RTE હેઠળ ધો.1 થી 8 માં વિદ્યાર્થીને દર વર્ષે મળે છે રૂ. 3000 ની સહાય..
પાટણ તા. 4
ગુજરાતમાં શિક્ષણને વધુને વધુ પ્રાધાન્ય આપવાના હેતુથી મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં 2023-24 ના બજેટમાં સૌથી વધુ રકમ શિક્ષણ માટે ફાળવવામાં આવી છે. વડાપ્રધાને હંમેશા શિક્ષણ પર ભાર મુક્યો છે તેથી જ ગુજરાતમાં RTE એક્ટ હેઠળ વિદ્યાર્થીઓ શિક્ષણ મેળવી રહ્યાં છે. પાટણ જિલ્લાની વાત કરીએ તો જિલ્લાની ખાનગી શાળાઓમાં ચાલુ વર્ષે રાઇટ ટુ એજ્યુકેશન (RTE) એક્ટ-2009 હેઠળ 463 વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં આવ્યો છે.આર.ટી.ઈ એટલે કે, (રાઇટ ટુ એજ્યુકેશન ) એક્ટ 2009 થી અમલમાં મુકવામાં આવેલ છે. જેમાં ધોરણ 1 થી 8 સુધી બિન અનુદાનિત ખાનગી પ્રાથમિક શાળામાં મફત અને ફરજિયાત શિક્ષણ આપવામાં આવે છે. રાજ્યના નબળા અને વંચિત જૂથના બાળકોને 25 ટકા મુજબ પ્રવેશ આપવામાં આવે છે.
RTE 25% અંતર્ગત બાળકને 1 થી 8 ધોરણ સુધી ખાનગી પ્રાથમિક શાળામાં મફત શિક્ષણ મળે છે તથા દરેક બાળકને દર વર્ષે 3000 ની સહાય મળે છે.રાજ્યનો છેવાડાનો એક પણ બાળક શિક્ષણથી વંચિત ન રહે તે માટે રાજ્ય સરકાર કટિબદ્ધ છે. ગુજરાત એવું પ્રથમ રાજ્ય છે કે જેણે બાળકોને RTE હેઠળ પ્રવેશ આપ્યો હોય તેવા બાળકોના વાલીના ખાતામાં બાળક ના ગણવેશ વગેરે માટે વર્ષમાં એક વાર રૂ. 3000ની રકમ ઓનલાઈન જમા કરવામાં આવે છે.આજે છેવાડાના લોકોના સંતાનો આર.ટી.ઇ નો લાભ લઇ શહેરની સારામાં સારી શાળા મા પ્રવેશ મેળવીને ઉત્તમ શિક્ષણ મેળવી રહ્યા છે. સરકારની આ યોજનાને રાજ્યના દરેક ખુણામાં સારો પ્રતિસાદ મળી રહ્યો છે. આ યોજના થકી આજે દરેક છેવાડાના લોકો ગર્વથી કહી રહ્યા છે કે, અમારા સંતાનો આર.ટી.ઈ ના કારણે ગુણવત્તાયુક્ત શિક્ષણ મેળવી રહ્યા છે. સરકાર હરહંમેશ શિક્ષણને મહત્વ આપતી રહી છે. કારણકે શિક્ષણ એ જ દેશના વિકાસમાં મહત્વપૂર્ણ ફાળો આપે છે. પાટણના અનેક વિદ્યાર્થીઓ આજે આર.ટી.ઈ. અંતર્ગત શિક્ષણ મેળવી રહ્યા છે.
અહેવાલ યશપાલ સ્વામી