પાટણ તા. ૨૫
પાટણ જિલ્લા કલેક્ટર અરવિંદ વિજયનની ઉપસ્થિતિમાં જિલ્લા સેવા સદન ખાતે સોમવારે સુશાસન દિવસની ઉજવણી કરવામાં આવી હતી.ભારતમાં દર વર્ષે 25 ડિસેમ્બરના રોજ પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીની જન્મજયંતિ ને સુશાસન દિવસ તરીકે ઉજવવામાં આવે છે. સુશાસનની જવાબદારી પ્રત્યે ભારતીય લોકોમાં જાગરૂકતાને પ્રોત્સાહન આપવા માટે આ દિવસની ઉજવણી કરવામાં આવે છે.
જિલ્લાકક્ષાની ઉજવણી દરમિયાન રાજય કક્ષાએ યોજાનાર ” સુશાસન દિવસ ” ની ઉજવણીમાં જિલ્લાનાં તમામ અધિકારીઓ,કર્મચારીઓ વર્ચ્યુઅલી જોડાઈને સહભાગી થયાં હતા. સમગ્ર જિલ્લામાં બે માસ દરમિયાન સ્વચ્છતા હી સેવા અંતર્ગત સ્વચ્છતા અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું.
જેમાં જિલ્લાના જાહેર જગ્યાઓ, ધાર્મિક જગ્યાઓ, ઐતિહાસિક જગ્યાઓ તેમજ વિવિધ સ્થળે સ્વચ્છતા અભિયાન થકી સ્વચ્છતાની કામગીરી કરવામાં આવી હતી. સાથે જિલ્લાની સરકારી કચેરીઓમાં પણ દસ્તાવેજી વર્ગીકરણ જેવી પ્રવૃતિઓ થકી સ્વચ્છતા અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું.આ સાથે સ્વચ્છતા અભિયાન -2023 અંતર્ગત સ્વચ્છતા અંગે સારી કામગીરી કરવા બદલ જિલ્લા કક્ષાની કચેરીઓને કલેકટર ના વરદ હસ્તે પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યા હતા.
જિલ્લામાં સુશાસન દિવસના રોજ જિલ્લા કક્ષાની કચેરીઓમાં પડતર તુમાર નિકાલની ઝુંબેશ; રેકર્ડ વર્ગીકરણની કાર્યવાહી ;રેકર્ડ રૂમની સાફ-સફાઈ,નિભાવણી ,જાળવણી અને યોગ્ય રીતે રેકર્ડ ધ્યાને લેતાં જિલ્લા વહીવટી તંત્ર દ્વારા BEST,EMERGING,ASPIRING કેટેગરીમાં જિલ્લા કચેરીઓને પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યા હતા.
બેસ્ટ કચેરી તરીકે નાયબ વનસંરક્ષક કચેરી પાટણ, એમરજીન્ગ તરીકે જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી પાટણ અને એસપાયરીંગ તરીકે જિલ્લા સમાજ સુરક્ષા કચેરી પાટણને પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યાં હતાં.જિલ્લામાં વધુ ને વધુ સ્વચ્છતા અંગે કામગીરી થાય તે માટે જિલ્લા કલેક્ટરે અનુરોધ કર્યો હતો. તેમજ જિલ્લાની તમામ કચેરીઓમાં પણ સ્વચ્છતાને લઇને કામગીરી થાય તેવી વાત જિલ્લા કલેક્ટર દ્વારા કરવામાં આવી હતી.આ કાર્યક્રમમાં જિલ્લા વિકાસ અધિકારી ડી.એમ.સોલંકી, નિવાસી અધિક કલેક્ટર પ્રદીપસિંહ રાઠોડ, ગ્રામ વિકાસ એજન્સી નિયામક આર.કે. મકવાણા, તેમજ વિવિધ કચેરીના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.