પાટણ તા. ૧૭
અમૃત ભારત સ્ટેશન યોજના અંતર્ગત પાટણના વર્ષો જુના રેલ્વે સ્ટેશન ની જગ્યાએ નવું આધુનિક સુવિધા યુક્ત હેરિટેજ રેલવે સ્ટેશન બનાવવા રેલવે વિભાગ દ્વારા 34 કરોડનો ખર્ચ મંજૂર કરવામાં આવ્યા બાદ છેલ્લા કેટલાક દિવસોથી રેલ્વે સ્ટેશનની જગ્યાની માપણી ચાલી રહી હતી. ત્યારે વર્ષો જુના રેલ્વે સ્ટેશનને તોડી પાડવાનું કામ હાથ ધરાયું છે.જેને લઈને હાલમાં વૈકલ્પિક ધોરણે ટિકિટ બારી બનાવવામાં આવી છે.
ભારતીય રેલ આધુનિકરણની દિશામાં ઝડપથી આગળ વધી રહી છે. સમગ્ર દેશમાં રેલવે સ્ટેશનનો ને વિશ્વ કક્ષાની સંસ્થાઓ તરીકે વિકસાવવાનું કામ ઝડપી ગતિએ થઈ રહ્યું છે. ભારત સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલ અમૃત ભારત સ્ટેશન યોજના અંતર્ગત ગુજરાતના 16 રેલવે સ્ટેશનોને આધુનિક સુવિધા ઓ સાથે પુનઃ વિકાસ કરવાના રેલવે વિભાગના પ્રકલ્પમાં પાટણના વર્ષો જુના રેલ્વે સ્ટેશનને આધુનિક બનાવવા માટે અંદાજે 34 કરોડ જેટલી માતબર રકમ ફાળવવામાં આવી છે.
છેલ્લા કેટલાક દિવસોથી પાટણના રેલવે સ્ટેશનને નવીનીકરણ કરવા માટે એન્જિનિયરો દ્વારા કામ શરૂ કરવામાં આવ્યું છે. તેમજ રેલ્વે પ્લેટફોર્મથી રેલવે સ્ટેશનની લંબાઈ-પહોળાઈ તથા ટિકિટ બારી,સ્ટેશન માસ્તરની ઓફિસ સહિત સ્ટેશન ઉપર સુવિધા ઉભી કરવા તેમજ તેના આધુનિકરણના કામની ચકાસણી કરવામાં આવી રહી છે.
વર્ષો જુના રેલ્વે સ્ટેશનને તોડી પાડવાનું કામ જેસીબી મશીન દ્વારા શરૂ કરવામાં આવ્યું છે. રેલવેના સુપરવાઇઝરો એન્જિનિયરોની હાજરીમાં આ વર્ષો જુના ટિકિટ બારી આગળના નળિયાવાળા સિમેન્ટના પતરાનો ભાગ તોડી પાડવામાં આવ્યો છે.સૂત્રો દ્વારા જાણવા મળ્યા મુજબ તબક્કાવાર આ જૂની ઈમારતો ને તોડી પાડવામાં આવશે ત્યારબાદ નવા રેલવે સ્ટેશનનું નિર્માણ કાર્ય હાથ ધરવામાં આવશે જુના સેડ વાળા રેલવે સ્ટેશનના વીજ જોડાણ હાલ કાપી નાખવામાં આવ્યા છે.નવા રેલ્વે સ્ટેશનમાં પાટણની ઐતિહાસિક વિરાસતની યાદ તાજી કરાવતા રાણીની વાવ,હેમચંદ્રાચાર્યજી, રાજા સિધ્ધરાજ જયસિંહના તૈલ ચિત્રો પણ મૂકવામાં આવનાર છે. નવા રેલવે સ્ટેશનમાં તમામ પ્રકારની આધુનિક સુવિધાઓ સાથે રેલવે સ્ટેશન હેરિટેજ પ્રકારનું બનાવવામાં આવશે.
અહેવાલ યશપાલ સ્વામી