પાટણના ઉધોગકારો અને રાજય સરકાર વચ્ચે 100 કરોડથી વધુ ના MOU કરાયા..
પાટણ તા. 8 વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ સફળતા પૂર્વક બે દાયકા પૂર્ણ કરી રહી છે, જેના ભાગરૂપે તેમજ આગામી ‘વાયબ્રન્ટ ગુજરાત- 2024’ની પ્રિ-ઈવેન્ટ અંતર્ગત રવિવારે હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના કન્વેન્શન હોલ ખાતે ‘વાયબ્રન્ટ ગુજરાત, વાયબ્રન્ટ પાટણ’ સમિટ કેબિનેટમંત્રી અને સિધ્ધપુર ના ધારાસભ્ય બલવંતસિંહ રાજપૂત ની પ્રેરક ઉપસ્થિતિમાં યોજાઈ હતી. આ સમિટમાં ઉપસ્થિત પાટણ જિલ્લાના ઉદ્યોગકારો એ રાજ્ય સરકાર સાથે 100 કરોડથી વધુના એમ.ઓ.યુ. કર્યા હતા.
તેમજ કેન્દ્ર તેમજ રાજ્ય સરકાર ની વિવિધ યોજનાઓ અંતર્ગત લાભાર્થીઓને લોન સહાયના ચેકોનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં વન ડિસ્ટ્રિક્ટ વન પ્રોડક્ટ (ODOP), સ્ટાર્ટઅપ્સ, સ્થાનિક સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગો (MSMEs) ઉપર ફોકસ કરી એક્ઝિબિશન, ક્રેડિટ લિંકેજ સેમિનાર, એક્સપોર્ટ સેમિનારનું પણ આયોજન કરાયું.
આ પ્રસંગે પાટણ સાંસદ ભરતસિંહ ડાભી, પાટણ જિલ્લા પંચાયત પ્રમુખ હેતલબેન ઠાકોર, રાધનપુર ધારાસભ્ય લવિંગજી ઠાકોર, જિલ્લા ભાજપ પ્રમુખ ડો.દશરથજી ઠાકોર, ગાંધીનગર પ્રભારી મોહનભાઈ પટેલ,જિલ્લા કલેક્ટર અરવિંદ વિજયન, જિલ્લા વિકાસ અધિકારી ડી.એમ સોલંકી,અધિક કલેકટર પ્રદીપસિંહ રાઠોડ, સ્ટાર્ટઅપ સાહસિકો, ઈન્ડસ્ટ્રીઝ અને જિલ્લા વહીવટીતંત્ર સહિત ઉદ્યોગકારો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. સમિટમાં ઉપસ્થિત કેબીનેટ મંત્રી સહિતના મહાનુભાવો એ કન્વેન્શન હોલ બહાર ગોઠવેલ પ્રદેશની નિહાળી ઉદ્યોગકારોને પ્રોત્સાહિત કયૉ હતા.
અહેવાલ યશપાલ સ્વામી