fbpx

પાટણમાં 141મી રથયાત્રા નિમિત્તે શામળિયાની શહેર પરિક્રમા માં લાખો ભક્તો જોડાયા.

Date:

પાટણ તા. 21
પાટણ શહેરમાં અષાઢી બીજના પાવન પ્રસંગે ભગવાન જગન્નાથની 141મી રથયાત્રા ભારે હર્ષોલ્લાસ અને ભક્તિમય વાતાવરણમાં નીકળતાં ભગવાનના દર્શન માટે હૈયે હૈયુ દળાય તેવી લાખોની જનમેદની શહેરના રાજમાર્ગો પર ઉમટી પડી હતી.

ભગવાન શામળિયો સામે ચાલીને ભક્તોને દર્શન આપવા બહેન સુભદ્રા અને ભાઇ બલભદ્ર સાથે શહેરના રાજમાર્ગો પરથી પસાર થતા તેમના દર્શન કરી ભક્ત ધન્ય થયા હતા.

ભગવાનની રથયાત્રા સાથે વિવિધ સેવાભાવી સંસ્થાઓ શૈક્ષણિક સંસ્થાઓ, ધાર્મિક સંસ્થાઓ તેમજ પ્રસાદના ટ્રેકટર શણગારેલા હાથી. ઘોડા, ઊંટ, બેન્ટ વાજા, ડી.જે અને ભજન મંડળીઓ વેશભૂષા ના તાલે નીકળેલી ભગવાનની રથયાત્રાએ ઐતિહાસિક નગરી પાટણ ની ઝાંખી કરાવી હતી.

અષાઢી બીજના પાવન દિને દેશમાં સૌથી પ્રાચીન જગન્નાથપુરીની રથયાત્રા જે સમગ્ર દેશમાં પ્રથમ ક્રમે આવે છે. જ્યારે, બીજા ક્રમે અમદાવાદમાં નીકળતી પરંપરાગત ભગવાન જગન્નાથની રથયાત્રા અને ત્રીજા ક્રમે આવતી ઐતિહાસિક પાટનગર એવા પાટણ શહેર માંથી નીકળતી ભગવાન જગન્નાથજીની રથયાત્રા નું પણ આગવું મહત્વ રહેલું છે.

પાટણમાં છેલ્લા 140વર્ષથી ભગવાન જગન્નાથની પાવનકારી રથયાત્રા નીકળે છે.ત્યારે ચાલુ વર્ષે પણ ભગવાન જગન્નાથની 141મી રથયાત્રાનું જગન્નાથ મંદિર અને રથયાત્રા સમિતિ દ્વારા સુંદર આયોજન કરવામાં આવ્યું હતું.

અષાઢી બીજના પાવન દિને શહેરમાં આવેલા જગદીશ મંદિર ખાતે વહેલા સવારે 5 વાગે ભગવાન જગન્નાથની મહાઆરતી કરી ભગવાન જગન્નાથ, બહેન સુભદ્રા અને ભાઇ બલરામને પટોળાના વસ્ત્ર પરિધાન કરાવવામાં આવ્યા હતા. ત્યારબાદ ભગવાનને કોળું, ગવાર અને ખીચડીનો નૈવેધ ચડાવવામા આવ્યો હતો.ત્યારબાદ બપોરે 12 કલાકે ભગવાન જગન્નાથ, બહેન સુભદ્રા અને ભાઈ બલરામને રેશમી કાપડ માંથી તૈયાર કરવામાં આવેલા રજવાડી વાઘા પહેરાવવામાં આવ્યા હતા.

તેમજ ભગવાન જગન્નાથને છપ્પન ભોગનો પ્રસાદ અર્પણ કરવામાં આવ્યો હતો. મંદિર પરિસરની બહાર ઊભેલા ત્રણેય રથોમાં ભગવાન જગન્નાથ, બહેન સુભદ્રા અને ભાઇ બલરામની મૂર્તિઓને બ્રાહ્મણોના મંત્રોચ્ચાર અને જય રણછોડ માખણચોર ના નાદ વચ્ચે બિરાજમાન કરવામાં આવતા ભકતોએ અબીલ ગુલાલની છોળો ઉડાડી હતી. આસપાસના રહીશોએ ભગવાનનો રથ ખેંચનાર ખલાસી ઉપર પાણીનો છંટકાવ કરતા વાતાવરણ સુંદર બન્યું હતું.

