેઓને સરકારી જમીન ખાલી કરી દબાણ દૂર કરવા માટે સંમત કર્યા હતા. જયારે તેમને ગરીબી રેખા નીચે આપવામાં આવતા મફત પ્લોટ ફાળવણી કરવા સંબંધિત અધિકારીને સૂચના કરી હતી. અરજદાર સવિતાબેન દેવીપૂજક ની મુશ્કેલી દૂર થતા કલેકટર નો આભાર વ્યકત કર્યો હતો.જીલ્લા સ્વાગતમાં જીલ્લા કલેકટર અરવિંદ વિજયન ,નિવાસી અધિક કલેકટર પ્રદિપસિંહ રાઠોડ તેમજ જીલ્લાના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.