પાટણ તા.૧
પાટણ થી વાયા, ચાણસ્મા, મહેસાણાને જોડતો રોડ, નેશનલ હાઈવેમાં મૂકાયા બાદ આ સમગ્ર રોડને ફોરલેન કક્ષાનો બનાવાનું કામ હાલ ચાલી રહ્યું છે. આથી પાટણ થી મહેસાણા,અમદાવાદ, ગાંધીનગર કે આગળ જતાં બધાં જ પ્રકારના વાહનો પાટણથી વાયા, ઊંઝા, મહેસાણા તરફ દોડી રહ્યા છે. આથી પાટણ-ઊંઝા રોડ અત્યારે ભારે ટ્રાફીકવાળો બન્યો છે. પાટણથી ઊંઝા રોડ આજથી ચાર વર્ષ પહેલા ટુ લેન માંથી ફોરલેન બનાવાયો હતો.
૨૭ કી.મી.નો આ રોડ પાટણ અને મહેસાણા જિલ્લાની હદમાં આવેલો છે. આ રોડ ઉપર આવેલ સુણોક ગામથી ઊંઝા સુધીનો ૯ કી.મી.નો રોડ મહેસાણા વિભાગની હદમાં આવે છે. આ રોડ બન્યો ત્યારથી આ ભાગ હલ્કી ગુણવત્તા વાળો, ઓછી પહોળાઈનો બન્યો હતો.વળી આ ૯ કી.મી.ના રોડ ઉપર આવેલ નાળાઓ,ગરનાળા-ટુ લેન કક્ષાના રખાયા હતા અને રોડ ફોરલેન બનાવાયો હતો. આથી આ રોડ નાના-મોટા વાહન ચાલકો માટે ખૂબ જ ભયજનક હતો. છેક મુખ્યમંત્રી સમક્ષ આ નાળાઓ પહોળા કરવા રજૂઆતો કરાઈ હતી.
આખરે મહેસાણા માર્ગ મકાન વિભાગે તાજેતરમાં આ રોડ ઉપર આવેલ પાંચ થી છ ભયજનક નાળા પહોળા બનાવેલ છે. આ નાળાઓને પહોળા કરવાની કામગીરી આજથી દોઢ- બે મહિના પહેલા પૂર્ણ કરાઈ હોવા છતાં, રોડ ઉપરના નાળાઓની જૂની દિવાલોતોડવામાં આવી નથી. આથી આ દિવાલો નાના-મોટા વાહનો માટે ખૂબ જ ભયજનક બની ઉભી છે.
માર્ગ મકાન વિભાગ મહેસાણા શું કોઈ ગંભીર અકસ્માત થાય તેની રાહ જોઈ રહ્યું છે? માર્ગ મકાન વિભાગે હવે સત્વરે આ જૂની દિવાલો તોડી માર્ગને પહોળો કરવો જોઈએ. આ સળંગ રોડ વ્યવસ્થિત પહોળો બનાવો જોઈએ. સાથે સાથે પાટણ-ઊંઝા રોડ ઉપર બાલીસણા પાસે સુજલામ સુફલામ નહેર ઉપર છેલ્લા પાંચ વર્ષથી ભયજનક વળાંક સાથે ડાયવર્ઝન અપાયેલ છે. આ બ્રીજને ફોરલેન કક્ષાનો બનાવવા હજી કયા મૂહુર્તની રાહ જોવાય છે?
અહેવાલ યશપાલ સ્વામી