આ પ્રસંગે પ્રથમવાર દ્વારકેશ પીઠાધીશ્વર પરમ પૂજ્ય વાગિશ કુમાર બાવાજીના સાનિધ્ય માં ,પાટણ સાંસદ ભરત ડાભી , કોગ્રેસ પૂર્વ અધ્યક્ષ જગદીશ ઠાકોર,પાટણ ધારાસભ્ય ડો.કિરીટ પટેલ, ગુજરાત પ્રદેશ ભાજપના પૂર્વ મહામંત્રી કે.સી. પટેલ, પાલિકા પ્રમુખ સ્મિતાબેન પટેલ,સિદ્ધપુરના પૂર્વ ધારાસભ્ય ચંદનજી ઠાકોર,લાલેશ ઠક્કર, રાષ્ટ્રીય મહિલા આયોગ ના પૂર્વ સદસ્યા ડો રાજુલ દેસાઈ, પાટણ કલેકટર અરવિંદ વિજયન, જિલ્લા પોલીસ વડા વિજય પટેલ,જિલ્લા વિકાસ અધિકારી ડી . એમ સોલંકી સહિત,જિલ્લા ભાજપ પ્રમુખ દસરથજી ઠાકોર, બેબા શેઠ, કિશોર મહેશ્વરી, હેમંત તન્ના, ભરત ભાટિયા,સહિત અન્ય મહાનુભાવો રાજકીય-સામાજિક અગ્રણીઓનું રથયાત્રા સમિતિ અને મંદિરના ટ્રસ્ટીઓ પિયુષભાઇ આચાર્ય, કાંતિભાઇ પટેલ, હર્ષદભાઇ રાવલ, અશોકભાઇ મોદી, પ્રવીણ ભાઈ બારોટ વિનોદભાઇ પટેલ, ભરતભાઇ પટેલ, , મંદિરના પુજારી કનુભાઇ શુકલ મીડિયા કન્વીનર યશપાલ સ્વામી વગેરેએ શાલ ઓઢાડી, કુલહાર પહેરાવી અને જગન્નાથ ભગવાનનો ફોટો આપી સન્માન કરાયુ હતું.

આ પ્રસંગે પાટણના વિશ્વવિખ્યાત ટેમ્પલ આર્કિટેક પિયુષભાઈ સોમપુરા પરિવાર દ્વારા 11 કરોડ તેમજ તેમના પત્ની દ્વારા રૂપિયા ચાર કરોડ મળી રૂપિયા 15 કરોડ ની જાહેરાત ભગવાન જગન્નાથજીના નવીન મંદિર માટે અર્પણ કરવાની ઘોષણા કરવામાં આવી હતી તો પાટણના સાંસદ ભરતસિંહ ડાભી એ પણ પોતાની સાંસદની ગ્રાન્ટ માંથી રૂપિયા પાંચ લાખ ની માતબર રકમ જગદીશ મંદિરને અર્પણ કરવા જાહેરાત કરી હતી.

ત્યારબાદ, નવીન મંદિર માટે 15 કરોડ ની દાન ની જાહેરાત કરનાર પિયુષભાઈ સોમપુરાના હસ્તે અને હરેશભાઈ વિરચંદભાઈ જોષીએ ભગવાન જગન્નાથની મહાઆરતી ઉતારવાનો લાભ લીધો હતો. મહાઆરતી બાદ ભગવાન જગન્નાથની રથયાત્રાને ઉપસ્થિત મહાનુભાવોએ પ્રસ્થાન કરાવી હતી.

પાટણ શહેરના રાજમાર્ગો પર રથયાત્રાએ પ્રસ્થાન કરતા જય રણછોડ માખણ ચોરનો ગગનભેદી નાદ ગુંજતો થયો હતો. પ્રથમ ક્રમે ભગવાન જગન્નાથનો રથ, બીજા ક્રમે બહેન સુભદ્રાનો રથ અને ત્રીજા ક્રમે ભાઇ બલરામનો રથ યાત્રામાં જોડાયા હતા.

તો પ્રથમ વાર બ્રહ્મ સમાજના આરાધ્યદેવ ભગવાન શ્રી પરશુરામજી નો એક રથ અને દ્વારકેશ પીઠાધીશ્વર પરમ પૂજ્ય વાગિશ કુમાર બાવાજી નો એક રથ ઉપરાંત વિવિધ સેવાભાવી, ધાર્મિક, શૈક્ષણિક સંસ્થાઓ વિવિધ ઝાંખીઓ, શણગારેલા હાથી, ઘોડા, ઊંટ, પ્રસાદીના ટ્રેક્ટર બેડવાજા, ડીજે, ટ્રકો મળી કુલ 100 જેટલી ઝાંખીયો સહિત વિશ્વ હિન્દુ પરિષદ,બજરંગ દળ, દુર્ગા વાહિનીઓ રથયાત્રામાં જોડાયા હતા.

ભગવાન શામળિયો બહેન સુભદ્રા અને ભાઈબલરામ સાથે લઇને તેના ભક્તોને સામે ચાલીને શહેરના રાજમાર્ગો ઉપર દર્શન આપવા માટે આવતા ભગવાનના દર્શન કરવા માટે ભક્તોની ભારે ભીડ ઉમટી પડી હતી અને પ્રભુના દર્શન કરી ભક્તો ધન્યબન્યાં હતા.

શહેરના બગવાડાદરવાજા ખાતે રથયાત્રાને નિહાળવા માટે ભાવિક ભકતો નું કીડીયારું ઉભરાયું હતું.રથયાત્રા પર પોલીસનો ચાપતો બંદોબસ્ત બાજ નજર રહી હતી.

