શતાયુ મતદાતાઓને મળીને તેઓને પ્રમાણપત્ર આપીને પ્રોત્સાહિત કરાયા..
પાટણ તા. ૫
લોકસભા સામાન્ય ચૂંટણી-2024ની તૈયારીઓનો માહોલ ચારેબાજુ દ્રશ્યમાન થઈ રહ્યો છે. પાટણ જિલ્લા માં તા.07 મે ના રોજ મતદાન થવાનું છે તેના અનુસંધાને જિલ્લાના તમામ વર્ગમાં 100 ટકા મતદાન થાય તે સુનિશ્ચિત કરવા માટે જિલ્લા વહીવટીતંત્ર કાર્ય કરી રહ્યું છે. યુવા મતદારોથી લઈને જે લોકો પ્રથમ વાર મત આપવાના છે તેમજ વયોવૃદ્ધ મતદારો સુધી કોઈને મતદાન કરવામાં કોઈ પણ જાતની તકલીફ ન પડે એ રીતે શાંતિમય વાતાવરણમાં મતદાનની પ્રક્રિયા સંપન્ન થાય તે માટે જિલ્લા વહીવટીતંત્ર દ્વારા અનેક પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. આ પ્રયત્નોના ભાગરૂપે જિલ્લા ચૂંટણી અધિકારી અને જિલ્લા કલેક્ટર અરવિંદ વિજયને શતાયુ મતદારોને પ્રોત્સાહિત કરવા શુક્રવારે તેઓના ઘરે જઈને તેમની મુલાકાત લીધી હતી. શતાયુ મતદારો એવા મતદારો છે કે જેમને જોઈને સૌ કોઈને મતદાન કરવાની પ્રેરણા મળી રહે છે.
કારણકે જો તેઓ આટલી ઉંમરમાં પણ મતદાનને પ્રથમ પ્રાધાન્ય આપીને પોતાની ફરજ નિભાવતા હોય તો અન્ય વર્ગના મતદાતાઓએ તેમની પાસેથી પ્રેરણા લેવી જ રહી. પાટણ જિલ્લાના આવા જ શતાયુ મતદારોને પ્રોત્સાહિત કરવા માટે જિલ્લા ચૂંટણી અધિકારી અને જિલ્લા કલેક્ટર અરવિંદ વિજયન ખુદ તેઓના ઘરે પહોંચ્યા હતા.સૌ પ્રથમ જિલ્લા ચૂંટણી અધિકારી અઘાર ગામે નાનીબેન વેનીરામ પટેલના ઘરે પહોંચ્યા હતા. જિલ્લાના આ શતાયુ મતદાર 108 વર્ષના છે. નાનીબેન આટલી ઉંમરમાં પણ પોતાના તમામ કામ સ્વયં કરે છે. તેઓ ની સાથે વાતચીત કરીને જિલ્લા ચૂંટણી અધિકારીએ તેઓની જીવનશૈલી જાણવાના પ્રયત્નો કર્યા હતા. ત્યારબાદ તેઓને સાલ અને સન્માનપત્ર આપીને પ્રોત્સાહિત કર્યા હતા. નાની બેન ના પરીવારે પણ જિલ્લા ચૂંટણી અધિકારીનું સાલ અને તિલક કરીને સન્માન કર્યું હતુ. ત્યાર બાદ જિલ્લા ચૂંટણી અધિકારી અરવિંદ વિજયને તેમના પરિવાર તેમજ પડોશીઓને પણ અવશ્ય મતદાન કરવા માટે અહવાન કર્યું હતુ.
અઘાર ગામે શતાયુ મતદારની મુલાકાત બાદ જિલ્લા ચૂંટણી અધિકારી અરવિંદ વિજયને કમલીવાડા ખાતે 101 વર્ષીય શતાયુ મતદાર કાશીબેન હગોવનભાઈ પટેલની તેમજ 102 વર્ષીય શતાયુ મતદાર ચંદુબેન તેજા જી રાજપૂત ની મુલાકાત લીધી હતી. આ મુલાકાત દરમિયાન કલેક્ટરે શતાયુ મતદારનું સાલ અને સન્માન પત્ર આપીને બહુમાન કર્યું હતુ. તેમજ તેઓને મતદાન કરવા માટે મતદાન મથક સુધી લઈ જવા ની વ્યવ સ્થા કરી આપવાની વાત પણ કરી હતી. શતાયુ મતદારોની મુલાકાત દરમિયાન પાટણ જિલ્લા વિકાસ અધિકારી બી.એમ.પ્રજાપતિ,નિવસી અધિક કલેક્ટર બી.એસ.પટેલ,નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી એ. પી. ઝાલા, પાટણ પ્રાંત અધિકારી મિતુલ પટેલ તેમજ ચૂંટણી શાખાનો સ્ટાફ અને ગામના બી.એલ.ઓ ઉપસ્થિત રહ્યા હતા.
અહેવાલ યશપાલ સ્વામી