પાટણ તા. ૨૮
જિલ્લામાં આગામી તા.4 જુનના રોજ લોકસભા સામાન્ય ચૂંટણી-2024ની મતગણતરી થવાની છે. જે અંતર્ગત એ દિવસે સુચારૂ રૂપે મતગણતરી પૂર્ણ થાય તે માટે વિવિધ પ્રકારની કામગીરી અર્થે અલગ અલગ કચેરીઓના સ્ટાફની નિમણૂક કરવામાં આવી છે. તમામ કામગીરીને ધ્યાનમાં રાખીને જિલ્લા સેવા સદન ખાતે જિલ્લા ચૂંટણી અધિકારી અને જિલ્લા કલેક્ટર અરવિંદ વિજયનની અધ્યક્ષતામાં બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતુ.
મતગણતરીમાં રોકાયેલ સ્ટાફની તાલીમની બેઠકમાં જિલ્લાના તમામ અધિકારીઓ અને તેઓની હેઠળ કામગીરી કરતા કર્મચારીઓને મતગણતરીના દિવસે કરવાની થતી તમામ કામગીરીથી અવગત કરવામાં આવ્યા હતા.
મતગણતરીના દિવસે શાંતિપૂર્ણ માહોલમાં તમામ કામગીરી સંપન્ન થાય તે માટે જરૂરી પોલીસ બંદોબસ્ત, પાર્કિંગ, પીવાનું પાણી, ભોજન વ્યવસ્થા, ચા-નાસ્તાની વ્યવસ્થા, યોગ્ય સાફ-સફાઈ, ફાયર બંદોબસ્ત, સ્ટ્રોંગરૂમ, પોસ્ટલ બેલેટ સંબંધિત વ્યવસ્થા, મીડિયા સેન્ટરને લગતી તમામ વ્યવસ્થા, આરોગ્ય વિષયક વ્યવસ્થા વગેરે જેવી વિવિધ વ્યવસ્થાઓ સંલગ્ન અધિકારીઓ અને તેઓની ટીમને સોંપવામાં આવી છે.
આ તમામ કામગીરી યોગ્યરીતે થાય અને કોઈ કચાશ ન રહી જાય તેનું ધ્યાન રાખવા માટે જિલ્લા ચૂંટણી અધિકારી અરવિંદવિજયને અધિકારીઓને સુચન કર્યું હતુ. મતગણતરીના સ્ટાફની તાલીમ અંગેની બેઠકમાં જિલ્લા ચૂંટણી અધિકારી અરવિંદ વિજયનની સાથે નિવાસી અધિક કલેક્ટર બી.એસ.પટેલ, નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી એ.પી.ઝાલા, તેમજ જિલ્લાના વિવિધ અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
અહેવાલ યશપાલ સ્વામી