વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવતીકાલે એટલે કે મંગળવાર, 26 સપ્ટેમ્બર, 2023ના રોજ ગુજરાતના બે દિવસીય પ્રવાસ માટે આવવાના છે. પીએમ મોદી આવતીકાલે સાંજે અમદાવાદ એરપોર્ટ પહોંચશે. અમદાવાદ એરપોર્ટ પર મહિલા સંમેલન યોજાશે. જ્યારે 27 સપ્ટેમ્બરના રોજ સાયન્સ સિટી ખાતે વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. 27મીએ પીએમ મોદી વડોદરાની મુલાકાત પણ લેશે. સાયન્સ સિટીમાં ‘સમિટ ઑફ સક્સેસ’ કાર્યક્રમ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતની બે દિવસની મુલાકાતે આવવાના છે. આવતીકાલે સાંજે પીએમ મોદી અમદાવાદ એરપોર્ટ પર પહોંચશે. અહીં ભાજપ મહિલા મોરચા દ્વારા મહિલા સંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં પીએમ મોદી ભાગ લેશે. વાઇબ્રન્ટ સમિટના 20 વર્ષ પૂર્ણ થતા સાયન્સ સિટી ખાતે પણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. સવારે 10થી 11.30 વાગ્યા દરમિયાન ‘સમિટ ઑફ સક્સેસ’ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં દેશ-વિદેશના ઉદ્યોગપતિઓ ભાગ લેશે. જો કે, પહેલા આ કાર્યક્રમ ટાગોર હોલમાં યોજાવવાનો હતો, પરંતુ સુરક્ષા કારણોસર જગ્યા બદલવામાં આવી છે. 27મીએ નવલખી મેદાનમાં સભા 27 સપ્ટેમ્બરના રોજ પીએમ મોદી વડોદરાની મુલાકાત લેશે. અહીં તેઓ નવલખી મેદાનમાં સભા યોજશે. વરસાદને જોતા હાલ મેદાનમાં ડોમની વ્યવસ્થા કરવામાં આવી છે. માહિતી મુજબ, આ ડોમમાં 75 હજારથી 1 લાખ લોકો બેસી શકે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે. માહિતી પ્રમાણે, છોટા ઉદેપુર અને બોડેલીથી વડાપ્રધાન નવલખી મેદાને પહોંચશે. ત્યાર પછી રાત્રિરોકાણ માટે પીએમ મોદી ગાંધીનગર આવશે. બે દિવસીય કાર્યક્રમ દરમિયાન પીએમ મોદી પાર્ટીના નેતાઓ અને ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક પણ કરી શકે છે. જો કે, હાલ સત્તાવાર રીતે પીએમના કાર્યક્રમોની સૂચના આપવામાં આવી નથી.
અહેવાલ યશપાલ સ્વામી