પાટણ શહેરમાં નીકળેલી પરંપરાગત રથયાત્રામાં અંદાજે શહેર અને ગ્રામ્ય વિસ્તાર માંથી મોટી સંખ્યામાં જનમેદની જોડાવાની હોય પોલીસ દ્વારા સમગ્ર રથયાત્રામાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. ત્યારે, ધાબા ઉપરથી પોલીસ દ્વારા દૂરબીનની મદદથી તમામ પર નજર રાખવામાં આવી હતી. તો બોડી ઓન કેમેરા, બે ડ્રોન ઘોડેસવાર પોલીસ અને હથિયારધારી પોલીસ સહિતના પોલીસ કાફલા દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો.

શહેરમાં નીકળેલી રથયાત્રામાં આવતા ભક્તજનો માટે સેવાભાવી સંસ્થાઓ દ્વારા ઠેરઠેર પાણી, શરબત ચા, નાસ્તા, મહાપ્રસાદ સહિતના વિવિધ પ્રકારના સેવા કેમ્પ યોજી લોકોની સેવા કરવામાં આવી હતી. રથયાત્રામાં મહાપુરુષોની ઝાંખીઓ જેમાં શિવાજી, ભગતસિંહ, ચંદ્રશેખર આઝાદ, રાણી લક્ષ્મીબાઈ, રામ લક્ષ્મણ સીતા માતા, હનુમાનજી સહિતના મહાપુરુષના પાત્રોમાં તેમજ આર્મીના ડ્રેસમાં બાળકો વેશભૂજામાં જોવા મળ્યા હતા જે આકર્ષણનું કેન્દ્ર બની હતી.

રથયાત્રામાં વિશ્વ હિન્દૂ પરિષદ દુર્ગાવાહિની મહિલાઓ દ્વારા પ્રથમવાર રથયાત્રામાં વિવિધ કરતબો કરવામાં આવ્યા હતા.જેમાં દીકરીઓ દ્વારા તલવાર રાસ સહિત વિવિધ કરતબો કરી. રથયાત્રામાં આકર્ષણ જમાવ્યું હતું.

તો રથયાત્રા નું રાજપુત સમાજ દ્વારા બગવાડા દરવાજા ખાતે અને જુનાગજ બજાર ખાતે મુસ્લિમ સમાજ દ્વારા તેનું સ્વાગત કરવામાં આવ્યું હતું. તો જિલ્લા પોલીસ વડા સહિતના રાજકીય સામાજિક આગેવાનોએ પણ ભગવાન જગન્નાથજી ની આરતી ઉતારી આશીર્વાદ મેળવ્યા હતા.

ભગવાન જગન્નાથજીની રથયાત્રા નગર ચયૉ કરીને રાત્રે 11:00 કલાકે નિજ મંદિર પરિસર ખાતે પહોંચતા જગન્નાથ ભક્તો દ્વારા જય રણછોડ માખણ ચોર ના ગગનદેદીના વચ્ચે ભગવાનના સામૈયા કરવામાં આવ્યા હતા અને મંત્રોચ્ચાર વિધિ વચ્ચે ભગવાન જગન્નાથ બહેન સુભદ્રા અને ભાઈ બલભદ્રને પુન: મંદિર પરિસરમાં સ્થાપિત કરવામાં આવ્યા હતા.

પાટણ શહેરમાં ભગવાન જગન્નાથજીની નીકળેલી 141મી રથયાત્રાને સાંગો પાંગ સફળ બનાવવા મંદિર ટ્રસ્ટના મેનેજિંગ ટ્રસ્ટી અને રથયાત્રાના કન્વીનર પિયુષભાઈ આચાર્ય સહિતના ટ્રસ્ટી મંડળ, પોલીસ તંત્ર, જગન્નાથ ભક્તો દ્વારા જહેમત ઉઠાવવામાં આવી હતી.

Share post:

Subscribe

Popular

More like this
Related

પાટણ જિલ્લામાં 28679 હેકટર વિસ્તારમાં ઉનાળુ વાવેતર કરાયુ..

પાટણ તા. ૨૪પાટણ જિલ્લામાં ચાલુ વર્ષે 28679 હેક્ટર વિસ્તારમાં...

પાટણ રોટરી ક્લબ દ્વારા આયોજિત ઉમંગોત્સવ કાર્યક્રમમાં પાટણના પત્રકારો ને સન્માનિત કરાયા…

પાટણ તા. ૧૭અનેકવિધ સેવાકીય પ્રવૃત્તિ સાથે રોટરી ક્લબ પાટણ...

પાટણમાં ધોરણ 12 સામાન્ય પ્રવાહ નું 77.00 ટકા પરિણામ આવ્યું, 20 છાત્રોએ A1 ગ્રેડ પરિણામ મેળવ્યું કર્યું, વિદ્યાર્થીઓ મોબાઈલ માં પરિણામ જોયું

પાટણમાં ધોરણ 12 સામાન્ય પ્રવાહ નું 77.00 ટકા પરિણામ આવ્યું, 20 છાત્રોએ A1 ગ્રેડ પરિણામ મેળવ્યું કર્યું, વિદ્યાર્થીઓ મોબાઈલ માં પરિણામ જોયું ~ #369News