બાળ સુરક્ષા વિભાગનાં સંકલનમાં સેવાભાવી સંસ્થાઓનાં સહયોગથી શૈક્ષણિક કીટ મળતાં બાળકો ખુશખુશાલ…
પાટણ તા. 4
જિલ્લા સેવા સદન ખાતે શેરી/સ્લમ વિસ્તારમાં રહેતા બાળકોને કલેકટર નાં હસ્તે મંગળવારે શૈક્ષણિક કીટનું વિતરણ કરાયું હતુ.કલેકટરના અધ્યક્ષ સ્થાને આયોજીત આજના કાર્યક્રમમાં બાળ સુરક્ષા વિભાગના સંકલન થકી નીરજ સેવા ટ્રસ્ટ, રોટરી ક્લબ ઓફ પાટણ અને શ્રીજી એન્ટરપ્રાઈઝના દાતાઓ દ્વારા શેરી સ્લમ વિસ્તાર ના 96 બાળકોને શૈક્ષાણિક કીટ આપવામાં આવી હતી. જિલ્લા સેવા સદનનાં કોન્ફરન્સ હોલમાં જયાં અધિકારી ઓ બેસતા હોય તે જગ્યા પર બાળકોને બેસાડીને જિલ્લા કલેક્ટરે કીટ વિતરણ કરી હતી.સુપ્રિમ કોર્ટના આદેશ મુજબ રાષ્ટ્રીય બાળ અધિકાર સંરક્ષણ આયોગ-દિલ્હી દ્વારા બાળ સ્વરાજ પોર્ટલની રચના કરવામાં આવી છે, જેમાં જિલ્લા બાળ સુરક્ષા એકમ પાટણ, ચાઈલ્ડ વેલ્ફેર કમિટી પાટણ ચાઈલ્ડલાઈન 1098 વગેરેના ટીમ વર્કથી એવા બાળકો જે કોઈ પણ આધાર વગર શેરીમાં એકલા રહે છે, એવા બાળકો જે દિવસ દરમિયાન રસ્તા ઉપર રહે છે અને નજીકની ઝુપડ પટ્ટી સ્લમ વિસ્તારમાં તેમના પરિવાર સાથે રાત્રે ઘરે પાછા જાય છે, તેમજ એવા બાળકો જે તેમના પરિવાર સાથે શેરી પર રહે છે.આવા બાળકોનો સર્વે કરી 6 જેટલા બાળકોની બાળ સ્વરાજ પોર્ટલ પર નોંધણી કરવામાં આવી છે. જેમાં પાટણ તાલુકા વિસ્તારમાં આવેલ હાંસાપુર દૂધ સાગર ડેરી, APMC, માખણીયા પુરા, બસાતપુરા, મીરા દરવાજા, ઓડવાસ વગેરે વિસ્તારમાં રહેતા બાળકોને કલેકટર ના હસ્તે શૈક્ષાણિક કીટ આપવામા આવી હતી.શૈક્ષણિક કીટમાં દફતર, નોટબુક, કંપાસ, પેન્સિલ, સ્લેટ, પાણીની બોટલ વગેરે આપવામા આવ્યુ હતુ.
બાળકો આ કીટ મેળવીને ખુશખુશાલ થઈ ગયા હતાં. ધો.4 માં અભ્યાસ કરતી કરીના મુકેશ ઠાકોર જણાવે છે કે આજે મને દફતર,પાટી, પેન્સિલ, નોટ બધુ મળ્યું છે તે લઇને હુ રોજ ભણવા જઈશ. તો ઠાકોર ક્રિશ્ના કંસાજી પણ શૈક્ષણિક કીટ જોઈને ખુશખુશાલ થતા કહે છે કે હુ પણ આ બધુ લઇને ભણવા જઈશ.વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી હંમેશા કહે છે કે દિકરો હોય કે દિકરી એને ભણાવવું જોઈએ. તેઓનું સ્વપન છે કે દેશમાં શિક્ષણનું પ્રમાણ વધે. કારણ કે, ભણશે ભારત તો જ આગળ વધશે ભારત. વડાપ્રધાનનાં આ સ્વપ્નને સાકાર કરવા માટે ગુજરાત રાજ્યનાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ હર હંમેશ એ જ પ્રયાસમાં રહે છે કે રાજયનું કોઈ પણ બાળક શિક્ષણથી વંચિત ન રહી જાય. તેથી જ પાટણ જિલ્લાનું વહીવટીતંત્ર પણ આ મામલે કામગીરી કરી રહ્યુ છે અને જિલ્લા બાળ સુરક્ષા વિભાગનાં સહયોગમાં રહીને વિવિધ સંસ્થાઓ પણ આગળ આવીને બાળકો માટે કામગીરી કરી રહી છે. આ પ્રસંગે જિલ્લા કલેક્ટર અરવિંદ વિજયને પણ દરેક વાલીઓને દિકરો હોય કે દિકરી તેમને ભણાવવા માટેની અપીલ કરી હતી.કાર્યક્રમમાં ઉપસ્થિત આગેવાન કે.સી. પટેલે જિલ્લાનાં વહીવટીતંત્ર તેમજ સેવાભાવી સંસ્થા ઓએ બાળકો માટે આગળ આવીને જે કાર્ય કર્યું તેને બિરદાવ્યું હતુ.અને તમામ સંસ્થાઓનો આભાર પણ વ્યકત કર્યો હતો.આ કાર્યક્રમમાં કલેકટર અરવિંદ વિજય, આગેવાન કે.સી પટેલ, બાળ કલ્યાણ સમિતિ પાટણનાં ચેરમેન રમેશભાઈ ઠક્કર તેમજ સભ્યો, જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી જે.જે.ચૌધરી, જિલ્લા બાળ સુરક્ષા અધિકારી કેતનભાઈ પ્રજાપતિ તેમજ સ્ટાફ, NGO ના ટ્રસ્ટીઓ, બહોળા પ્રમાણમાં વાલીઓ સાથે બાળકો ઉપસ્થિત રહ્યાં હતા.
અહેવાલ યશપાલ સ્વામી