આવતીકાલે અમદાવાદમાં ભગવાન જગન્નાથની 146મી રથયાત્રા નીકળશે. આ પહેલા પ્રસાશન દ્વારા તમામ તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહી છે. ત્યારે દિલ્હીથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભગવાન જગન્નાથ માટે વિશેષ પ્રસાદ મોકલ્યો છે.
આવતીકાલે અમદાવાદમાં ભગવાન જગન્નાથની 146મી રથયાત્રા નીકળશે. આ પહેલા પ્રસાશન દ્વારા તમામ તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહી છે. ત્યારે દિલ્હીથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભગવાન જગન્નાથ માટે વિશેષ પ્રસાદ મોકલ્યો છે. રથયાત્રા નિમિત્તે દિલ્હીથી પીએમ મોદી દ્વારા 6 ટોકરીઓ ભરીને પ્રસાદ મોકલવામાં આવ્યો છે. માહિતી મુજબ, પીએમ મોદીએ ભગવાન જગન્નાથ, બહેન સુભદ્રાજી અને ભાઈ બલરામજી માટે જાંબુ, મગ, કેરી, કાકડીનો પ્રસાદ મોકલ્યો છે.
પીએમ મોદી વર્ષ 2014થી દિલ્હીથી મોકલી રહ્યા છે પ્રસાદ
જણાવી દઈએ કે, વર્ષ 2014થી અત્યાર સુધી રથયાત્રા નિમિત્તે પીએમ મોદી દ્વારા દર વર્ષે મગ અને જાબુંનો પ્રસાદ ભગવાન માટે અચુક પણે મોકલવામાં આવે છે. જ્યારે, નરેન્દ્ર મોદી ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે પણ તેઓ રથયાત્રાના આગલા દિવસે પ્રસાદ માટે મગ મોકલતા હતા અને આ પરંપરા તેમણે દેશના વડાપ્રધાન બન્યા પછી પણ જાળવી રાખી છે. આ વર્ષે પણ પીએમ મોદીએ દિલ્હીથી ભગવાન માટે 6 ટોકરી ભરીને જાંબુ, મગ, કેરી અને કાકડીનો પ્રસાદ મોકલ્યો છે.
ગૃહરાજ્યમંત્રીએ રથયાત્રાના રૂટની સમીક્ષા કરી
શહેરમાં રથયાત્રાના મહોત્સવને લઈને પૂરજોશમાં તૈયારીઓ ચાલી રહી છે. ત્યારે ગઈકાલે ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ જગન્નાથ મંદિરમાં દર્શન કરીને મંદિરના મહંત તેમ જ ટ્રસ્ટના પદાધિકારીઓ અને આગેવાનો સાથે બેઠક કરી હતી. આ પ્રસંગે અગ્ર સચિવ મૂકેશ પુરી, ડીજીપી વિકાસ સહાય, ઇન્ચાર્જ શહેર પોલીસ કમિશનર પ્રેમવીર સિંહ, સ્થાનિક ધારાસભ્ય કૌશિક જૈન, અમિત શાહ તથા પૂર્વ ધારાસભ્ય ભૂષણ ભટ્ટ સહિતના અગ્રણી ઓ પણ હાજર રહ્યા હતા. મંદિરે ભગવાનના દર્શન કર્યા બાદ ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવી ઉચ્ચ પોલીસ અધિકારી ઓના કાફલા સાથે 16 કિમીના સમગ્ર રૂટની સમીક્ષા કરવા માટે રવાના થયા હતા.