પાટણ તા. 21 પાટણની ઐતિહાસિક શ્રીમંત ફતેહસિંહરાવ લાઇબ્રેરીમાં સ્વ.કિર્તીકુમાર જયસુખરામ પારધીનાં સૌજન્યથી ચાલતાં કાર્યક્રમ “મને જાણો’માં રવિવારે મહાકવિ કાલીદાસ રચિત “કુમાર સંભવ’” મહાકાવ્યનું ખૂબ સુંદર અલંકારિક ઉપમાઓ દ્વારા કાંતિભાઇ સુથારે રસપાન કરાવ્યું હતું. શ્રાવણ માસમાં શિવ મહામ્યનું મહત્વ, આરાધના વગેરે કરવામાં આવે છે.ત્યારેશિવ-પાર્વતીની સુંદર વાર્તા રજુ કરતા મહાકાવ્ય વિશે વકતા કાંતિભાઇ સુથારે જણાવ્યું હતું કે, કાવ્યમાં આવતા હિમાલયનાં સુંદર પ્રકૃતિના વર્ણન, માતા પાર્વતીની સુંદરતાના વર્ણનથી કાવ્યની શરુઆત થાય છે. ત્યારબાદ તારકાસુર નામના રાક્ષસના આતંકથી જગત ત્રસ્ત થાય છે ત્યારે તેનો વધ માત્ર શિવ- પાર્વતીનાં પુત્ર દ્વારા જ શકય હતો પરંતુ શિવ તપમાં બેઠા હોઇ દેવો કામદેવની મદદથી કામવાસના ઉત્પન્ન કરી શિવનાં તપનો ભંગ કરાવવા જાય છે. ત્યારે શિવનાં ત્રીજા લોચનથી કામદેવનું ભસ્મીકરણ થાય છે.
ત્યારે માતા પાર્વતી કઠોર તપ કરે છે અને શિવજીને પ્રસન્ન કરે. શિવ-પાર્વતીના વિવાહ થાય છે અને કુમારસંભવ
નો જન્મ થાય છે જે તારકાસુરનો વધ કરે છે. આમ તપ-પ્રેમની ઉત્કૃષ્ટ રચનાઓનો પરિચય લેખક અને વકતા દ્વારા વરસાદના વિઘ્ન વચ્ચે પણ ઉપસ્થિત શ્રોતાઓને રસતરબોળ કરી રહયા હતા. આ પ્રસંગે પ્રમુખ ડો. શૈલેષ બી. સોમપુરાએ સ્વાગત કરી અન્ય લાઇબ્રેરીઓ પાટણની લાઇબ્રેરી જેવા કાર્યક્રમો કરતી થઇ છે તે વિશે માહિતી આપી હતી. સંયોજક નગીનભાઇ ડોડીયા, જયેશભાઈ વ્યાસ, સુરેશભાઇ દેશમુખ, સુનિલ પાગેદાર, પ્રકાશભાઇ રાવલ,જયોતિન્દ્રભાઇ, રમેશભાઇ પટેલ, ડો.શરદ પટેલ, ડો. મુકેશ શાહ વગેરે શ્રોતાઓ ઉપસ્થિત રહયા હતા. આભારવિધી મંત્રી મહાસુખભાઇ મોદીએ કરી હતી.
અહેવાલ યશપાલ સ્વામી