પાટણ તા. ૨૧
સર્ગભા માતાઓએ પોતાના સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું અતિ જરૂરી છે. કારણકે સગર્ભાવસ્થા દરમિયાન એક સ્ત્રી અનેક માનસિક-શારીરિક તકલીફોનો સામનો કરતી હોય છે. તેથી જ સરકાર પણ આ માતાઓ માટે હરહંમેશ ચિંતીત રહે છે. રાજ્ય સરકાર દ્વારા ખાસ કરીને અતિ જોખમી પરિસ્થિતી ધરાવતી સગર્ભા માતાઓ માટે વિશેષ યોજના અમલમાં મુકવામાં આવી છે. જે અંતર્ગત આવી માતાઓની નોંધણી કરવા માં આવે છે. અને તેઓ પર સતત વોચ રાખવામાં આવે છે.
અતિ જોખમી પ્રસુતિના ચિહ્નો ધરાવતી સગર્ભા માતાઓની પ્રસુતિ સુવિધા સંપન્ન જિલ્લા હોસ્પિટલ અને મેડીકલ કૉલેજ હોસ્પિટલ ખાતે સુનિશ્ચિત કરવાની યોજના અંતર્ગત જિલ્લા હોસ્પિટલ,મેડિકલ કૉલેજ હોસ્પિટલ રાજ્યની ત્રણ એપેક્ષ હોસ્પિટલ U.N.Mehta Institute Of Cardiology, GCRI અને IKDRC ખાતે પ્રસુતિ કરાવ્યા બાદ તેઓને 7 દિવસ બાદ રજા આપ્યેથી લાભ મળવાપાત્ર થાય છે. પાટણ જિલ્લા માં પણ આ યોજના અંતર્ગત પુરજોશમાં કામગીરી કરવામાં આવી રહી છે.
જિલ્લામાં અત્યારસુધી અતિ જોખમી પ્રસુતિના ચિહ્નો ધરાવતી કુલ 371 માતાઓ પૈકી 118 ની જિલ્લા હોસ્પિટલ અને મેડિકલ કૉલેજ હોસ્પિટલ ખાતે પ્રસુતિ કરાવવામાં આવી છે. આ તમામ માતાઓ એકદમ સુરક્ષિત છે. તેમજ તેઓની ગુજરાત સરકારના ઓનલાઇન પોર્ટલમાં જરૂરી વિગતોની એન્ટ્રી થયા બાદ સહાયના નાણાં લાભાર્થીના બેન્ક ખાતામાં જમા કરી દેવામાં આવે છે. જિલ્લાના આવા જ એક બહેનને અતિ જોખમી પ્રસુતિના ચિહ્નો ધરાવતી સગર્ભાની યાદીમાં આવતા હતા. અને આજે તેઓ અને તેઓનું બાળક તંદુરસ્ત છે.
સિદ્ધપુર તાલુકાના મેળોજ ગામના પાર્વતી બહેન નાગજીજી ઠાકોર 25 વર્ષના છે. તેઓની સગર્ભા તરીકે વહેલી નોંધણી કરી દેવામાં આવી હતી તેમજ ફોલિક એસીડની ગોળીઓ 3 માસ સુધી આપવામાં આવી હતી. પાર્વતી બહેનને સમયસર TD વેક્સિનના ડોઝ 28 દિવસના અંતરે આપવામાં આવતા. પ્રથમ ત્રિમાસિક બાદ તેઓને નિયમિત આયર્ન અને કેલ્શિયમની ગોળીઓ પણ આપવામાં આવી હતી.
સમયસર ANC તપાસ, સિધ્ધપુર SDH ખાતે ગાયનેકોલોજિસ્ટ દ્વારા તપાસ, તેમજ 5 આયર્ન સુક્રોઝ પણ ચડાવવામાં આવ્યા હતા. પાર્વતી બહેનની પ્રથમ ડિલીવરી સામાન્ય પરંતુ બીજી ડિલીવરી LSCS હોતા તેઓને અતિ જોખમી પ્રસુતા તરીકેની યાદીમાં સામેલ કરવામાં આવ્યા હતા. પહેલા તો પાર્વતી બહેન ધારપુર MCH ખાતે ડિલીવરી માટે આનાકાની કરતા હતા, જેથી કરીને પ્રા.આ. કેન્દ્રના આયુષ તબીબ ડૉ. નિલેશભાઈ દ્વારા વિઝીટ કરીને તેઓને વિગતવાર કાઉન્સેલિંગ કરીને સમજાવવામાં આવ્યા હતા.
ત્યારબાદ સિધ્ધપુર તાલુકાના તાલુકા આરોગ્ય અધિકારી દ્વારા પણ તેઓની હોમ વિઝીટ કરીને ધારપુર ખાતે જ ડીલીવરી કરાવવા માટે સમજાવવામાં આવ્યા હતા. તેથી તા.31.07.2024ના તેઓને લેબર પેઈન થતા PHCની ગાડી મારફતે ધારપુર MCH ખાતે ડીલીવરી માટે લઇ જવામાં આવ્યા હતા. ઓપરેશન દ્વારા પાર્વતી બહેનને તંદુરસ્ત બાળકનો સુખરૂપ જન્મ થયો હતો. પાર્વતી બહેને સાથે સાથે કુટુંબ નિયોજન ઓપરેશન પણ કરાવી દીધું હતુ.
પાર્વતી બહેનને 7 દિવસ ધારપુર હોસ્પિટલ ખાતે એડમીટ રાખ્યા હતા. પ્રસુતિ બાદ માતા અને બાળક બંનેની તબિયત પણ સારી હતી. જેથી સગર્ભા પાર્વતીબહેન અને તેઓના સંબંધિઓએ ખુશખુશાલ થઇ સરકાર અને આરોગ્ય સ્ટાફનો આભાર માન્યો હતો.
અહેવાલ યશપાલ સ્વામી